Get The App

અમેરિકા પણ ભારતના રસ્તે, ચાઈનીઝ એપ ટિકટોક પર પ્રતિબંધના પ્રસ્તાવને સંસદમાં મંજૂરી

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
અમેરિકા પણ ભારતના રસ્તે, ચાઈનીઝ એપ ટિકટોક પર પ્રતિબંધના પ્રસ્તાવને સંસદમાં મંજૂરી 1 - image

Image : Socialmedia

વોશિંગ્ટન,તા.14 માર્ચ 2024,ગુરૂવાર

ચાઈનીઝ એપ ટિકટોકને ભારત બાદ અમેરિકામાં પણ મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાની સંસદમાં ટિકટોકને પ્રતિબંધિ કરવાના પ્રસ્તાવને ભારે બહુમતીથી પસાર કરાયો છે. આ મામલે ડેમોક્રેટિક અને રિપબ્લિકન એમ બંને પાર્ટીના મોટા ભાગના સાંસદો એકમત હતા. આ પ્રતિબંધ મુકવાના પ્રસ્તાવની તરફેણમાં 352 અને વિરોધમાં માત્ર 65 મત પડ્યા હતા.

અમેરિકન સંસદની આ કાર્યવાહીથી ચીનના હોશ ઉડી જવા સ્વાભાવિક છે. આ નિર્ણયના કારણે ટિકટોકને અમેરિકામાં કાર્યરત રહેવું હશે, તો ચીનની કંપનીની માલિકીથી અલગ થવું પડશે અથવા તો અમેરિકામાં પ્રતિબંધ માટે તૈયાર રહેવું પડશે.

હવે આ પ્રસ્તાવ અમેરિકન પ્રમુખ જો બાઈડન સમક્ષ મૂકાશે. તેના પર બાઈડન સહી કરશે એ નક્કી છે અને અમેરિકામાં ટિકટોકનું ભવિષ્ય ખતરામાં છે. આ પ્રસ્તાવની જોગવાઈ અનુસાર હાલમાં ટિકટોકની માલિકી ધરાવતી કંપની બાઈટ ડાન્સે 180 દિવસમાં આ એપ વેચી દેવી પડશે. નહીં તો અમેરિકામાં ગૂગલ તેમજ એપલના એપ સ્ટોર તેને ડાઉનલોડ માટે રાખી નહીં શકે. 

ટિકટોક માટે અમેરિકન સંસદની કાર્યવાહી બહુ મોટો ફટકો પુરવાર થઈ છે. ગત મહિને બાઈડને આગામી ચૂંટણી માટેના અભિયાનના ભાગરૂપે આ એપનો સહારો લીધો હતો. આ કારણસર કંપનીના અધિકારીઓને  લાગ્યું હતું કે, ‘ટિકટોક પર અમેરિકામાં પ્રતિબંધ મૂકાય તેવી કોઈ શક્યતા નથી. ત્યાર પછી ગણતરીના દિવસોમાં જ ટિકટોક માટે સ્થિતિ બદલાઈ ચૂકી છે. હાલમાં ટિકટોકના સીઈઓ વૉશિંગ્ટનમાં છે અને બિલ રોકવા સાંસદોનું સમર્થન મેળવવાના ભરપૂર પ્રયત્નો કરી રહ્યા છે.’

ઉલ્લેખનીય છે કે, આ એપ પર સૌથી પહેલા પ્રતિબંધ મૂકનારા દેશોમાં ભારતનો સમાવેશ થતો હતો. તેથી કહી શકાય કે, હવે અમેરિકા પણ ભારતના રસ્તે છે.


Google NewsGoogle News