Get The App

અમેરિકાને ભારતીય પ્રોફેશનલ્સની તાતી જરૂરિયાત, સરકાર ગ્રીન કાર્ડ આપવાની નીતિ બદલેઃ અમેરિકન સાંસદ

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
અમેરિકાને ભારતીય પ્રોફેશનલ્સની તાતી જરૂરિયાત, સરકાર ગ્રીન કાર્ડ આપવાની નીતિ બદલેઃ અમેરિકન સાંસદ 1 - image

image : Twitter

વોશિંગ્ટન,તા.14 માર્ચ 2024,ગુરૂવાર

અમેરિકામાં આઈટી સહિતના દરેક ક્ષેત્રમાં ભારતીયોની બોલબાલા વધી રહી છે. ભારતીયોના વધતા વર્ચસ્વ વચ્ચે અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યના સાંસદ મેટ કાર્ટરાઈટે તો સ્પષ્ટપણે કહ્યુ છે કે, ભારતીય પ્રોફેશનલ્સની અમેરિકામાં તાતી જરૂરિયાત છે અને આ માટે ભારતીયોને ગ્રીન કાર્ડ આપવા માટે લગાવવામાં આવેલો સાત ટકાનો ક્વોટા હટાવી દેવામાં આવે.

ભારતની ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં અમેરિકન સાસંદે કહ્યુ હતુ કે, અમેરિકાને ઉત્તમ ગુણવત્તાવાળા, હાઈ સ્કિલ્ડ અને બાહોશ લોકોની જરૂર છે અને એટલા માટે જરૂરી છે કે, નોકરી મેળવવા માંગતા ભારતીયો અમેરિકામાં આવીને વસવાટ કરે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકા દર વર્ષે સાત ટકા ભારતીયોને જ ગ્રીન કાર્ડ આપે છે. આ ક્વોટાને હટાવવા માટે  મેટ કાર્ટરાઈટ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે, અમેરિકાએ દરેક દેશના સાત ટકા નાગરિકોને જ ગ્રીન કાર્ડ આપવાનુ નક્કી કર્યુ છે. તેના કારણે ભારત જેવા લોકશાહી અને અમેરિકાના મિત્ર દેશને નુકસાન થઈ રહ્યુ છે. ભારતમાં ઉચ્ચ શિક્ષિત લોકોની મોટી સંખ્યા છે પણ અમેરિકાની ક્વોટા સિસ્ટમના કારણે તેમને અમેરિકામાં તક નથી મળી રહી અને તેમને મોકો નહીં આપીને અમેરિકા મુર્ખામી કરી રહ્યુ છે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, અમેરિકાએ હંમેશા તિવ્ર બુધ્ધિમત્તા ધરાવતા અને ઉચ્ચ કક્ષાની આવડતવાળા લોકોનુ પોતાના દેશની ઈકોનોમી મજબૂત કરવા માટે સ્વાગત કર્યુ છે અને આ નીતિ સેંકડો વર્ષોથી ચાલતી આવી છે એટલે સાત ટકાનો ક્વોટા લાગુ કરવાનો નિર્ણય ભૂલભરેલો છે. ભારત અને અમેરિકા વચ્ચેનો આંતરરાષ્ટ્રીય વેપાર પણ બહુ જરૂરી છે અને તેના માટે ભારતથી મહત્તમ લોકો અમેરિકા આવે તે પણ અનિવાર્ય છે.

ઉલ્લેખનીય છે કે,  મેટ કાર્ટરાઈટ જે ક્વોટાનો વિરોધ કરી રહ્યા છે તે ગ્રીન કાર્ડ માટે લાગુ પડે છે. અમેરિકામાં આવતા  જે લોકોને ગ્રીન કાર્ડ મળે તેમને અમેરિકામાં કાયમ માટે રહેવાનો અધિકાર મળતો હોય છે. અમેરિકાએ દરેક દેશના લોકોને ગ્રીન કાર્ડ આપવા માટે એક મર્યાદા રાખી છે.

એક અંદાજ પ્રમાણે અમેરિકામાં એશિયાઈ મૂળના 2.35 કરોડ લોકો રહે છે. જેમાં સૌથી વધારે 52 લાખ લોકો ચાઈનિઝ મૂળના અને બીજા ક્રમે 48 લાખ લોકો ભારતીય મૂળના છે.


Google NewsGoogle News