અમેરિકાની ઈઝરાયેલ સામે અસાધારણ કાર્યવાહી, વેસ્ટ બેન્કમાં રહેતા કટ્ટરવાદી યહૂદીઓ પર પ્રતિબંધ મુકયો
image : twitter
વોશિંગ્ટન,તા.6 ડિસેમ્બર 2023,બુધવાર
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા જંગમાં અમેરિકાએ ઈઝરાયેલ સામે અસાધારણ કાર્યવાહી કરી છે.
આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર અમેરિકાએ વેસ્ટ બેન્કમાં રહેતા યહૂદી કટ્ટરવાદીઓના અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકી દીધો છે. અમેરિકાની કાર્યવાહી અણધારી એટલા માટે પણ લાગી રહી છે કે, સાત ઓક્ટોબરે હમાસ દ્વારા આતંકી હુમલા બાદ છેડાયેલા યુધ્ધમાં અત્યાર સુધી અમેરિકાની સરકાર ઈઝરાયેલની સાથે ઉભી રહી છે.
અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યુ હતુ કે, અમે આજથી નવો વિઝા પ્રતિબંધ લાગુ કરી રહ્યા છે. આ પ્રતિબંધ હેઠળ એવા લોકો પર અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે જેમણે વેસ્ટ બેન્કમાં શાંતિ અને સુરક્ષાને કમજોર કરવાનુ કામ કર્યુ છે.
ઉલ્લેખનીય છેકે, વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કને ગત સપ્તાહે ઈઝરાયેલને ચેતવણી આપી હતી કે, પેલેસ્ટાઈન પર સતત હુમલા કરી રહેલા ઈઝરાયેલ પર બાઈડન સરકાર કાર્યવાહી કરશે.
જોકે અમેરિકાએ વેસ્ટ બેન્કમાં રહેતા કેટલા યહૂદી લોકો પર આ પ્રતિબંધ મુકયો છે તેની જાણકારી શેર નથી કરી. આ માટે ગુપ્તતાનો હવાલો અપાયો છે. જોકે અમેરિકન વિદેશ વિભાગનુ કહેવુ છે કે, હિંસા ચાલુ રહેશે તો અમેરિકા આવનારા દિવસોમાં વધારે આકરા પગલા ભરશે.
બ્લિન્કને કહ્યુ હતુ કે, અમે ઈઝરાયેલી સરકારને વેસ્ટ બેન્કમાં પેલેસ્ટાઈનના નાગરિકો સામે હિંસા કરી રહેલા કટ્ટરવાદીઓ સામે કાર્યવાહી કરવા માટે અપીલ કરેલી છે અને રાષ્ટ્રપતિ બાઈડન વારંવાર કહી ચુકયા છે કે, આ પ્રકારની હિંસા કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.