'ભારત-અમેરિકા વેપારને 2030 સુધીમાં બમણો કરીશું', જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સમાં બોલ્યા PM મોદી
PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના અમેરિકાના પ્રવાસે છે. ત્યારે આજે (14મી ફેબ્રુઆરી) તેમણે વૉશિંગ્ટન ડીસી ખાતે વ્હાઇટ હાઉસમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. બંને ગ્લોબલ લીડર વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ત્યારબાદ દ્વિપક્ષીય બેઠક બાદ બંને નેતાઓની જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ભારત-અમેરિકા વેપારને વર્ષ 2030 સુધીમાં બેગણો કરીશું. નવા લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો સંકલ્પ. આતંકવાદ વિરુદ્ધ સાથે મળીને લડીશું. માનવ તસ્કરીના તંત્ર સામે અમારી લડાઈ. જે ભારતીય હશે તેને પરત લેશે ભારત.' આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું છે.
જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સની શરુઆત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભારત પ્રવાસ અને વડાપ્રધાન મોદીની હોસ્પિટેલિટીને યાદ કરતા કરી. બંને દેશોને આર્થિક રીતે મજબૂત કરવા માટે ફ્રેમવર્કની જાહેરાત કરી. તેમણે જણાવ્યું હતું કે, 'આ વર્ષે અરબો ડૉલરની સાથે વધુ રક્ષા વેચાણ શરુ થઈ રહ્યું છે. ક્વાડ અને ઇન્ડો-પેસિફિકને મજબૂત કરવામાં આવશે.'
'ઇસ્લામિક આતંકવાદ સામે લડીશું'
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતુ કે, 'મને એ જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે મારા તંત્રએ ભારતમાં ન્યાયનો સામનો કરવા માટે વર્ષ 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના ષડયંત્રકારમાંથી એક તહવ્વુર રાણાને પ્રત્યાર્પણની મંજૂરી આપી દીધી છે. તે ન્યાયનો સામનો કરવા માટે ભારત પરત જઈ રહ્યા છે. ઇસ્લામિક આતંકવાદ સામે લડીશું.'
ટેરિફને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'વડાપ્રધાન મોદીએ હાલમાં જ ભારતના અયોગ્ય ટેરિફમાં ઘટાડાની જાહેરાત કરી છે. ભારતની સાથે અમેરિકાનું વ્યાપાર ખાધ લગભગ 100 બિલિયન ડૉલર છે અને વડાપ્રધાન મોદી અને હું આ વાત પર સહમત છીએ કે અમે લાંબા સમયથી ચાલી રહેલી અસમાનતાઓને દૂર કરવા માટે વાતચીત કરીશું, જેનું ગત ચાર વર્ષોમાં ધ્યાન રખાવું જોઈતું હતું. અમે હકીકતમાં એક સમાન રમતનું મેદાન ઇચ્છીએ છીએ, જેના અમે હકદાર છીએ.'
આ પણ વાંચો: PM મોદીને ગળે મળ્યા ટ્રમ્પ, કહ્યું- 'ભારત-અમેરિકાનું સાથે રહેવું જરૂરી'
ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીએ ઉર્જાને લઈને મહત્ત્વના કરાર પર કર્યા હસ્તાક્ષર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'અમે ઓઇલ અને ગેસ, એલએનજીના વેચાણની સાથે ખાધના અંતરને ખૂબ સરળતાથી પૂરા કરી શકીએ છીએ. વડાપ્રધાન મોદી અને મેં ઉર્જાને લઈને એક મહત્ત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે અમેરિકાને ભારતમાં ઓઇલ અને ગેસના લીડિંગ સપ્લાયર તરીકે ફરી સ્થાપિત કરશે.
