PM મોદીના અમેરિકા પ્રવાસ પહેલા મોટી જાહેરાત કરી શકે છે ટ્રમ્પ, ભારતને પડશે અબજો રૂપિયાનો ફટકો
Donald Trump Big Announcement On Tariffs: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે (નવમી ફેબ્રુઆરી) જાહેરાત કરી હતી કે, તે યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકો સહિત તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર 25% ટેરિફ લાદવાની યોજના છે. આ પગલું અમેરિકન ઉદ્યોગોને સુરક્ષિત રાખવા અને વેપાર અસંતુલનને સુધારવા માટે છે.
ટ્રમ્પનો નિર્ણય અમેરિકાની વેપાર નીતિમાં એક મોટો ફેરફાર દર્શાવે
સુપર બાઉલમાં હાજરી આપવા માટે ફ્લોરિડાથી ન્યૂ ઓર્લિયન્સ જતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ વનમાં આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'યુનાઇટેડ સ્ટેટ્સમાં આવતા કોઈપણ સ્ટીલ પર 25 ટકા ટેરિફ લાગશે. એલ્યુમિનિયમ પર પણ આ વેપાર દંડ લાગશે' ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકાની વેપાર નીતિમાં એક મોટો ફેરફાર દર્શાવે છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે, 'જો અન્ય દેશો અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ લાદે છે, તો અમેરિકા પણ આવી જ નીતિ અપનાવશે. જો અન્ય દેશો અમારી પાસેથી 130 ટકા ડ્યુટી વસૂલતા હોય અને અમે તેમની પાસેથી કંઈ વસૂલતા ન હોઈએ, તો આ પરિસ્થિતિ હવે વધુ સમય સુધી ચાલુ રહી શકે નહીં. અમારે વેપાર સંબંધોને યોગ્ય રીતે સંતુલિત કરવા પડશે.'
ભારત અને અમેરિકાના સંબંધોમાં સ્ટીલ અને એલ્યુમિનિયમ ખૂબ મહત્વપૂર્ણ છે. વર્ષ 2023માં ભારતે અમેરિકામાં ચાર અબજ ડોલરનું સ્ટીલ તથા 1.1 અબજો ડોલરના એલ્યુમિનિયમની નિકાસ કરી હતી. જાન્યુઆરી 2024માં બંને દેશો વચ્ચે એક કરાર થયો હતો કે 336,000 ટન સ્ટીલ અને એલ્યુમિનિયમના વેપાર પર કોઈ ટેરિફ નહીં લાગે. જોકે ટ્રમ્પ હવે 25 ટકા ટેરિફ લગાવે તો ભારતને મોટો ઝટકો લાગી શકે છે.
કેનેડા અને મેક્સિકો માટે ચિંતાનું કારણ
આ નિર્ણય ખાસ કરીને કેનેડા અને મેક્સિકો જેવા દેશો માટે ચિંતાનું કારણ બની શકે છે, જે અમેરિકાના વેપાર ભાગીદાર છે. કેનેડાના કાર્યકારી વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હાલમાં પેરિસમાં છે, જ્યાં તેઓ એક હાઇ-પ્રોફાઇલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. જોકે, પેરિસમાં ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે રાત્રિભોજન પછી, તેમણે ટ્રમ્પના ટેરિફ પ્રસ્તાવ પર મીડિયાના પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા.