ટ્રમ્પ પણ મારા જેટલા જ ઘરડા છે, વૃધ્ધાવસ્થાના સવાલ પર ટીવી ડિબેટમાં ભડકયા જો બાઈડન
image : Twitter
વોશિંગ્ટન,તા.28 ફેબ્રુઆરી 2024,બુધવાર
અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના સંભવિત ઉમેદવાર અને હાલના રાષ્ટ્રપતિ જો બાઈડનની વૃધ્ધાઅવસ્થા ચૂંટણી પ્રચારમાં એક મોટો મુદ્દો બને તેમ લાગી રહ્યુ છે.
તેમના હરિફ ઉમેદવાર અને રિપબ્લિકન પાર્ટીના નેતા ડોનાલ્ડ ટ્રમ્પ પણ તાજેતરમાં કહી ચુકયા છે કે, રાષ્ટ્રપતિ પદની બીજી ટર્મ સંભાળવા માટે બાઈડન ઘણા વૃધ્ધ કહી શકાય. જોકે બાઈડનને આ નિવેદન પસંદ આવ્યુ નથી.
અમેરિકન ટીવી ચેનલના એન્કર સાથેની વાતચીતમાં બાઈડને તેનો જવાબ આપ્યો હતો.એન્કર સેઠ મેયર્સે તેમને પૂછ્યુ હતુ કે, તમારી વય 81 વર્ષની છે? જેના જવાબમાં બાઈડને કહ્યુ હતુ કે, આવુ કોણ કહી રહ્યુ છે...મારી ઉંમરને લગતો દસ્તાવેજ ગુપ્ત છે. સાથે સાથે બાઈડને કહ્યુ હતુ કે, તમારે પેલા વ્યક્તિ( ટ્રમ્પ)ની વય પર પણ નજર નાંખવી જોઈએ. તે પણ મારા જેટલા જ ઘરડા છે. બાઈડનનો ઈશારો ટ્રમ્પની 77 વર્ષની વય તરફ હતો.
બાઈડને આગળ કહ્યુ હતુ કે, શારીરિક વયનુ મહત્વ નથી. તમારા વિચારો મહત્વ રાખતા હોય છે. આ વર્ષે થનારી ચૂંટણી અમેરિકાનુ ભવિષ્ય નક્કી કરશે. મેં મારા કાર્યકાળ દરમિયાન દેશહિતમાં ઘણા નિર્ણયો લીધા છે.
અમેરિકામાં બહુ વખત પછી એવુ જોવા મળ્યુ છે કે, ઉમેદવારોની વય ચૂંટણીમાં ચર્ચાનો મુદ્દો બની હોય. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવા માટે ટ્રમ્પ સામે ઝૂકાવનાર ભારતીય મૂળના નિક્કી હેલીએ પણ તાજેતરમાં પોતાના પ્રચારમાં ટ્રમ્પ અને બાઈડનને વારંવાર ગુસ્સે થઈ જતા વૃધ્ધ વ્યક્તિઓ ગણાવ્યા હતા.
નિક્કી હેલીએ તો સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને કહ્યુ હતુ કે, ટ્રમ્પ 77 વર્ષના અને બાઈડન 81 વર્ષના છે. વધતી જતી વયના કારણે ટ્રમ્પ મારી સાથે જાહેરમાં ડિબેટ કરવા માટે પણ તૈયાર નથી.