મેં 5 વર્ષ પહેલા તમારા ખૂબસુંદર દેશની યાત્રા કરી હતી
વધુમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'હું વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરતા ઉત્સાહિત છું. અમે અહીં અને ભારતમાં ખૂબ સમય વિતાવ્યો છે. મેં 5 વર્ષ પહેલા તમારા ખૂબસુંદર દેશની યાત્રા કરી હતી. તે એક અવિશ્વસનીય સમય હતો. દુનિયાની સૌથી જૂની અને સૌથી મોટી લોકશાહી અમેરિકા અને ભારત વચ્ચે એક ખાસ સંબંધ છે. આજે, વડાપ્રધાન અને હું સંબંધોને વધુ મજબૂત કરવા માટે એક ફ્રેમવર્કની જાહેરાત કરી રહ્યા છીએ.'
'સીમાપાર આતંકવાદ સામે કડક કાર્યવાહી જરૂરી : પીએમ મોદી
જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 'અમે આતંકવાદ સામે લડવામાં સહયોગ કરીશું. સરહદ પારના આતંકવાદ સામે કડક કાર્યવાહીની જરૂર છે. 26/11ના આતંકવાદી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો નિર્ણય લેવા બદલ હું અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો આભારી છું. અમારી અદાલતો તેને ન્યાયના દરવાજે લાવશે.'
MAGA સામે MIGAનો સૂત્ર આપ્યો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 'અમારું માનવું છે કે ભારત અને અમેરિકાની એકતા અને સહયોગ એક શ્રેષ્ઠ દુનિયાને આકાર આપી શકે છે.' અમેરિકાના લોકો રાષ્ટ્રપતિ ટ્રમ્પના સૂત્ર, 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન', એટલે કે 'MAGA'થી પરિચિત છે. ભારતના લોકો પણ 2047માં વિકસિત ભારતના દૃઢ સંકલ્પ સાથે વારસા અને વિકાસના માર્ગ પર વિકાસ તરફ ખૂબ જ ગતિ અને શક્તિ સાથે આગળ વધી રહ્યા છે. અમેરિકન ભાષામાં, વિકસિત ભારતનો અર્થ થાય છે ભારતને ફરીથી મહાન બનાવો, એટલે કે 'MIGA'. જ્યારે અમેરિકા અને ભારત સાથે મળીને કામ કરે છે, એટલે કે 'MAGA' અને 'MIGA', ત્યારે તે બને છે - 'સમૃદ્ધિ માટે MEGA ભાગીદારી' અને આ મહાશક્તિ આપણા લક્ષ્યોને નવો વ્યાપ અને અવકાશ પૂરો પાડે છે.'
આ પણ વાંચો: અમેરિકાની મુલાકાત દરમિયાન મોદી ઇલોન મસ્કને મળશે : સ્ટાર-લિંકના ભારત પ્રવેશની ચર્ચા કરશે
'આપણે ઇન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ વધારવા માટે સાથે મળીને કામ કરીશું' : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, 'ભારતની સંરક્ષણ તૈયારીઓમાં અમેરિકાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.' વ્યૂહાત્મક અને વિશ્વસનીય ભાગીદારો તરીકે, અમે સંયુક્ત વિકાસ, સંયુક્ત ઉત્પાદન અને ટૅક્નોલૉજી ટ્રાન્સફરને સક્રિયપણે અનુસરી રહ્યા છીએ. આજે આપણે TRUST પર સંમત થયા છીએ, એટલે કે વ્યૂહાત્મક ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને સંબંધોમાં પરિવર્તન. આ અંતર્ગત, મહત્ત્વપૂર્ણ ખનિજો, અદ્યતન સામગ્રી અને ફાર્માસ્યુટિકલ્સની મજબૂત સપ્લાય ચેઇન બનાવવા પર ભાર મૂકવામાં આવશે. ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી લોકશાહી અને લોકશાહીના મૂલ્યો તથા પ્રણાલીઓને મજબૂત બનાવે છે. આપણે ઇન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ વધારવા માટે સાથે મળીને કામ કરીશું. આમાં ક્વાડની ખાસ ભૂમિકા રહેશે. આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને અમેરિકા મજબૂતીથી સાથે ઊભા રહ્યા છે. અમે સંમત છીએ કે સરહદ પારના આતંકવાદને નાબૂદ કરવા માટે નક્કર કાર્યવાહી જરૂરી છે.'