હિન્દુઓ વિરુદ્ધ હિંસા મામલે આખરે અમેરિકા પણ એક્શન મોડમાં, મોહમ્મદ યુનુસ સાથે ફોન પર વાતચીત
Protect Human Rights in Bangladesh: બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ અને તેમના ધર્મસ્થાનો પર મોટા પાયે થઈ રહેલા હુમલાઓને લઈને વધી રહેલા આક્રોશ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ સાથે વાત કરી છે. વાતચીત દરમિયાન બંનેએ બાંગ્લાદેશમાં માનવાધિકારની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વ્હાઇટ હાઉસે સુલિવાન અને યુનુસ વચ્ચેની વાતચીત અંગે જણાવ્યું હતું કે, 'બંને નેતાઓએ તેમના ધર્મને ધ્યાનમાં લીધા વિના તમામ લોકોના માનવાધિકારનું સન્માન અને રક્ષણ કરવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.'
જાણો અમેરિકાએ શું કહ્યું
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સુલિવાને સમૃદ્ધ, સ્થિર અને લોકતાંત્રિક બાંગ્લાદેશ માટે અમેરિકાના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો અને દક્ષિણ એશિયાઈ રાષ્ટ્ર સામેના પડકારોનો સામનો કરવા માટે બાંગ્લાદેશને સમર્થન આપવાનું પણ કહ્યું. આ વાતચીત બાઈડન વહીવટીતંત્રે ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા સોંપ્યાના એક મહિના કરતા પણ ઓછા સમય પહેલા થઈ હતી. ટ્રમ્પ આગામી વર્ષે 20 જાન્યુઆરીએ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.
લોકો મદદ માટે અપીલ કરી રહ્યા છે
હિન્દુ એક્શને જણાવ્યું હતું કે, 'હિન્દુઓ સામેના ક્રૂર હુમલાના અહેવાલો સતત બહાર આવી રહ્યા છે, ખાસ કરીને છેલ્લા બે અઠવાડિયામાં, કારણ કે અસરગ્રસ્ત લોકો તરફથી મદદ માટે અપીલ કરવામાં આવે છે.'
હિન્દુ એક્શનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઉત્સવ ચક્રવર્તીએ કહ્યું કે, 'છેલ્લા સાડા પાંચ મહિનામાં બાંગ્લાદેશમાં જે બન્યું છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે મુહમ્મદ યુનુસ જમાત-એ-ઈસ્લામીમાં તેના સહયોગીઓને રોકવામાં નિષ્ફળ રહ્યો છે, જેઓ હવે દેશભરમાં હિંસા ફેલાવી રહ્યા છે, મંદિરો બાળી રહ્યા છે, લોકોની હત્યા કરી રહ્યા છે, મહિલાઓ પર બળાત્કાર કરી રહ્યા છે અને હિન્દુ સમુદાયના પૂજારીઓ અને નેતાઓને કેદ કરી રહ્યા છે અને તેમને ત્રાસ આપી રહ્યા છે.'
સંસદમાં મુદ્દો ઉઠાવ્યો
સુલિવાન અને યુનુસ વચ્ચેની વાતચીત એવા સમયે થઈ હતી જ્યારે તાજેતરમાં યુએસ કોંગ્રેસ (સંસદ)ના ભારતીય મૂળના સભ્ય શ્રી થાનેદારે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. થાનેદારે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે સંસદ આ મામલે કાર્યવાહી કરે. થાનેદારે અમેરિકી સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભામાં કહ્યું હતું કે, 'બહુમતી ટોળાએ હિન્દુ મંદિરો, હિન્દુ દેવી-દેવતાઓ અને તેમના ધર્મનું શાંતિપૂર્વક પાલન કરતા હિન્દુઓને બરબાદ કરી દીધા છે. આથી હવે સમય આવી ગયો છે કે અમેરિકી કોંગ્રેસ અને અમેરિકી સરકાર આ અંગે કાર્યવાહી કરે.'