રશિયા-યુક્રેન યુદ્ધની ઈફેકટ, અમેરિકાની સેના પાસે તોપના ગોળાની અછત, તૂર્કી સાથે ડીલ કરી

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
રશિયા-યુક્રેન યુદ્ધની ઈફેકટ, અમેરિકાની સેના પાસે તોપના ગોળાની અછત, તૂર્કી સાથે ડીલ કરી 1 - image

image : Twitter

વોશિંગ્ટન,તા.28 માર્ચ 2024,ગુરૂવાર

રશિયા અને યુક્રેન યુદ્ધના પડઘા વૈશ્વિક સ્તરે પડી રહ્યા છે.આ યુદ્ધનો ફાયદો હથિયાર બનાવતી કંપનીઓનો થઈ રહ્યો છે. બીજી તરફ અમેરિકા જેવો દેશ પણ યુક્રેનને હથિયારો સપ્લાય કરવાના કારણે તોપગોળા અને તેના મટિરિયલ માટે હવે બીજા દેશો તરફ નજર દોડાવી રહ્યો છે.

અ્મેરિકાએ તોપાના ગોળાની સાથે સાથે તોપના ગોળા બનાવવા માટે જરુરી ટીએનટી અને નાઈટ્રોગુઆનિડાઈન નામના મહત્ત્વના મટિરિયલના સપ્લાય માટે તૂર્કી સાથે સોદો કર્યો છે. 155 મિલીમીટરના તોપના ગોળાના ઉત્પાદનને અમેરિકા ત્રણ ગણુ કરવા માંગે છે અને આ માટે ઉપરોક્ત મટિરિયલ મહત્ત્વનું છે.

અમેરિકાએ તૂર્કી તરફ હાથ લાંબો કરવો પડયો છે અને તેનુ કારણ રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષથી ચાલી રહેલો સંગ્રામ છે. આ યુદ્ધના કારણે પશ્ચિમના દેશો યુક્રેનને હથિયારો અને દારુગોળો સપ્લાય કરી રહ્યા છે અને તેના કારણે આ દેશોનો પોતાનો સ્ટોક ઘટી રહ્યો છે. બીજી તરફ ડીમાન્ડ વધી રહી હોવાથી દુનિયાભરની કંપનીઓ બેકલોગનો સામનો કરી રહી છે. ખાસ કરીને તોપના ગોળા અને બીજા બોમ્બ બનાવવા માટે વપરાતા ટીએનટી મટિરિયલની અછત વરતાઈ રહી છે. બીજી તરફ તૂર્કી આ મટિરિયલ સપ્લાય કરી શકે તેમ હોવાથી અમેરિકાએ તૂર્કી સાથે સોદો કરવાનુ નક્કી કર્યું છે.

તૂર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન તા.9 મેના રોજ વ્હાઈટ હાઉસની મુલાકાત લેશે અને તેમાં આ મુદ્દા પર પણ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે તેમની ચર્ચા થશે. અમેરિકા અને તૂર્કી વચ્ચેના સૈન્ય સબંધો ઘનિષ્ઠ બની રહ્યા છે. સ્વીડનને નાટો સંગઠનમાં સામેલ કરવા માટે તૂર્કીએ લીલી ઝંડી આપ્યા બાદ અમેરિકાએ તૂર્કીને એફ-16 ફાઈટર જેટ, મિસાઈલો અને બોમ્બ વેચવા માટે તૈયારી બતાવી છે. આ ડીલ 23 અબજ ડોલરની હોવાનુ મનાઈ રહ્યુ છે.

બીજી તરફ અમેરિકાની સેનાએ ટેકસાસની એક કંપનીને તોપના ગોળા બનાવવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે અને તેમાં તૂર્કીની કંપની પણ સામેલ છે. જૂન મહિનાથી અહીંયા પ્રોડકશન શુ થઈ જશે. તૂર્કીની હથિયારો બનાવતી કંપનીને આશા છે કે, 2025 સુધીમાં અમેરિકાની જરુરિયાતના 30 ટકા તોપગોળાનુ ઉત્પાદન તે કરશે. તૂર્કીની અન્ય એક કંપની પાસેથી  અમેરિકાએ આ વર્ષે 1.16 લાખ તોપના ગોળા ખરીદયા છે.


Google NewsGoogle News