અમેરિકાએ ગેરકાયદે રહેતા 145 દેશોના 1.6 લાખ લોકોને ઘરભેગા કર્યા, તેમાં ભારતીયો પણ સામેલ
USA Deporting Policy: અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયો પર છેલ્લા એક વર્ષથી તવાઈ આવી છે. અમેરિકાની હોમલેન્ડ સિક્યોરિટી અને ભારત સરકારના સહયોગમાં 22 ઓક્ટોબરે ચાર્ટર ફ્લાઈટ મારફત અમેરિકમાં ગેરકાયદે રહેતાં ભારતીયોને પાછા ભારતમાં મોકલી અપાયા છે. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ અને વસવાટ કરનારાઓ પર ત્યાંની સરકાર ચાંપતી નજર રાખતાં આ કવાયત હાથ ધરી છે.
હોમલેન્ડના ડેપ્યુટી સેક્રેટરી ક્રિસ્ટિને જણાવ્યા પ્રમાણે, 2024માં અત્યારસુધી અમે અમેરિકામાં ગેરકાયદે રહેતાં 145થી વધુ દેશોના 1,60,000 નાગરિકોને 495થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ મારફત તેમના દેશ પાછા મોકલ્યા છે. માનવ તસ્કરીના કેસો પર તપાસ હાથ ધરી આ કાર્યવાહી કરવામાં આવી છે. જૂન-2024થી આ કાયદાનું કડક અમલ કરાતાં ઘૂસણખોરીના પ્રમાણમાં 55 ટકાનો ઘટાડો થયો છે.
ડિપોર્ટિંગ નીતિનો ચુસ્ત અમલ
અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓના ડિપોર્ટિંગની અપનાવેલી નીતિ ગેરકાયદેસરના માઇગ્રેશન પર અસર પાડી રહી છે. તેના પગલે સલામત, કાયદેસર અને અન્ય કાયદાકીય રસ્તાઓનો ઉપયોગ વધ્યો છે. માનવ તસ્કરી કરનારાઓ પર પણ અંકુશ લાગ્યો છે. છેલ્લા એક વર્ષમાં હોમલેન્ડ સિક્યોરિટીઝ વિભાગે કોલંબિયા ઈક્વાડોર, પેરૂ, ઈજિપ્ત, મોરિટિયાના, સેનેગલ, ઉઝબેકિસ્તાન, ચીન અને ભારતથી આવેલા નાગરિકોમાં ગેરકાયદે ઘૂસણખોરીથી આવેલા વસાહતીઓને ચાર્ટર ફ્લાઈટમાં પરત મોકલવામાં સફળતા મેળવી છે.
આ પણ વાંચોઃ ઈઝરાયલનો કહેર યથાવત્, શરણાર્થીઓના કેમ્પ પર હવાઈ હુમલો, 36 પેલેસ્ટિનીઓના મોત
ભારત સરકારે સહયોગ આપ્યો
મેક્સિકો, ચીલી, કેનેડાની સરહદો પર થઈ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરનારાઓના રેકેટનો પર્દાફાશ કરવા ભારત સરકારે પણ સહયોગ આપ્યો હોવાનું હોમલેન્ડ સિક્યોરિટીએ જણાવ્યું છે. ભારત ઉપરાંત અન્ય દેશોએ પણ આ ડિપોર્ટિંગ નીતિમાં સહકાર આપ્યો છે.
જીવના જોખમે અમેરિકાની ઘેલછા
વિશ્વનું ટોચનુ અર્થતંત્ર ધરાવતા દેશ અમેરિકા જવાની ઘેલછામાં લોકો પોતાનો જીવ પણ દાંવ પર લગાવી દે છે. અમેરિકા ગેરકાયદે ઘૂસણખોરી કરી રહેલા કેટલાય ભારતીયોએ રસ્તામાં જ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગતવર્ષે મહેસાણાના પરિવારના ચાર સભ્યોએ કેનેડાથી દરિયાઈ માર્ગે અમેરિકામાં ઘૂસણખોરી કરતી વખતે જ બોટ પલટી થઈ જતાં મોતને ભેટ્યા હતા. આ ઘટનામાં આઠ ભારતીયોના મોત થયા હતા.