અમેરિકી પોલીસ ભૂલથી ખોટા ફલેટમાં ઘૂસી ગઈ અને શ્યામવર્ણી એરફોર્સ ઓફિસરની હત્યા કરી
- 23 વર્ષનો ફોર્ટસન તેની ગર્લફ્રેન્ડ સાથે 'ફેસ-ટાઇમ' પર વાત કરતો હતો, ત્યારે પોલીસે ધડાધડ ગોળીબાર શરૂ કર્યાં
વોશિંગ્ટન : ફલોરિડા શેરીફના ડેપ્યુટીએ પોતાની સત્તાનો વગર વિચારે વધુ પડતો ઉપયોગ કરી યુ.એસ. એરફોર્સના એક શ્યામવર્ણી એર-મેનની હત્યા કરી હતી. પ્રાપ્ય વિગતો તેવી છે કે ફલોરિડા શેરીફનો ડેપ્યુટી ભૂલથી ખોટા એપાર્ટમેન્ટમાં ઘૂસી ગયો હતો. તે સમયે હાજર ફોર્ટસન તેની ગર્લફ્રેન્ડ જે એક નર્સ છે. તેની સાથે 'ફેસ-ટાઇમ' ઉપર વાતચીત કરી રહ્યો હતો.
આ માહિતી આપતાં સિવિલ રાઇટસ લૉયર બેન ક્રમ્પે કહ્યું હતું કે ઓકાલૂઝા કાઉન્ટી શેરીફની ઓફિસ સંભાળતા શેરીફ એરિક એડનને એવી માહિતી મળી હતી કે, તે વિસ્તારમાં અશાંતિ પ્રસરી રહી છે. તેથી તેણે તેના ડેપ્યુટીને ત્યાં મોકલ્યો.
આ અંગે બેન ક્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, તેનો ડેપ્યુટી જે ફલેટમાં ઘૂસ્યો તે, જેની તપાસ માટે ડેપ્યુટી ગયો હતો તેનો ન હતો, પરંતુ ફોર્ટસનનો હતો. શૂટીંગ થયું ત્યારે ફોર્ટસન તેની ગર્લફ્રેન્ડ સાથે 'ફેસ-ટાઇમ' ઉપર વાત કરતો હતો. તે ગર્લફ્રેન્ડે બધા અવાજો સાંભળ્યા હતા. પહેલા એપાર્ટમેન્ટના બારણાં ઉપર હાથ પછાડી થતી ધબધબાટી સંભળાઈ હતી. ત્યારે ફોર્ટસને પૂછ્યું કે કોણ છે. તે નર્સે પછી તેના તે બોય ફ્રેન્ડને પોતાની ગન ઊઠાવતો પણ જોયો. ત્યાં તો ધડાધડ ગોળીઓનાં અવાજો આવ્યા અને રોજર ફોર્ટસન ગોળીઓથી વિંધાઈ ગયો.
સિવિલ રાઇટસના વકિલ ક્રમ્પે ૩જી મેના દિવસે બનેલી આ ઘટનાની સંપૂર્ણ તપાસની માગણી કરી છે. વાસ્તવમાં અમેરિકામાં આવી ઘટનાઓ અંગે હવે આક્રોશ પ્રવર્તે છે. ૨૦૨૦માં જ્યોર્જ ફલોઇડ નામના એક શ્યામવર્ણીની પોલીસોએ હત્યા જ કરી હતી.