અમેરિકાના પ્રમુખ બાયડેન આજે ઇઝરાયલની મુલાકાતે: તે યુદ્ધમાંથી કોઇ માર્ગ નીકળશે?

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
અમેરિકાના પ્રમુખ બાયડેન આજે ઇઝરાયલની મુલાકાતે: તે યુદ્ધમાંથી કોઇ માર્ગ નીકળશે? 1 - image


- આ પૂર્વે અમેરિકી વિદેશમંત્રી બ્લિન્કેને પણ મધ્ય-પૂર્વની મુલાકાત લીધી હતી પરંતુ કોઇ નિશ્ચિત માર્ગ મળ્યો નથી

નવી દીલ્હી : અમેરિકાના પ્રમુખ જો બાયડેન આવતીકાલે (બુધવારે) ઇઝરાયલની મુલાકાતે જવાના છે. ઇઝરાયલ- હમાસ યુદ્ધ સમયે બાયડેનની આ મુલાકાત ઘણી મહત્વની માનવામાં આવે છે. અમેરિકાના વિદેશ મંત્રી આ પૂર્વે મધ્ય-પૂર્વના દેશોની મુલાકાતે ગયા હતા પરંતુ કોઇ માર્ગ નીકળી શક્યો નથી. તેમણે જ પત્રકારોને જણાવ્યું હતું કે પ્રમુખ બાયડેન બુધવારે ઇઝરાયલના પાટનગર તેલ-અવીવ પહોંચશે. તેઓ તે સમયે, તેલ-અવીવ જઇ રહ્યા છે કે, જ્યારે ઇઝરાયલ હમાસ સાથે નિર્ણાયક યુદ્ધ ખેલી રહ્યું છે. જો કે, પ્રમુખ બાયડેન તેમની તે મુલાકાત વખતે ઇઝરાયલ સાથેની અમારી એકતા દર્શાવશે. 

બ્લિંકેને કહ્યું હજી સુધીમાં હમાસે ૧૪૦૦ લોકોની ઇઝરાયલમાં હત્યા કરી છે જેમાં ૩૦ અમેરિકાના નાગરિકો પણ સામેલ છે. તેનો ઉલ્લેખ કરતા બાયડેને કાયરોનું ઝુંડ પણ કહી દીધું છે. તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે હમાસ અને અન્ય આતંકીઓ સામે, પોતાનું રક્ષણ કરવાનો ઇઝરાયલને સંપૂર્ણ અધિકાર છે. 

બ્લિન્કેને વધુમાં કહ્યું હતું કે બાયડેન હમાસ સમક્ષ અપહૃતોને છોડી મુકવા માટે અપીલ તો કરશે જ. ઇઝરાયલ સાથે રહી બંધક બનાવાયેલા અપહૃતોની મુક્તિ માટે અપીલ કરશે.

આ પૂર્વે બાયડેને મહત્વની વાત કરતાં કહ્યું હતું કે, 'હમાસ અને ઇઝરાયલ બંનેએ એકબીજા ઉપર હુમલા કર્યા છે, પરંતુ બંને હુમલામાં તફાવત છે. હમાસના હુમલા બર્બરતાપૂર્ણ હતા, તેથી ઇઝરાયલના વળતા પ્રહારો યોગ્ય ગણી શકાય.'

આ સાથે તેઓએ પોતાના મિત્ર દેશને પરોક્ષ રીતે ચેતવણી પણ આપી હતી અને કહ્યું હતું કે, 'ગાઝામાં હુમલા કરશો તો તે ભારે મોટી ભૂલ બની રહેશે.' હું આશા રાખું છું કે ગાઝામાં નિર્દોષ નાગરિકોને હત્યામાંથી બચાવવા ઇઝરાયલ દરેક પ્રકારના પ્રયત્નો કરશે.' 

આમ છતાં બાયડને કહ્યું હતું કે, ઇઝરાયલ અને પેલેસ્ટાઇનીઓ વચ્ચે મૂળભૂત તફાવત છે, કારણ કે આતંકી જૂથ બર્બરતા આચરે છે, તે પ્રલય મચાવવા માગે છે તેના હેતુઓ ઘણા જ નકારાત્મક છે. 

આ પૂર્વે બાયડેને એક ઇન્ટરવ્યુમાં હમાસને કાયરોનું ઝુંડ કહેતાં જણાવ્યું હતું કે 'તેઓતો, નિર્દોષ નાગરિકો પાછળ છુપાઇ રહ્યા છે.'


Google NewsGoogle News