શેખ હસીનાની વિદાયમાં અમેરિકાનો હાથ હોવાની વાત જ હાસ્યાસ્પદ છે : અમેરિકાનું વિદેશ મંત્રાલય
- બાંગ્લાદેશમાં અત્યારે પણ બની રહેલી ઘટનાઓમાં અમેરિકાનો હાથ હોવાની ચાલેલી હવા ખોટી માહિતીના આધારે છે : વેદાંત પટેલ
વોશિંગ્ટન : બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ આપેલા ત્યાગપત્રમાં અમેરિકાનો હાથ હોવાની વાત જ હાસ્યાસ્પદ છે. વાસ્તવમાં તેવી ચાલી રહેલી હવા પણ ખોટી માહિતી ઉપર આધારિત છે, તેમ અમેરિકાનાં વિદેશ મંત્રાલયના ઉપ પ્રવકતા વેદાંત પટેલે મંગળવારે (સ્થાનિક સમય પ્રમાણે) પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
પટેલે વધુમાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં ચાલી રહેલી ઘટનાઓ અંગે તાજેતરના સપ્તાહોમાં અમેરિકા અંગે ઘણી ઘણી ખોટી માહિતીઓ વહી રહી છે. પરંતુ અમે તે વિસ્તારમાં વિશેષત: દક્ષિણ-પૂર્વ એશિયામાંના અમારા સાથીઓની અખંડતા અને પ્રતિષ્ઠા બંને જળવાઈ રહે તેમજ પ્રતિબદ્ધતા પણ સતત રહે તે માટે હંમેશાં પ્રયત્નશીલ રહીએ છીએ.
વેદાંત પટેલે અમેરિકાની વિદેશ નીતિ અંગેના નિષ્ણાત અને વિસ્કોન સેન્ટરની સાઉથ એશિયન ઈન્સ્ટીટયુટના ડાયરેક્ટર માઈકેલ કુગેલમાનને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, આવા દાવા માટેના કોઈ સંભવિત પુરાવા પણ મેં જોયા નથી.
વેદાંત પટેલે કહ્યું હતું કે, મારા મતે તો આ કટોકટી આંતરિક કારણો સહજ ઉભી થઈ હતી. જોબ ક્વોટા અંગે વિદ્યાર્થીઓએ કરેલા આંદોલનને અત્યંત કડક હાથે દબાવી દેવાના હસીના સરકારના પ્રયાસોએ આ પ્રમાણમાં શાંત રહેલાં આંદોલનને ભડકાવી નાખ્યું. આંદોલન એટલું ઉગ્ર બન્યું કે આખરે શેખ હસીનાને સત્તા ત્યાગ કરી દેશ છોડી ચાલ્યા જવું પડયું હતું. જોકે તેઓની વિદાય અંગે મારે હજી શેખ હસીનાના પુત્રે જે કહ્યું તે જાણવાનું બાકી રહ્યું છે તેમજ અન્યો પાસેથી પણ વધુ માહિતી મેળવવાની બાકી રહે છે.