શું ખરેખર શેતાન હોય છે? સ્કૂલના એસાઇન્મેન્ટમાં પૂછાયેલા વિચિત્ર સવાલો પર વાલીઓ ભડક્યાં
Image Source: Twitter
US High School Assignment: સદીઓથી ઈશ્વરના અસ્તિત્વને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ વિષય ઘણીવાર ચર્ચાનો ભાગ પણ બની જાય છે. જેઓ ભગવાનમાં આસ્થા રાખે છે તેમની પોતાની દલીલો હોય છે અને જેઓ ભગવાનમાં આસ્થા નથી રાખતા તેમની પાસે પણ તેમની પોતાની દલીલો હોય છે. પરંતુ તાજેતરમાં અમેરિકાના ઓક્લાહોમા શહેરમાં એક શાળાના એસાઇન્મેન્ટમાં કેટલાક આવા જ સવાલોએ વિવાદ સર્જ્યો છે. આ એસાઇનમેન્ટ અને તેમાં પૂછાયેલા સવાલ સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાઇરલ થઈ રહ્યા છે.
ઓક્લાહોમામાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને આપવામાં આવેલી એસાઇનમેન્ટની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે. આ તસવીર વિદ્યાર્થીની માતાએ ફેસબુક પર પોસ્ટ કરી હતી. ફેસબુક પર આ પોસ્ટ શેર થતાની સાથે જ એસાઇનમેન્ટમાં પૂછવામાં આવેલા સવાલને લઈને વિવાદ શરૂ થયો છે.
ફેસબુક પોસ્ટ પ્રમાણે જો આપણે એસાઇનમેન્ટના સવાલ પર નજર કરીએ, તો તેમાંના કેટલાક આ પ્રમાણે હતા: શું શેતાન ખરેખર અસ્તિત્વ ધરાવે છે? શું ખરેખર ઈશ્વરનું અસ્તિત્વ છે? હવે જ્યારે આવા સવાલો સામે આવે ત્યારે વિવાદ થવો સામાન્ય છે. આ ચર્ચા નાસ્તિકો અને આસ્તિકો વચ્ચે ગરમાઈ છે. ઘણા લોકોએ સવાલો ઉઠાવ્યા કે સ્કૂલના નિર્દોષ બાળકોને આવા સવાલ કેમ પૂછવામાં આવ્યા?
એક વિદ્યાર્થીની માતાએ કરી પોસ્ટ
એસાઇનમેન્ટમાં પૂછવામાં આવેલા સવાલોની તસવીર શેર કરતા વિદ્યાર્થીની માતાએ પોસ્ટ કરી છે. ઓલિવિયા ગ્રેએ પોસ્ટમાં લખ્યું કે, આ ઓક્લાહોમાના એક હાઈસ્કૂલના ક્લાસ માટે એસાઇનમેન્ટ છે. વિશ્વના ઇતિહાસના વિષયમાં આવા સવાલો પૂછવાનો શું તર્ક છે. આવા સવાલો ગાંડપણ અને બકવાસથી ભરેલા છે.
સોશિયલ મીડિયા પર શું આવ્યું રિએક્શન
ફેસબુક પર આ પોસ્ટ બાદ કોમેન્ટ સેક્શનમાં નારાજગીની કોમેન્ટ્સ પણ આવી. મોટાભાગના યુઝર્સે ફરિયાદ કરી કે સ્કૂલના બાળકોના એસાઇનમેન્ટમાં આવા સવાલોની શું જરૂર છે, જ્યાં શેતાનના અસ્તિત્વ પર સવાલ ઉઠાવવામાં આવે. એક યુઝરે આ એસાઇનમેન્ટને ધાર્મિક માન્યતાઓ પર પોતાના અભિપ્રાયને થોપવા જેવો ગણાવ્યો. અન્ય એક યુઝરે સવાલ ઉઠાવ્યો કે શા માટે શાળાના અભ્યાસક્રમમાં શેતાન અને ભગવાન જેવા વિષયોનો સમાવેશ કરવો જરૂરી છે.
જો કે, કેટલાક લોકોનું માનવું હતું કે, વિશ્વના ઈતિહાસ જેવા વિષયમાં આ મૂળભૂત સવાલો મહત્વપૂર્ણ છે. તેમનો તર્ક એવો હતો કે, આવા સવાલો વિદ્યાર્થીઓની તાર્કિક શક્તિનો વિકાસ કરી શકે છે, જેથી તેઓ ભવિષ્યમાં સાચા-ખોટાનો નિર્ણય લેવામાં સક્ષમ બને.
પોસ્ટ વાઇરલ થયા બાદ સ્કૂલે આપી સ્પષ્ટતા
Skiatook Public Schoolsએ વર્લ્ડ હિસ્ટ્રી એસાઇનમેન્ટ અંગે સ્પષ્ટતા આપી. તેમણે કહ્યું કે, જ્યારે વહીવટીતંત્રે એસાઇનમેન્ટની સમીક્ષા કરી ત્યારે એવું તારણ કાઢવામાં આવ્યું કે બાળકોને આવા સવાલો પૂછવા એ અમારા શિક્ષણને લઈને દ્રષ્ટિકોણમાં નથી. અમે આગળ એકેડેમિક સ્ટેન્ડર્ડ પૂર્ણ કરતા રહીશું.