ઝેલેન્સ્કીને મુશ્કેલીમાં મૂકનારા ટ્રમ્પ બરાબરના ફસાયા ! હવે રશિયાએ પણ બતાડી દીધો ‘ઠેંગો’
America Russia Relation : વિશ્વભરના અનેક દેશો સાથે ‘ટેરિફ વૉર’ છંછેડનાર અને ઝેલેન્સ્કીને પોતાના દેશમાં બોલાવી ઝાટકણી કાઢનાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બરાબરના ફસાયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે રકઝક કર્યા બાદ ટ્રમ્પે નેગોશિએટર્સને રશિયા સાથે વાતચીત કરવા માટે મોકલ્યા છે. જોકે એવા અહેવાલ સામે આવ્યા છે કે, રશિયાએ ટ્રમ્પના નેગોશિએટર્સને ઠેંગો બતાવી દીધો છે.
અમેરિકા યોજના લઈને પહોંચ્યું ને રશિયાએ કોઈ જવાબ ન આપ્યો
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે ટ્રમ્પના નેગોશિએટર્સ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, અમેરિકાના વાટાઘાટ કરનાર અધિકારીઓ રશિયા પહોંચ્યા છે અને બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં વાતચીત શરુ થશે. આ અધિકારીઓ યુક્રેનમાં 30 દિવસના યુદ્ધવિરામ અંગેની યોજના રજૂ કરવા માટે રશિયા પહોંચ્યા છે. જોકે રિપોર્ટ મુજબ રશિયાએ અમેરિકન યોજના અંગે ઠેંગો બતાવી હજુ સુધી હા કે નાનો જવાબ આપ્યો નથી.
ક્રેમલિનના ટોચના સહયોગીએ અમેરિકા-યુક્રેનના પ્રસ્તાવની ટીકા કરી
બીજી તરફ ક્રેમલિનના ટોચના સહયોગીએ ગુરુવારે રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધવિરામ અંગે અમેરિકા-યુક્રેનના પ્રસ્તાવની ટીકા કરી છે અને કહ્યું છે કે, પ્રસ્તાવ માત્ર યુક્રેનની સેના માટે રાહત જેવો છે. ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આ ઉપરાંત અમેરિકા પણ યુદ્ધવિરામ માટે તેમજ ઝેલેન્સ્કી પર દબાણ કરવા માટે અનેક પ્રયાસો કરી રહ્યું છે. બંને દેશોના યુદ્ધના કારણે અનેક દેશોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, તેથી આ વાતચીત આંતરરાષ્ટ્રીય કુટનીતિની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ટ્રમ્પના કેનેડા સાથે પણ સંબંધો બગડ્યા
ટેરિફ વૉરની વાત કરીએ તો ટ્રમ્પ અનેક દેશો પર ટેરિફ ઝીંકીને મુશ્કેલીમાં મૂકાયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ટ્રમ્પે કેનેડા સહિત અનેક દેશો પર ટેરિફ લગાવવાની જાહેરાત કર્યા બાદ ટ્રેડ વૉર શરુ થઈ ગયો છે. ટ્રમ્પ તંત્રએ તાજેતરમાં જ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ગ્લોબલ ટેરિફ ઝીંકી દીધો છે, જેના કારણે કેનેડાએ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપી કહ્યું કે, અમે ચૂપ નહીં બેસીએ. કેનેડાએ અમેરિકામાં ઉત્પાદિત અંદાજે 20.8 બિલિયન ડૉલરના સામાન પર નવા 25 ટકા કાઉન્ટર ટેરિફની જાહેરાત કરી છે.
ટ્રમ્પ-ઝેલેન્સ્કી સાથે પણ કરી રકઝક
ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે 28 ફેબ્રુઆરીએ કેમેરા સામે બોલાચાલી થઈ હતી. આ મામલો એ હદ સુધી પહોંચ્યો કે ઝેલેન્સકીને વ્હાઇટ હાઉસ છોડવાનું પણ કહેવામાં આવ્યું. ચર્ચા દરમિયાન ટ્રમ્પનું તીક્ષ્ણ વલણ સ્પષ્ટ દેખાતું હતું. તેમણે ખનિજ સોદા માટે યુક્રેન પર દબાણ કર્યું અને કહ્યું કે, 'કાં તો તમે સોદો કરો અથવા અમે (શાંતિ પ્રક્રિયામાંથી) બહાર થઈ જઈશું.' ઓવલ ઑફિસમાં એક બેઠક દરમિયાન ટ્રમ્પ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકી પર પ્રહાર કરતાં જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, 'યુક્રેનના પ્રમુખનો નિર્ણય ત્રીજા વિશ્વયુદ્ધને વેગ આપી શકે છે.' ત્યારબાદ ઝેલેન્સકી અચાનક અમેરિકા સાથે મહત્ત્વપૂર્ણ ખનિજ કરાર પર હસ્તાક્ષર કર્યા વિના વ્હાઇટ હાઉસ છોડીને ચાલ્યા ગયા.
આ પણ વાંચો : ઈન્ડોનેશિયાની જેલમાં કેદીઓએ બબાલ કર્યા બાદ લગાવી આગ, 100થી વધુ ફરાર