VIDEO: કાશ પટેલના હિન્દુ સંસ્કાર: 'જય શ્રીકૃષ્ણ'થી શરૂ કર્યું સંબોધન, માતા-પિતાના પગે લાગ્યા
Kash Patel FBI New Director: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી એફબીઆઈના નવા ડિરેક્ટર પદે ભારતીય મૂળના કાશ પટેલની નિમણૂક થઈ છે. એફબીઆઈના નવા ડિરેક્ટર પદ માટે ભારતીય મૂળ અમેરિકન કાશ (કશ્યપ) પટેલની પસંદગી માટે સિનેટર્સની કન્ફર્મેશન હિયરિંગ યોજાઈ હતી. જેમાં અંતિમ મહોર માટે યોજાયેલી સિનેટર્સની બેઠકને સંબોધિત કરતાં કાશ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલી ભારતીય સંસ્કૃતિની ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તેમણે આ બેઠકમાં અભિવાદન કરતાં પહેલાં માતા-પિતાને પગે લાગી આશીર્વાદ લીધા હતા. તેમજ સૌને 'જય શ્રી કૃષ્ણ' કર્યા હતાં.
જય શ્રીકૃષ્ણ સાથે કર્યું અભિવાદન
કાશ પટેલે સિનેટ બેઠકમાં એફબીઆઈના ડિરેક્ટર પદે પસંદગી અંગે અભિવાદન કરતાં કહ્યું હતું કે, 'હું મારા માતા અંજના અને પિતા પ્રમોદનું સ્વાગત કરવા માગુ છું. તેઓ આજે અહીં બેઠા છે, તેઓ ભારતથી આવ્યા છે. તેમની સાથે મારી બહેન પણ આવી છે. તમે લોકો અહીં આવ્યા તે મારા માટે ખૂબ મહત્ત્વનું છે. જયશ્રી કૃષ્ણ...'
એફબીઆઈના ડિરેક્ટર બદલ આભાર
આગળ કાશ પટેલે કહ્યું કે, જ્યારે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મને એફબીઆઈના ડિરેક્ટર પદે નિમણૂક કરવાની રજૂઆત કરી, તો હું ખૂબ ગર્વ અનુભવી રહ્યો હતો. આજે અહીં સુધી મારા માતા-પિતાના સપનાઓને સાથે લઈને પહોંચ્યો છું. તેમજ લાખો અમેરિકન્સની અપેક્ષાઓને પણ સાથે લઈને ચાલી રહ્યો છું, કે જેઓ ન્યાય, નિષ્પક્ષ અને કાયદાના શાસન સાથે ઉભા છે.
એફબીઆઈની કામગીરીથી નાખુશ
સિનેટની ન્યાયિક સમિતિ સમક્ષ સંબોધન આપતાં કાશ પટેલને સિનેટર્સ દ્વારા પૂછવામાં આવેલા આકરા સવાલોનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને કેપિટલ હિલ તોફાનો મુદ્દે સિનેટર્સે કાશ પટેલને મુશ્કેલ સવાલો પૂછ્યા હતા. કાશ પટેલ ડોનાલ્ડ ટ્રમ્પનો અંગત સભ્ય ગણાય છે. તે એફબીઆઈ મુદ્દે નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. કાશ પટેલે એફબીઆઈનું હેડક્વાર્ટર બંધ કરવા સુધીના નિવેદનો આપ્યા હતા. તે એફબીઆઈની કામગીરીથી નાખુશ છે.
કોણ છે કાશ પટેલ?
ન્યૂયોર્કમાં 1980માં જન્મેલા કાશ પટેલ ગુજરાતી છે. તેમનું બાળપણ પૂર્વ આફ્રિકામાં વીત્યું હતું. લોંગ આઇલેન્ડની ગાર્ડન સિટી હાઇ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ કાશ પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોફાઇલ મુજબ રિચમંડ યુનિવર્સિટીમાંથી અંડરગ્રેજ્યુએટનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. બાદમાં ફરી પાછા ન્યૂયોર્ક આવ્યા હતાં. યુનાઇટેડ કિંગડમમાં યુનિવર્સિટી કોલેજ લંડન ફેકલ્ટી ઓફ લોમાંથી કાયદાની ડિગ્રી અને આંતરરાષ્ટ્રીય કાયદામાં સર્ટિફિકેશન પ્રાપ્ત પટેલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને હાઉસ પરમેનન્ટ સિલેક્ટ કમિટી ઓન ઇન્ટેલિજન્સ (HPSCI) માટે સિનિયર કાઉન્સેલ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. કાશ પટેલ FBI ડિરેક્ટર બનનારા પ્રથમ હિન્દુ અને ભારતીય અમેરિકન છે.