Get The App

ડોનાલ્ડ ટ્રમ્પ પર પહેલા જ દિવસે 20 જૂઠાણા બોલવાનો આરોપ, પનામા સહિત કઈ બાબતો પર ચર્ચા થઈ રહી છે

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
ડોનાલ્ડ ટ્રમ્પ પર પહેલા જ દિવસે 20 જૂઠાણા બોલવાનો આરોપ, પનામા સહિત કઈ બાબતો પર ચર્ચા થઈ રહી છે 1 - image


US President Donald Trump Made More than 20 lies: ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત 20 જાન્યુઆરી સોમવારના રોજ યુએસએના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. આ અગાઉ તેઓ 2017થી 2021 સુધી 45મા રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. સોમવારે શપથ લીધા પછી ટ્રમ્પે બે ભાષણો આપ્યા હતા. અમેરિકન મીડિયા દાવો કરી રહ્યું છે કે, આ બે ભાષણો અને મીડિયા સાથેની તેમની વાતચીતમાં ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળના પહેલા જ દિવસે 20થી વધુ જૂઠું બોલ્યા છે. અમેરિકન મીડિયા હવે તે અંગે ફેક્ટ ચેક કરી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ક્યારે અને શું શું જૂઠું બોલ્યા છે.

આ પણ વાંચો : H1B વિઝા, બ્રિક્સ, રશિયા...: ભારત માટે પડકારજનક હશે ટ્રમ્પનો બીજો કાર્યકાળ, જાણો 5 કારણ

બીજા કાર્યકાળના પહેલા દિવસે 20 વખત જૂઠું બોલ્યા

વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટ પ્રમાણે, ટ્રમ્પ તેમના પહેલા કાર્યકાળમાં કુલ 30573 વખત જૂઠું બોલ્યા અથવા અથવા ખોટા અને ભ્રામક દાવા કર્યા અને હવે એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે, શું ટ્રમ્પ આ કાર્યકાળમાં તેમના પાછલા કાર્યકાળમાં બોલેલા જૂઠનો રૅકોર્ડ તોડશે. સીએનએનના રિપોર્ટ પ્રમાણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના બીજા કાર્યકાળના પહેલા દિવસે 20 વખત જૂઠું બોલ્યા છે. આ જૂઠાણા અર્થતંત્ર, માઇગ્રેશન, વિદેશી બાબતો, ઇલેક્ટ્રોનિક વાહનો અને 2020ની ચૂંટણીઓ સાથે સંબંધિત છે.

વોશિંગ્ટન પોસ્ટના આપેલા રિપોર્ટ પ્રમાણે, તેમના પાછલા કાર્યકાળના પ્રથમ 100 દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પે 492 શંકાસ્પદ દાવાઓ અથવા જૂઠાણા અથવા ખોટા અને ભ્રામક દાવાઓ કર્યા હતા. ટ્રમ્પની વારંવાર જૂઠું બોલવાની આદતને ઓળખીને યુએસ મીડિયાએ તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા જૂઠાણા અને ખોટા દાવાઓની સંખ્યા ગણવા માટે ટ્રુથ-ઓ મીટર રજૂ કર્યું. જેથી રાષ્ટ્રપતિના જૂઠાણા અને ખોટા દાવાની સંખ્યાને ગણી શકાય. જે પ્રમાણે તેમના પહેલા કાર્યકાળના ટોચના પાંચ જૂઠાણા આ પ્રમાણે છે. 

1. બાઇડનના કાર્યકાળ દરમિયાન ઉચ્ચ ફુગાવો: 

