બાઈડનનુ કૂતરુ 'કમાન્ડર' સિક્રેટ સર્વિસ એજન્ટને કરડ્યુ, અત્યાર સુધીમાં 11 લોકો તેનો ભોગ બની ચુકયા છે
image : Twitter
વોશિંગ્ટન,તા.30.સપ્ટેમ્બર,2023
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનનુ બે વર્ષનુ જર્મન શેફર્ડ ડોગ કમાન્ડર વ્હાઈટ હાઉસમાં વધુ એક સિક્રેટ સર્વિસ એજન્ટને કરડ્યુ છે.
કમાન્ડર અત્યાર સુધીમાં 11 વ્યક્તિઓને બચકા ભરી ચુકયુ છે.અમેરિકન ન્યૂઝ ચેનલે વ્હાઈટ હાઉસના અધિકારીને ટાંકીને કહ્યુ હતુ કે, સોમવારે રાત્રે લગભગ આઠ વાગ્યે સિક્રેટ સર્વિસના એક અધિકારી બાઈડન પરિવારના પાળેલા કુતરા સાથે સંપર્કમાં આવ્યા હતા અને કુતરુ તેમને કરડ્યુ હતુ. અધિકારીની વ્હાઈટ હાઉસમાં સારવાર કરવામાં આવી હતી.
આ અધિકારીની તબીયત હવે સારી છે. બાઈડનના ડેલાવેર સ્થિત નિવાસ સ્થાન અને એ પછી વ્હાઈટ હાઉસમાં કમાન્ડરે અત્યાર સુધીમાં 11 લોકો પર એટેક કરેલો છે. નવેમ્બર 2022માં પણ એક અધિકારીને કમાન્ડર એ હદે કરડ્યુ હતુ કે, તેમને હોસ્પિટલમાં ભરતી કરવાની જરુર પડી હતી. આ ઘટનાઓ બાદ બાઈડનના કૂતરાને નવેસરથી તાલીમ આપવાના પ્રોટોકોલ પણ કામ થઈ રહ્યુ છે.
જોકે આ પહેલા પણ બાઈડનનુ એક કુતરુ મેજર વ્હાઈટ હાઉસમાં આક્રમક બન્યુ હતુ. વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિના સ્ટાફના લોકો પર તે હુમલા કરવા માંડ્યુ હતુ અને કરડવા માંડ્યુ હતુ. જેના કારણે આ કૂતરાને વ્હાઈટ હાઉસની બહાર લઈ જવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ 2021માં કમાન્ડરને લાવવામાં આવ્યો હતો. જોકે કમાન્ડર પણ આ જ પ્રકારને હુમલા કરી રહ્યુ હોવાથી રાષ્ટ્રપતિની સુરક્ષા સંભાળતા એજન્ટો ચિંતિત બન્યા છે.