ભારતમાં જે વ્યક્તિને લઈને હોબાળો મચ્યો એને જો બાઈડેને સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું
Presidential medal of freedom to George Soros : અમેરિકન પ્રમુખ જો બાઈડેને 14 લોકોને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમથી સન્માનિત કર્યા છે, જેમાં ભૂતપૂર્વ વિદેશ સચિવ હિલેરી ક્લિન્ટન, ફેશન ડિઝાઇનર રાલ્ફ લોરેન, ફૂટબોલ સુપરસ્ટાર લિયોનેલ મેસી, પૂર્વ સંરક્ષણમંત્રી દિવંગત એશ્ટન કાર્ટર અને ઈન્વેસ્ટર જ્યોર્જ સોરોસનો પણ સમાવેશ થાય છે. બાઈડેને શનિવારે અમેરિકન પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય વ્હાઇટ હાઉસ ખાતે એવોર્ડ વિજેતાઓને અમેરિકાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા.
વ્હાઈટ હાઉસે નિવેદન જાહેર કર્યું
વ્હાઇટ હાઉસે કહ્યું કે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એવા વ્યક્તિઓને આપવામાં આવે છે કે જેમણે અમેરિકાની સમૃદ્ધિ, મૂલ્યો અથવા સુરક્ષા, વૈશ્વિક શાંતિ અથવા અન્ય મહત્વપૂર્ણ સામાજિક, જાહેર અથવા ખાનગી પ્રયાસોમાં યોગદાન આપ્યું છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે આ એવોર્ડ માટે પસંદ કરાયેલ બિલ ક્લિન્ટન, લોરેન, મેસ્સી, કાર્ટર અને સોરોસ સહિત 19 વ્યક્તિઓ એવા મહાન લીડર છે જેમણે અમેરિકા અને વિશ્વને એક સારી જગ્યા બનાવી છે.
19 લોકોને સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું
ખરેખર તો અમેરિકન પ્રમુખ જો બાઈડેને 19 લોકોને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન રાષ્ટ્રપતિ મેડલ ઓફ ફ્રીડમથી સન્માનિત કર્યા છે. જેમાં પૂર્વ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરી ક્લિન્ટન, અભિનેતા માઈકલ જે. ફોક્સ, U2 રોક બેન્ડ ફ્રન્ટમેન બોનો, અનુભવી નિવૃત્ત બાસ્કેટબોલ ખેલાડી ઈરવિન મેજિક જોન્સન અને અન્યનો સમાવેશ થાય છે. જ્યારે સમારંભ દરમિયાન તેમના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે હિલેરી ક્લિન્ટને ઉપસ્થિત લોકો તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન પ્રાપ્ત કર્યું હતું.
જ્યોર્જ સોરોસનું પણ સન્માન
ઓપન સોસાયટી ફાઉન્ડેશનના સ્થાપક જ્યોર્જ સોરોસને પણ પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ એનાયત કરવામાં આવ્યો છે. તેમના પુત્ર એલેક્સ સોરોસે તેમના વતી સન્માન સ્વીકાર્યું. મરણોપરાંત એવોર્ડ મેળવનારાઓમાં ભૂતપૂર્વ એટર્ની જનરલ રોબર્ટ ફ્રાન્સિસ કેનેડી, ભૂતપૂર્વ યુએસ સેક્રેટરી ઑફ ડિફેન્સ એશ્ટન બાલ્ડવિન કાર્ટર, મિસિસિપી ફ્રીડમ ડેમોક્રેટિક પાર્ટીના સ્થાપક ફેની લૌ હેમર અને મિશિગનના ભૂતપૂર્વ ગવર્નર જ્યોર્જ રોમનીનો સમાવેશ થાય છે.
સોરોસ પર લાગ્યા છે ગંભીર આરોપ
ઉલ્લેખનીય છે કે જ્યોર્જ સોરોસ પર ભારત સરકારને અસ્થિર કરવા માટે વિપક્ષ સાથે મળીને ષડયંત્ર રચવાનો આરોપ છે. તેને લઈને સંસદમાં ઘણી વખત હોબાળો થયો છે. એવો પણ આરોપ છે કે તે ભારત સરકારને અસ્થિર કરવા માટે વિપક્ષને ભંડોળ પૂરું પાડે છે. જેને લઈને ભાજપ કોંગ્રેસ પર આક્ષેપ કરી રહી છે.