જે પુરુષોએ ટ્રમ્પને વોટ આપ્યા તેમની સાથે લગ્ન-ડેટ નહીં કરીએ..' અમેરિકાની લિબરલ મહિલાઓનું એલાન
Image: AI Generated |
US Women Protest Against Donald Trump: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર પરત ફરતાં અમેરિકાની ઘણી મહિલાઓ નાખુશ છે. આ મહિલાઓએ ટ્રમ્પનો અનોખા અંદાજમાં બહિષ્કાર કર્યો છે. તેઓએ દક્ષિણ કોરિયાની એક ફેમિનિસ્ટ મુવમેન્ટને અનુસરતાં ટ્રમ્પને મત આપનારા પુરૂષોનો બહિષ્કાર કર્યો છે. અમેરિકામાં આ દેખાવોને 4B મુવમેન્ટ નામ અપાયું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકામાં અનેક મહિલાઓએ ટ્રમ્પને વ્હાઈટ હાઉસ પહોંચાડવામાં મદદ કરનારા પુરૂષોનો બહિષ્કાર કર્યો છે. આ 4B મુવમેન્ટમાં સામેલ મહિલાઓએ ટ્રમ્પને મત આપનારા પુરૂષોનો ચાર વર્ષ સુધી બહિષ્કાર કર્યો છે. અર્થાત, આગામી ચાર વર્ષમાં મહિલાઓ આ પુરૂષોને ડેટ પણ નહીં કરે અને તેમની સાથે લગ્ન પણ નહીં કરે. આ અભિયાન હેઠળ મહિલાઓને ડેટિંગ એપ ડિલિટ કરવા અપીલ કરાઈ રહી છે.
આ પણ વાંચોઃ બટેંગે તો કટેંગે' સૂત્ર અંગે ભાજપને ઝટકો, અજિત પવારે કહ્યું- મહારાષ્ટ્રમાં આવું બધું ના ચાલે
શું હતી દક્ષિણ કોરિયાની 4B મુવમેન્ટ?
અમેરિકાની આ મહિલાઓએ 2010ના દાયકામાં દક્ષિણ કોરિયાની 4B મુવમેન્ટને અનુસરતાં આ બહિષ્કારની જાહેરાત કરી છે. કોરિયન ભાષામાં 4B નો અર્થ ‘ચાર વખત ના’ માટે થાય છે. જેમાં પુરૂષો સાથે ચાર વસ્તુઓ ડેટિંગ, સંભોગ, લગ્ન, કે બાળકો કરવાનો ઈનકાર સમાવિષ્ટ છે. અમેરિકામાં આ મહિલાઓએ ટ્રમ્પને સમર્થન કરનારા પુરૂષોનો ચાર વર્ષ સુધી બહિષ્કાર કર્યો છે.
કેમ મહિલાઓએ ટ્રમ્પનો વિરોધ કર્યો?
અમેરિકામાં મોટાભાગની મહિલાઓ કમલા હેરિસને રાષ્ટ્રપ્રમુખ બનાવવા માગતી હતી. જે અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ બની હોત. પરંતુ ટ્રમ્પે જંગી બહુમતી સાથે કમલા હેરિસને હરાવી છે. ટ્રમ્પની વિશ્વભરમાં છબી મહિલા વિરોધી છે. તેના પર મહિલાઓના શોષણ સંબંધિત ડઝનોથી વધુ કેસો નોંધાયેલા છે. ટ્રમ્પે અવારનવાર મહિલાઓ વિરોધી નિવેદનો આપ્યા છે.