અમેરિકાઃ ન્યૂજર્સી શહેરની મસ્જિદના ઈમામની મસ્જિદ બહાર ગોળીઓ મારી હત્યા
image : Twitter
ન્યૂયોર્ક,તા.4 જાન્યુઆરી 2024,ગુરૂવાર
અમેરિકામાં ન્યૂજર્સી શહેરમાં એક મસ્જિદના ઈમામની મસ્જિદ બહાર ગોળીઓ મારીને હત્યા કરી નાંખવામાં આવી છે. હત્યા પાછળનુ કારણ જાણવા નથી મળ્યુ પણ સ્થાનિક તંત્રે પૂજા સ્થળોની સુરક્ષા મજબૂત કરવા માટે જાહેરાત કરી છે.
ઈમામનુ નામ હસન શરીફ હોવાનુ બહાર આવ્યુ છે. ગર્વનર ફિલ મર્ફીના કહેવા પ્રમાણે ઈમામને કોણે અને કેમ ગોળી મારી છે તેની જાણકારી સામે આવી નથી. તેમણે કહ્યુ હતુ કે, મુસ્લિમ સમુદાય સામેના અપરાધોમાં વધારો થઈ રહ્યો હોવાના કારણે હું ચિંતિત છું અને હું આશ્વાસન આપવા માંગુ છું કે, મુસ્લિમ ધર્મ સહિત તમામ ધર્મોના પ્રાર્થના સ્થળો પર લોકોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે.
ઈમામને ગોળી મારવાની ઘટના અમેરિકન સમય પ્રમાણે સવારે 6 વાગ્યે બની હતી. તેમને નજીકના હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનુ મોત થયુ હતુ.
આ ઘટનામાં પોલીસે હજી કોઈની ધરપકડ કરી નથી. પોલીસનુ કહેવુ છે કે, તપાસ ચાલી રહી છે અને મસ્જિદ પાસે પણ કેટલીક જાણકારી માંગવામાં આવી છે. ઈમામની હત્યા બાદ અમેરિકાના સૌથી મોટા મુસ્લિમ નાગરિક અધિકાર સંગઠન કાઉન્સિલ ઓન અમેરિકન -ઈસ્લામિક રિલેશન્સ ઈન ન્યૂજર્સી દ્વારા પણ લોકોને આ બાબતે કોઈ જાણકારી હોય તો પોલીસ સાથે શેર કરવા માટે અપીલ કરવામાં આવી છે.