નોરો વાયરસની ઝપેટમાં આવ્યું અમેરિકા, સતત વધી રહ્યા છે કેસ: જાણો લક્ષણો-બચવાના ઉપાય
Norovirus Cases In America : અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (CDC)ના ડેટા મુજબ, દેશમાં એક સપ્તાહની અંદર નોરો વાયરસના 91 કેસ સામે આવતા ખળભળાટ મચ્યો છે. આ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય તંત્રએ ત્વરીત પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. એવી વિગતો સામે આવી છે કે, આ વાયરસ પેટમો થતો સામાન્ય કીડો છે. સીડીસીના ડેટા મુજબ નવેમ્બર-2024ના છેલ્લા સપ્તાહમાં 69 કેસ નોંધાયા હતા, જોકે પછી કેસોમાં વધારો થયો છે અને માત્ર એક જ સપ્તાહમાં એટલે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં 91 કેસ સામે આવતા આરોગ્ય તંત્રએ દોડધામ શરૂ કરી દીધી છે.
કેસોમાં ધરખમ વધારો થતા આરોગ્ય તંત્ર દોડતું થયું
ડેટા મુજબ, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં નોંધાયેલા નોરો વાયરસના કેસોથી એવું લાગી રહ્યું છે કે, કેસોમાં ધરખમ ઉછાળો થઈ રહ્યો છે. તે પહેલા કેટલાક વર્ષોમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વધુમાં વધુ 65 કેસો નોંધાતા હતા. વાયરસના વધતા કેસોએ અધિકારીઓને દોડતા કરી દીધા છે અને તેઓએ વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટેના વિવિધ પાસાઓ પર કામ શરૂ કરી દીધું છે.
ખોરાકજન્યના કારણે ફેલાય છે નોરો વાયરસ
રિપોર્ટ મુજબ નોરો વાયરસ એ અત્યંત ચેપી વાયરસ છે, તેના કારણે ઉલટી અને ઝાડાની સમસ્યા થાય છે. વાયરસ, આ નોરો વાયરસને ‘નૉરવૉક વાયરસ’, 'સ્ટોમક ફ્લૂ', 'સ્ટોમક બગ' અથવા 'વોમિટિંગ બગ' તરીકે પણ ઓળખાય છે અને આ બધુ ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કારણે થાય છે. સીડીસીના જણાવ્યા મુજબ, આ વાયરસ ખોરાકજન્યના કારણે ફેલાય છે. આ વાયરસ તીવ્ર ગેસ્ટ્રોએન્ટેરિટિસ (પેટ અથવા આંતરડામાં બળતરા)નું કારણ બને છે.
નોરો વાયરસ કેવી રીતે ફેલાય છે ?
જો કોઈ વ્યક્તિને નોરો વાયરસનો ચેપ લાગ્યો હતો, તો તેના કારણે અન્ય લોકો આ વાયરસનો શિકાર બની શકે છે. આ વાયરસ ભોજન કે જમવાના વાસણો એકબીજાને આપવાથી, ખરાબ ભોજન, પાણી, ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ સંક્રમણથી બચવા માટે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. આમ તો ચેપગ્રસ્ત વ્યક્તિ બે કે ત્રણ દિવસની અંદર સ્વસ્થ થઈ જાય છે, પરંતુ તે વ્યક્તિના કારણે કેટલાક દિવસ સુધી વાયરસ ફેલાતો રહે છે. સીડીસીનું કહેવું છે કે, કોઈપણ ઉંમરનો વ્યક્તિ આ વાયરસથી સંક્રમિક થઈ શકે છે.
આ પણ વાંચો : ટ્યૂનિશિયામાં બે બોટ પલટી જતા, 27 મોત, 83 લોકોને બચાવાયા, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
વાયરસના લક્ષણો
સીડીસીના જણાવ્યા મુજબ, જો કોઈ વ્યક્તિ નોરો વાયરસના સંપર્કમાં આવે તો 12થી 48 કલાક બાદ બીમારીના લક્ષણો શરૂ થાય છે. સામાન્ય લક્ષણોમાં ઝાડા, ઉલટી, ઉબકા, પેટમાં દુખાવાનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય લક્ષણોમાં ચેપગ્રસ્ત વ્યક્તિને તાવ, માથાનો અને શરીરનો દુખાવો થાય છે.
વાયરસથી બચવાના ઉપાય
નોરો વાયરસ ખૂબ જ ચેપી હોવાથી તેનાથી બચવા માટે કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. જેમ કે, તમારા હાથને સારી રીતે અને વારંવાર ધોવા, શેલફિશને સારી રીતે રાંધવા જોઈએ તેમજ ફળો-શાકભાજીને સારી રીતે ધોવા જોઈએ. દૂષિત જગ્યાઓ સાફ અને જંતુમુક્ત કરવા જોઈએ. કપડાં ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવાનું રાખો. વાયરસના સંપર્કમાં આવ્યા બાદ અન્ય લોકોને મળવાનું ટાળવું જોઈએ. સાજા થયાના બાદ બે દિવસ સુધી પણ કોઈને ન મળવું જોઈએ.
નોરો વાયરસની સારવાર શું છે?
નોરો વાયરસ રોગથી સંક્રમિત મોટાભાગના લોકો એકથી ત્રણ દિવસમાં સ્વસ્થ થઈ જાય છે. સીડીસી અનુસાર, નોરો વાયરસ રોગ ધરાવતા લોકોની સારવાર માટે કોઈ ચોક્કસ દવા નથી.
આ પણ વાંચો : પાયમાલ થયેલા પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, તિજોરી ખાલી થતાં જોઈને સૈનિકોને આપ્યો ઝટકો