ટ્રમ્પે શપથ લેતાંની સાથે જ જો બાઇડનની સરકાર પર પ્રહારો કરતાં કહ્યું કે, 'તેમના કાર્યકાળ દરમિયાન અમેરિકામાં ફુગાવાનો દર રૅકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. આ સ્થિતિ ઊંચા ખર્ચ અને વધતી જતી ઊર્જા કિંમતોને કારણે ઊભી થઈ છે. તેમણે તેમના મંત્રીમંડળના સાથીદારોને ફુગાવો ઘટાડવા માટે કામ કરવા હાકલ કરી. જ્યારે ટ્રમ્પના આ દાવાની તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે 2022ના ઉનાળામાં બાઇડનના કાર્યકાળ દરમિયાન ફુગાવો સૌથી વધુ હતો, જ્યારે ફુગાવાનો દર 9.1 ટકા હતો, જે ચાર દાયકામાં સૌથી વધુ છે. એપીના રિપોર્ટમાં જણાવાયું છે કે, ડિસેમ્બર 2024માં તે ઘટીને 2.9% પર આવી ગયો હતો. તો ગાર્ડિયનના અહેવાલમાં પ્રમાણે યુ.એસ.માં સૌથી વધુ નોંધાયેલ ફુગાવાનો દર 1920માં હતો, જે આંકડો 23.7 ટકા હતો.

2. ચીન પનામા કેનાલનું સંચાલન કરે છે:

ટ્રમ્પે પનામા કેનાલને પરત લેવાની ઇચ્છા વ્યક્ત કરતાં તેમના પહેલા ભાષણમાં દાવો કર્યો હતો કે, ચીન તેનું સંચાલન કરી રહ્યું છે.  જ્યારે પનામા કેનાલના અધિકારીઓએ ચીન તેનું સંચાલન કરી રહ્યું હોવાના દાવાઓને નકારી કાઢ્યો હતો. અધિકારીઓએ ટ્રમ્પના એ દાવાને પણ નકારી કાઢ્યો હતો કે, અમેરિકા પાસેથી વધુ પૈસા લેવામાં આવી રહ્યા છે. ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે, પનામા કેનાલના નિર્માણ દરમિયાન 38,000 લોકોના મોત થયા હતા. નહેરના અધિકારીઓએ પણ આ વાતને નકારી કાઢી હતી કે, નહેરના બાંધકામ દરમિયાન 5,600 લોકો મૃત્યુ પામ્યા હતા.

3. EV આદેશ રદ કરશે: 

ટ્રમ્પે કહ્યું હતું કે, અમારી સરકાર ઈલેક્ટ્રિક વાહનોની અનિવાર્યતાવાળા EV આદેશ રદ કરશે. તેના કારણે ઓટો ઉદ્યોગ બચી જશે. પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે, અમેરિકામાં આવો કોઈ આદેશ હજુ સુધી અસ્તિત્વમાં નથી.

4. જન્મસિદ્ધ નાગરિકતા અધિકારવાળો અમેરિકા એકમાત્ર દેશ છે: 

ટ્રમ્પે ઓવલ ઑફિસમાં કહ્યું કે, અમેરિકા વિશ્વનો એકમાત્ર દેશ છે જેની પાસે જન્મસિદ્ધ નાગરિકતા છે. સીએનએન અને અન્ય અસંખ્ય માધ્યમોએ આ દાવાને પણ પોકળ ગણ્યો છે, અને કહ્યું છે કે લગભગ 36 એવા દેશો છે કે, તેમની ભૂમિ પર જન્મેલા લોકોને જન્મ સાથે નાગરિકતા આપે છે, જેમાં યુએસના પડોશીઓ કેનેડા અને મેક્સિકો અને મોટાભાગના દક્ષિણ અમેરિકન રાષ્ટ્રોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : પનામા કેનાલમાં એવું તો શું છે કે કબજો કરવા તલપાપડ છે ટ્રમ્પ, જાણો ચીન કનેક્શન

5. ચીન પર ટ્રમ્પનો ટેરિફ: 

ટ્રમ્પે બીજો એક ખોટો દાવો એ કર્યો કે, તેમના પહેલા કાર્યકાળ દરમિયાન અમેરિકાએ ચીન પર ટેરિફ વધાર્યા અને તેની પાસેથી સેંકડો અબજો ડૉલર વસૂલ કર્યા હતા. પરંતુ જ્યારે સીએનએન દ્વારા તેની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, આ ટેરિફ ચીન દ્વારા નહીં પરંતુ યુએસ આયાતકારો દ્વારા ચૂકવવામાં આવે છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ટ્રમ્પના ટેરિફથી મોટાભાગે અમેરિકનો પર અસર થઈ છે.



Google NewsGoogle News