હુથી જૂથના 2000 ડોલરથી ઓછી કિંમતના ડ્રોન તોડી પાડવા અમેરિકા 20 લાખ ડોલરની મિસાઈલ વાપરી રહ્યું છે
image : Twitter
વોશિંગ્ટન,તા.27 ડિસેમ્બર 2023,બુધવાર
રેડ સીમાં માલવાહક જહાજોને નિશાન બનાવવા માટે ઈરાન સમર્થિત હુથી જૂથ દ્વારા ડ્રોન અને મિસાઈલ લોન્ચ કરાઈ રહ્યા છે.
બીજી તરફ અમેરિકન નૌસેનાના યુદ્ધ જહાજો દ્વારા હુથીઓના ડ્રોન અને મિસાઈલ તોડી પાડવામાં આવી રહ્યા છે. અમેરિકા રેડ સીમાં જહાજો માટેની શિપિંગ લેન પર ઉભા થયેલા ખતરાથી ચિંતત છે અને તેના માટે બીજી ચિંતાનુ કારણ હુથી હુમલાના કારણે પડી રહેલો આર્થિક બોજ પણ છે.
અમેરિકન જહાજોએ છેલ્લા બે મહિનામાં 38 ડ્રોન અને સંખ્યાબંધ મિસાઈલો તોડી પાડયા છે. અમેરિકન જહાજ યુએસએસ કાર્નીએ શનિવારે એક જ દિવસમાં 13 ડ્રોનનો ખાતમો બોલાવ્યો હતો. સંરક્ષણ વિભાગના અધિકારીઓનુ કહેવુ છે કે, અમેરિકન જહાજોને હુથીઓના સસ્તા ડ્રોનને તોડી પાડવા માટે મોંઘીદાટ મિસાઈલો વાપરવાનો વારો આવી રહ્યો છે.
અમેરિકાનુ યુધ્ધ જહાજ 20 લાખ ડોલરનુ મિસાઈલ લોન્ચ કરે છે અને હુથીઓ દ્વારા જે ડ્રોન વાપરવામા આવે છે તેની કિેમત 2000 ડોલર પણ નથી.
સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ એક મીડિયાને નામ નહીં આપવાની શરતે કહ્યુ હતુ કે, હુથીઓને કાબૂમાં રાખવા માટે જે ખર્ચ થઈ રહ્યો છે તે અમારા પક્ષમાં નથી. આ એક એવો મુદ્દો છે જેના પર ધ્યાન આપવાની જરુર છે અને સંરક્ષણ વિભાગે ઓછા ખર્ચાળ વિકલ્પો પર વિચાર કરવાની જરુર છે.
અમેરિકાના પૂર્વ સંરક્ષણ અધિકારી મિક મુલરોયના કહેવા પ્રમાણે ભલે અમેરિકા હુથી જૂથના મિસાઈલો અને ડ્રોનને તોડી પાડવામાં સફળ રહ્યુ હોય પણ તેની પાછળનો ખર્ચ એક સમસ્યા બની શકે છે. અમેરિકાએ હુથીઓના ડ્રોન તોડી પાડવા માટે સસ્તી સિસ્ટમ પર વિચારવાની જરુર છે.
જોકે સુરક્ષા કારણોસર અમેરિકા દ્વારા કયા મિસાઈલો ઉપયોગ થઈ રહ્યો છે તે તો જાહેર નથી કરાયુ પણ સંરક્ષણ વિભાગના કેટલાક પૂર્વ અધિકારીઓ અને નિષ્ણાતોના મતે અમેરિકન યુધ્ધ જહાજો સ્ટાન્ડર્ડ મિસાઈલ-2નો ઉપયોગ કરતા હોવાની શક્યતા છે. જે મધ્યમ અંતરની એર ડિફેન્સ મિસાઈલ છે અને તેની રેન્જ 130 કિમિ સુધીની છે. દરેક મિસાઈલની કિંમત 20 લાખ ડોલર જેટલી થવા જાય છે.
જાણકારોનુ કહેવુ છે કે, સૌથી ઓછા અંતર પર માર કરવા માટે સી સ્પેરો મિસાઈલ પણ ડેવપલ કરવામાં આવી છે. જોકે તેની પણ નંગ દીઠ કિંમત 18 લાખ ડોલર છે. જોકે તેની રેન્જ ઓછી હોવાથી ડ્રોનની જહાજ સાથેની ટક્કર થવાની શક્યતા રહેતી હોય છે એટલે અમેરિકા દ્વારા સ્ટાન્ડર્ડ મિસાઈલ-2નો જ ઉપયોગ થતો હોવાની સંભાવના વધી જાય છે.