ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાએ સમુદ્રમાં ઉતારી પરમાણુ સબમરીન, US સેનાએ શેર કરી તસવીર
યુદ્ધ મુદ્દે વાતચીતનો પક્ષ રાખનાર અમેરિકાએ પરમાણુ સબમરીન ઉતારતા સવાલો ઉઠ્યા
અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે સબમરીનું નામ જાહેર કર્યા વગર તસવીર જાહેર કરી
ન્યુયોર્ક, તા.06 નવેમ્બર-2023, સોમવાર
America Ohio Class Nuclear Submarine : ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas war) વચ્ચે અમેરિકી સેના (US Army)એ એક સામાન્ય જાહેરાત કરી છે. સેનાએ જણાવ્યું કે, અમેરિકાની ગાઈડેડ મિસાઈલ પરમાણુ સબમરીનને મધ્ય-પૂર્વ સમુદ્રમાં ઉતારવામાં આવી છે. આ સબમરીન ઓહિયો ક્લાસની છે, જોકે સેનાએ સબમરીનનું નામ જણાવ્યું નથી. યુએસ સેન્ટ્રલ કમાન્ડે ગઈકાલે સોશિયલ મીડિયા પર એક સબમરીનની તસવીર શેર કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે, અમારા એરિયા ઓફ રિસ્પોન્સિબિલિટીમાં ઓહિયો ક્લાસની સબમરીન પ્રવેશી રહી છે.
સુએઝ કેનાલની આસપાસ જોવા મળી US સબમરીન
સીએનએનના અહેવાલો મુજબ ઓહિયો સબમરીન સુએઝ કેનાલની આસપાસ જોવા મળી રહી છે. અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે હાલ સબમરીનું નામ જાહેર કર્યું નથી. દરમિયાન અમેરિકી સેના પાસે 4 પ્રકારની ગાઈડેડ મિસાઈલ સબમરીન છે. ઉપરાંત અમેરિકા પાસે એસજીએન છે, જેમાં ટૉમહૉક ક્રૂઝ મિસાઈલો તૈનાતની સ્થિતિમાં હોય છે. એસજીએન 154 ટૉમહૉક ક્રૂઝ મિસાઈલ લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
On November 5, 2023, an Ohio-class submarine arrived in the U.S. Central Command area of responsibility. pic.twitter.com/iDgUFp4enp
— U.S. Central Command (@CENTCOM) November 5, 2023
યુદ્ધ વચ્ચે USએ સબમરીન ઉતારતા આશ્ચર્ય
હમાસે ઈઝરાયેલ સામે યુદ્ધ શરૂ કર્યા બાદ અમેરિકા ઈઝરાયેલનું ભરપુર સમર્થન કરી રહ્યો છે. યુદ્ધ વચ્ચે અમેરિકાએ સબમરીન ઉતારતા સૌકોઈ આશ્ચર્ય પામ્યા છે. જોકે અમેરિકાએ સબમરીન સમુદ્રમાં કેમ ઉતારી, તેનું કારણ હજુ સામે આવ્યું નથી. ઉપરાંત અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન યુદ્ધ મુદ્દે મધ્ય-પૂર્વમાં તુર્કેઈ, ઈઝરાયેલ, ઈરાક, વેસ્ટ બેંક, જોર્ડન સાથે સતત બેઠકો યોજી રહ્યા છે, તો બીજી તરફ મધ્ય-પૂર્વનાં સમુદ્રમાં પરમાણુ સબમરીન ઉતારાતા અમેરિકાની રણનીતિ પર પણ સવાલો ઉઠી રહ્યા છે, જેમાં એવું કહેવાઈ રહ્યું છે કે, અમેરિકા દ્વારા યુદ્ધને લઈ એક તરફ વાતચીતનો પક્ષ રાખવાનો પ્રયાસો થઈ રહ્યા છે, તો બીજી તરફ સમુદ્રમાં સબમરીન ઉતારવામાં આવી છે.