અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, યુનિવર્સિટીમાંથી થયો હતો ગુમ
વિદ્યાર્થીના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી
US Missing Indian Student of Purdue University Confirmed Dead : અમેરિકાના ઈન્ડિયાના રાજ્ય (state of Indiana)માં સ્થિત પ્રતિષ્ઠિત પરડ્યુ યુનિવર્સિટીના ગુમ થઈ ગયેલા નીલ આચાર્ય નામના ભારતીય વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું છે. યુનિવર્સિટીએ આ વાતની પુષ્ટિ કરી છે. હાલ વિદ્યાર્થીના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
પરડ્યું યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો
અમેરિકામાં હાલમાં જ ભારતીય વિદ્યાર્થી વિવેક સૈનીને એટલાન્ટામાં એક દુકાનમાં ડ્રગ એડિક્ટ દ્વારા હથોડી વડે માર મારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ હવે શિકાગો (Chicago)ની પરડ્યુ યુનિવર્સિટી (Purdue University)ના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે રવિવારે યુનિવર્સિટી કેમ્પસમાંથી ગુમ થયેલા વિદ્યાર્થી નીલ આચાર્ય (Neil Acharya)ના મૃત્યુની પુષ્ટિ કરી છે. પોલીસ નીલના મોત અંગેની તપાસ કરી રહી છે.
નીલની માતાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી
આ મામલે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે 'પોલીસને રવિવારે સવારે 11:30 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે વેસ્ટ લાફાયેટના 500 એલિસન રોડ પર એક મૃતદેહ મળી આવ્યો છે.' તપાસ કરતાં આ મૃતદેહ કોલેજ જતા વિદ્યાર્થીની હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકની ઓળખ ભારતીય મૂળના વિદ્યાર્થી નીલ આચાર્ય તરીકે થઈ છે. નીલના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અગાઉ રવિવારે નીલની માતા ગૌરી આચાર્યએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને લોકોને પોતાના પુત્રને શોધવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘અમારો પુત્ર નીલ આચાર્ય 28 જાન્યુઆરીથી ગુમ છે. તે અમેરિકાની પરડ્યુ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. તેને છેલ્લીવાર ઉબેર કેબ ડ્રાઈવરે યુનિવર્સિટીમાં ઉતાર્યો હતો. અમને નીલની માહિતી જોઈએ છે. જો તમને કંઈ ખબર હોય તો અમને મદદ કરો.’
નીલે કોમ્પ્યુટર સાયન્સ અને ડેટા સાયન્સમાં ડિગ્રી મેળવી હતી
નીલની માતાની પોસ્ટ બાદ, શિકાગોમાં કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર પોસ્ટ કરીને કહ્યું હતું કે તેઓ પરડ્યુ યુનિવર્સિટીના અધિકારીઓના સંપર્કમાં છે અને આ બાબતે નીલના પરિવાર સાથે પણ વાત કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે એમ્બેસીએ પણ તમામ પ્રકારની મદદ કરવાની વાત કહી હતી. એમ પરડ્યુ એક્સપોનન્ટ, મલ્ટીમીડિયા એજન્સીના જણાવ્યા અનુસાર પરડ્યુ યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગના વડા ક્રિસ ક્લિફટ (Chris Clifton)ને સોમવારે વિભાગ અને ફેકલ્ટીને મોકલેલા ઈમેલમાં નીલ આચાર્યના મૃત્યુની પુષ્ટિ કરી હતી, ક્લિફ્ટને કહ્યું હતું કે 'નીલ ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી હતો. તેણે કોમ્પ્યુટર સાયન્સ અને ડેટા સાયન્સમાં ડિગ્રી મેળવી અને જોન માર્ટીન્સન (John Martinson) ઓનર્સ કોલેજમાં ભણતો હતો.'