ટ્રમ્પના એક નિર્ણયથી અમેરિકાની ગર્ભવતીઓ ટેન્શનમાં, વહેલી ડિલિવરી માટે હોસ્પિટલ દોડી
Donald Trump: જન્મના આધારે નાગરિકતાને લઈને અમેરકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયે ગર્ભવતીઓને ચિંતામાં મૂકી દીધી છે. મળતી માહિતી મુજબ, હાલ અમેરિકાની હોસ્પિટલોમાં એવી મહિલાઓની સંખ્યા વધી રહી છે, જે સમય પહેલાં એટલે કે, 20 જાન્યુઆરી પહેલાં ડિલિવરી કરાવવા ઈચ્છે છે. એક સરવેમાં સામે આવ્યું છે કે, અમેરિકાના અનેક લોકો ટ્રમ્પના નાગરિકતાને લઈને આ નવા નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.
20 ફેબ્રુઆરી પહેલાં સી-સેક્શન કરાવવાની માંગ
અમેરિકાના ડૉક્ટર્સ પાસેથી મળતી માહિતી મુજબ, સમય પહેલાં ડિલિવરી કરાવવાની માતા-પિતાની વિનંતીમાં ધરખમ વધારો થયો છે. તેમાંથી મોટાભાગની મહિલાઓ એવી છે, જે પોતાની પ્નેગ્નેન્સીના આઠમા અથવા નવમા મહિનામાં છે. આ તમામ 20 ફેબ્રુઆરી પહેલાં સી-સેક્શન કરાવવા ઈચ્છે છે. ખાસ વાત એ છે કે, તેમાં અનેક મહિલા એવી પણ છે, જેની ડિલિવરીમાં હજુ મહિનાઓનો સમય બાકી છે.
ડૉક્ટર્સે આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે, 'અમે દંપત્તિઓને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે, પ્રી ટર્મ ડિલિવરી સંભવ છે, તો પણ માતા અને બાળક માટે મોટું જોખમ છે. તેની જટિલતાઓમાં અવિકસિત ફેફસાં, ઓછું વજન, ન્યૂરોલૉજીકલ સમસ્યા સહિત અનેક વાતનો સમાવેશ થાય છે.' નોંધનીય છે કે, 20 જાન્યુઆરી બાદ એવા માતા-પિતાના બાળકોને અમેરિકાની નાગરિકતા નહીં મળે, જે અમેરિકાના નાગરિક નથી અથવા ગ્રીન કાર્ડ ધારક નથી.
ગર્ભવતી મહિલાઓની વધી ચિંતા
માર્ચમાં બાળકને જન્મ આપવાની તૈયારી કરી રહેલી એક મહિલાએ આ વિશે વાત કરતા જણાવ્યું કે, 'અમે ગ્રીન કાર્ડ માટે 6 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. અમારા પરિવારની સ્થિરતા માટે આ એક જ રીત છે. અમે અનિશ્ચિતતાઓથી ડરેલા છીએ.'
ટ્રમ્પના નિર્ણય સામે કોર્ટમાં કેસ દાખલ
ડેમોક્રેટિક પાર્ટીના પ્રભુત્વવાળા 22 રાજ્ય અને અનેક સિવિલ રાઇટ ગ્રૂપ્સ દ્વારા ટ્રમ્પના આ આદેશને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ડેમોક્રેટિક પ્રભુત્વવાળા રાજ્યોની સાથે ડિસ્ટ્રિક્ટ ઑફ કોલમ્બિયા અને સૈન ફ્રાન્સિસ્કોએ મંગળવારે બૉસ્ટનની ફેડરલ કોર્ટમાં પહેલો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું કે, આ નિર્ણય અમેરિકાના બંધારણનું ઉલ્લંઘન કરે છે. આ કેસ બાદ અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન અને ઇમિગ્રન્ટ સંગઠને પણ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
શું છે ટ્રમ્પનો નવો આદેશ?
ટ્રમ્પના આદેશ નવા આદેશ અનુસાર, જો જન્મ સાથે કોઈ બાળકને અમેરિકાની નાગરિકતા જોઈએ તો તેની માતા અથવા પિતામાંથી એક અમેરિકાના નાગરિક હોવું અનિવાર્ય છે. સાથે જ કોઈપણ એક પાસે ગ્રીન કાર્ડ હોવું જોઈએ અથવા કોઈ એક અમેરિકાની સેનામાં હોવું જોઈએ.