Get The App

ICC પર પ્રતિબંધ, WHOથી આઉટ, UNને પણ ઝટકો... ડોનાલ્ડ ટ્રમ્પનો શું છે પ્લાન?

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
ICC પર પ્રતિબંધ, WHOથી આઉટ, UNને પણ ઝટકો... ડોનાલ્ડ ટ્રમ્પનો શું છે પ્લાન? 1 - image


USA Donald Trump: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદથી કઠોર અને આક્રમક વિદેશ નીતિ અપનાવી રહ્યા છે. ટ્રમ્પે શપથ લીધા બાદ અમેરિકા વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન(WHO)માંથી ખસી જવાના નિર્ણય પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે  WHO, UNHRC, UNRWA, પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી બહાર નીકળવાના નિર્ણય સાથે અમેરિકાની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓને અલવિદા કહ્યું છે અને અમેરિકન સ્વાયત્તતાને પ્રાથમિકતા આપી છે. તેમણે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) પર પણ ઘણા નિયંત્રણો લાદ્યા છે.

શા માટે ICC પર પ્રતિબંધ?

આ પગલું ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની વોશિંગ્ટન મુલાકાત સાથે સુસંગત છે. ICCએ બેન્જામિન નેતન્યાહુને વોન્ટેડ જાહેર કર્યા છે. જેથી ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ ICC પ્રોસિક્યુટર ફતૌ બેનસોદા પર પ્રતિબંધો લગાવ્યા હતા. ત્યારબાદ ICCએ અફઘાનિસ્તાનમાં યુદ્ધ અપરાધો માટે અમેરિકન સૈનિકો સામે તપાસ શરુ કરી. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ બાદ અમેરિકી સરકાર પ્રતિબંધિત યાદીમાં સામેલ લોકોની સંપત્તિ જપ્ત કરી શકશે અને તેમના પરિવારના અમેરિકા આવવા પર પ્રતિબંધ લગાવી શકશે. અમેરિકાએ દલીલ કરી હતી કે, ICCએ અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ 'ગેરકાયદેસર અને પાયાવિહોણા પગલાં' લીધા છે. ICCએ તેની સત્તાનો દુરુપયોગ કર્યો છે અને અમેરિકાના કર્મચારીઓ અને ઈઝરાયલ સહિત અમેરિકાના સહયોગીઓ વિરુદ્ધ કોઈપણ કાયદેસર આધાર વિના તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે. 125 સભ્યોની આઇસીસી એક સ્થાયી કોર્ટ છે, જે યુદ્ધના અપરાધો, માનવતા વિરુદ્ધ ગુના, નરસંહાર, અને સભ્ય દેશોના ક્ષેત્ર તથા નાગરિકો વિરુદ્ધ આક્રમકતાના ગુના બદલ કેસ ચલાવી શકે છે. જેના યુએસએ, ચીન, રશિયા અને ઈઝરાયલ સભ્ય નથી. 

અમેરિકા WHOમાંથી બહાર

અમેરિકાને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનમાંથી બહાર કાઢવા પાછળ ટ્રમ્પે આ જ તર્ક આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે WHO એ કોવિડ-19 મહામારી દરમિયાન યોગ્ય કામગીરી કરી નથી. તે સ્વતંત્ર રીતે કાર્ય કરવામાં નિષ્ફળ ગયું અને તેણે રાજકીય પ્રભાવ હેઠળ કામ કર્યું. ટ્રમ્પે WHO પર કોવિડ દરમિયાન ચીનના હિતોનું રક્ષણ કરવાનો આરોપ લગાવ્યો હતો કે, WHO દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2020માં આપવામાં આવેલી સલાહ અપર્યાપ્ત હતી અને તેના કારણે વાયરસને નિયંત્રિત કરવામાં વિલંબ થયો હતો.

WHOમાંથી અમેરિકા બહાર નીકળવાના કારણે WHOના કામનો વ્યાપ નોંધપાત્ર રીતે ઘટી જશે. આ ઉપરાંત, આ સંગઠનને અમેરિકા તરફથી મળેલી મોટી રકમમાં ઘટાડો થશે, 2023-24માં અમેરિકાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ને લગભગ 1.28 અબજ ડૉલર આપ્યા હતા.

પેરિસ ક્લાઇમેન્ટ એગ્રીમેન્ટમાંથી પણ બહાર

ટ્રમ્પ શરુઆતથી જ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટથી નારાજ છે. 2015માં થયેલા આ કરારનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક તાપમાનને નિયંત્રિત કરવાનો છે. આ માટે કોલસો, ગેસ અને ઓઇલથી થતાં પ્રદૂષણને ઘટાડવું પડશે. પ્રદૂષણ ઘટાડવાનો અર્થ એ છે કે તેનો ઉપયોગ ઓછો કરવો પડશે. મોટા પાયે ઉદ્યોગોને કારણે અમેરિકાનું ગ્રીનહાઉસ ઉત્સર્જન વધુ હોવાથી, પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ હેઠળ તેનું લક્ષ્ય પણ મોટું હતું અને ટ્રમ્પે આવતાંની સાથે જ તેનો વિરોધ કર્યો અને કરારથી દૂર થઈ ગયા. ગયા મંગળવારે ટ્રમ્પે યુએનના બેનર હેઠળ કામ કરતી આ સંસ્થામાંથી અમેરિકાને બહાર કરવાની જાહેરાત કરી હતી. ઉપરાંત તેને અપાતા ફંડિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. ટ્રમ્પ અને તેમના વહીવટીતંત્રે યુએનએચઆરસીને ઈઝરાયલ વિરુદ્ધ સતત પક્ષપાતી માની છે.

ICC પર પ્રતિબંધ, WHOથી આઉટ, UNને પણ ઝટકો... ડોનાલ્ડ ટ્રમ્પનો શું છે પ્લાન? 2 - image


Google NewsGoogle News