વિદેશમાં હત્યાઓમાં RAWની સંડોવણી, પ્રતિબંધ મૂકો: અમેરિકન પંચ
- કેનેડા બાદ અમેરિકાનો પણ ભારતીય એજન્સીને બદનામ કરવાનો પ્રયાસ
- ભારતમાં લઘુમતીઓ પર હુમલા વધવા ચિંતાજનક, આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના સિદ્ધાંતોનો ભંગ થયાના આરોપથી હોબાળો
- અમેરિકાના આયોગને ધર્મની સ્વતંત્રતાની કોઇ ચિંતા નથી, ભારતને બદનામ કરવાના એજન્ડા પર કામ કરે છે: ભારતનો જવાબ
વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશેલા ભારતીયોને હાથમાં હાથકડી અને પગમાં સાંકળ બાંધીને ભારત પરત મોકલ્યા હતા, ત્યારે હવે વધુ એક ભારત વિરોધી પગલુ લીધુ છે. અમેરિકન સરકારના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગે ભારતીય ગુપ્ત સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રો પર અમેરિકામાં પ્રતિબંધ મુકવાની ભલામણ કરી છે. સાથે જ દાવો કર્યો છે કે ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવ વધ્યો છે અને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરાઇ રહ્યું છે.
અમેરિકી આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગ (યુએસસીઆઇઆરએફ)એ ધાર્મિક સ્વતંત્રતા અંગે વાર્ષીક રિપોર્ટ બહાર પાડયો છે. જેમાં ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા રો અંગે વાંધાજનક ભલામણ કરવામાં આવી છે અને તેના પર પ્રતિબંધ મુકવાની માગણી કરી નાખી છે. આયોગે આરોપ લગાવ્યો છે કે શીખ અલગતાવાદીઓની હત્યામાં રોનો પણ હાથ છે. અમેરિકી આયોગે આ આરોપ લગાવીને ખાલિસ્તાનીઓને પણ ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે, અગાઉ આ જ પ્રકારનો પ્રયાસ કેનેડા પણ કરી ચુક્યું છે. અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા ભારતીયો સહિતના વિદેશીઓ સાથે હાલ જે અમાનવીય વર્તન થઇ રહ્યું છે તે અંગે તેમની સરકારનું માનવ અધિકાર આયોગ મૌન છે. ત્યારે બીજી તરફ ભારત પર આવા ગંભીર આરોપો લગાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અમેરિકાના ધાર્મિક સ્વતંત્રતા પરના આયોગે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા જોખમમાં છે અને લઘુમતીઓ પર હિંસા, હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. ભારત સરકારે ધાર્મિક સ્વતંત્રતાના રક્ષણ માટે યોગ્ય પગલા લેવા જોઇએ. આયોગે ભારતીય નાગરિકતા કાયદા પર પણ સવાલ ઉઠાવ્યો હતો સાથે જ કાશ્મીરના સ્પેશિયલ સ્ટેટસને સમાપ્ત કરવાના પગલાની પણ ટિકા કરી હતી. ભારત અગાઉ પણ અમેરિકાના આ પ્રકારના આરોપોને નકારી ચુક્યું છે. તાજેતરના ધાર્મિક સ્વતંત્રતા અને રો અંગેના અમેરિકી રિપોર્ટની પણ ટીકા કરી છે. ભારત તરફથી આ રિપોર્ટની માત્ર ટિકા જ નથી કરવામાં આવી સાથે જ અમેરિકાના આ આયોગને પક્ષપાતી પણ ગણાવ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યું હતું કે અમેરિકી સરકારના આયોગનો આ રિપોર્ટ અત્યંત પક્ષપાતી છે, આયોગે કેટલીક ઘટનાઓને ફરી એક વખત ખોટી રીતે રજુ કરવાનો પ્રયાસ કર્યો છે. અમેરિકાનું આ આયોગ ખરેખર એજન્ડા પર કામ કરી રહ્યું છે, તેને ધાર્મિક સ્વતંત્રતાની કોઇ જ ચિંતા નથી. આ આયોગ ભારતની છાપ ખરાબ કરવાનો પ્રયાસ કરવાના એજન્ડા પર કામ કરી રહ્યું છે. પરંતુ તેમના આ પ્રયાસો સફળ નહીં થાય, ખરેખર તો અમેરિકાના આ ધાર્મિક સ્વતંત્રતા આયોગ પર ચિંતા કરવી જોઇએ અને તેને ચિંતાજનક સંસ્થાઓમાં સામેલ કરવું જોઇએ. ભારત ૧૪૦ કરોડ લોકોનું ઘર છે, જ્યાં સૌકોઇ એકબીજાના ધર્મ પ્રત્યે આદરભાવ અને સન્માન ધરાવે છે.