ટ્રમ્પે મેક્સિકો-કેનેડાના કારણે ચીનની મુશ્કેલી વધારી, 10 ટકા ટેરિફ લાદવાની કરી જાહેરાત
US President Donald Trump Tariffs China : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાના કારણે ચીનની મુશ્કેલી વધારી છે. આ પહેલા પ્રમુખપદનો પદભાર સંભાળ્યા બાદ ટ્રમ્પ ભારત-ચીનની મુલાકાત લેવાની ચર્ચા ચાલી હતી, તો બીજીતરફ તેઓએ ચીન પર ટેરિફ લાદવાની તૈયારીઓ શરુ કરી દીધી છે.
ચીન પર 10 ટકા ટેરિફ લાદવાની વિચારણા
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમારી સરકાર પહેલી ફેબ્રુઆરીથી ચીન પર 10 ટકા ટેરિફ લાદવા અંગે વિચારણા કરી રહી છે. જોકે ચીન મેક્સિકો અને કેનેડાને ફેન્ટાનિલ મોકલી રહ્યું છે કે, નહીં, તેના આધારે આ ટેરિફ લાદવામાં આવશે. ફેન્ટાનિલ એક પ્રકારનો નશીલો પદાર્થ છે, જે હેરોઈનથી 10 ઘણો વધુ શક્તિશાળી અને નશાવાળો પદાર્થ છે.
ટ્રમ્પે પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરી
અમેરિકાના પ્રમુખે વ્હાઈટ હાઉસમાં ઓરેકલના મુખ્ય ટેકનોલોજી અધિકારી (CTO) લૈરી એલિસન, સોફ્ટબેંકના મુખ્ય કાર્યકારી અધિકારી માયાયોશીસેન અને ઓપન એઆઈના સીઈઓ સૈમ ઑલ્ટમેન સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં કહ્યું કે, ‘અમે ચીન પર 10 ટકા ટેરિફ લગાવવાની વિચારણા કરી રહ્યા છીએ. ચીન મેક્સિકો અને કેનેડાને ફેન્ટાનિલ મોકલી રહ્યું છે કે, નહીં, તેના આધારે આ ટેરિફ લાદવામાં આવશે.
ચીન પર પહેલી ફેબ્રુઆરીથી ટેરિફ લાદવાની તૈયારી
ટ્રમ્પે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, અમે પહેલી ફેબ્રુઆરીથી ચીન પર ટેરિફ લાદવાની તૈયારીમાં છીએ. અમે ચીન પર 25 ટકા ટેરિફ લાદવા અંગે વાત કરી રહ્યા છીએ. અન્ય એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (China President Xi Jinping) સાથે વાત કરી હતી, ત્યારે ટેરિફ અંગે વધુ વાત કરી ન હતી. ચીન પર ટેરિફ લાદવાનો નિર્ણય અમેરિકાની બિઝનેસ પોલિસીનું એક મહત્ત્વપૂર્ણ પગલું હોઈ શકે છે.
આ પણ વાંચો : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભાષણમાં લોથ મારી, સ્પેનને BRICS દેશોનો હિસ્સો ગણાવતાં ટ્રોલ થયા