Get The App

અમેરિકી સરકાર ગૌતમ અદાણીના પ્રત્યાર્પણની માગ કરે તેવી સંભાવના

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
અમેરિકી સરકાર ગૌતમ અદાણીના પ્રત્યાર્પણની માગ કરે તેવી સંભાવના 1 - image


- લાંચ, રોકાણકારોને છેતરવાના કેસમાં અદાણીની મુશ્કેલી વધી

- અદાણી કેસ પર અમારી નજર છે પણ સાથે અમેરિકા અને ભારતના સંબંધો પણ ઘણા મજબૂત : વ્હાઈટ હાઉસ

- આવા કિસ્સામાં પ્રત્યાર્પણ અત્યંત દુર્લભ પરિસ્થિતિઓના અભાવમાં થાય છે : અમેરિકન વકીલ રવિ બત્રા

ન્યૂયોર્ક : ભારતના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સહિત અદાણી જૂથના સાત એક્ઝિક્યુટિવ્સ પર ભારતમાં સોલાર પ્રોજેક્ટ માટે ભારતીય અધિકારીઓને લાંચ ઓફર કરવાના કેસમાં અમેરિકામાં દિવાની અને ફોજદારી આરોપ ઘડાયા પછી ન્યૂયોર્કના ટોચના વકીલે કહ્યું હતું કે, આ કેસ ઘણો આગળ વધી શકે છે. ગૌતમ અદાણી અને અન્ય સાત લોકો વિરુદ્ધ ધરપકડ વોરન્ટ કાઢ્યા પછી હવે અમેરિકા તેમના પ્રત્યાર્પણ માટે પણ પ્રયત્નો કરે તેવી સંભાવના છે.

અમેરિકન ન્યાય વિભાગે ભારતના બીજા ક્રમના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સહિત અન્ય સાત વિરુદ્ધ અમેરિકન કોર્ટે ધરપકડ વોરન્ટ ઈશ્યુ કર્યા હતા. ગૌતમ અદાણી હાલ ભારતમાં છે. જોકે, હવે અમેરિકન કોર્ટ ગૌતમ અદાણી સહિત સાતેય અધિકારીઓના પ્રત્યાર્પણ માટે પણ પ્રયાસ કરે તેવી સંભાવના છે. આ બધા જ સામે ધરપકડ  વોરંટ ઈશ્યુ કરાયા છે. હવે અમેરિકા તેમના પ્રત્યાર્પણના પ્રયત્નો કરે તેવી શક્યતા છે.

જોકે, અદાણી ગૂ્રપે અમેરિકન કોર્ટમાં લગાવાયેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે અદાણી જૂથ બધા જ કાયદાનું પાલન કરવામાં વિશ્વાસ રાખે છે. અમેરિકન ન્યાય વિભાગે ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સહિત અન્ય સાત લોકો પર મોંઘી સૌર ઊર્જા ખરીદવા માટે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના અધિકારીઓને લાંચ આપવાનો આરોપ મૂક્યો છે. જોકે, તેમાં અધિકારીઓના નામનો ખુલાસો કરાયો નથી. આ પ્રોજેક્ટથી અદાણી ગૂ્રપને ૨૦ વર્ષથી વધુ સમયમાં ૨૦૦ કરોડ ડોલરથી વધુનો લાભ થવાનો અંદાજ છે.

ભારતીય મૂળના અમેરિકન વકીલ રવિ બત્રાએ કહ્યું કે, અમેરિકન એટર્ની બ્રાયન પીસ પાસે ગૌતમ અદાણી અને અન્ય સાત લોકો વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈશ્યુ કરવા અને તેઓ જ્યાં રહે છે તે દેશમાં તેની બજવણી કરવાનો અધિકાર છે. અમેરિકન કાયદા મુજબ સંબંધિત દેશ સાથે પ્રત્યાર્પણની સંધી હોય તો અમેરિકા જે-તે દેશ પર તેના માટે દબાણ કરી શકે છે. આ એક પ્રક્રિયા છે, જેનું સંબંધિત દેશે તેના કાયદાઓને અનુરૂપ પાલ કરવું જોઈએ.

ભારત અને અમેરિકા વચ્ચે વર્ષ ૧૯૯૭માં પ્રત્યાર્પણ સંધી થઈ હતી. જોકે, પ્રત્યાર્પણ અત્યંત દુર્લભ પરિસ્થિતિઓના અભાવમાં થાય છે. ચીલીના પૂર્વ પ્રમુખ ઓગસ્ટો પિનોશેના કેસમાં આવું જ જોવા મળ્યું હતું. બ્રિટને માનવીય આધાર પર તેમનું પ્રત્યાર્પણ કર્યું નહોતું. જોકે, ગૌતમ અદાણી અને અન્ય ૭ લોકો પરના કેસમાં આ ઉદાહરણ લાગુ પડે તેવું ભાગ્યે જ જણાય છે. 

વધુમાં ગૌતમ અદાણી પર લાગેલા આરોપોનું રાજકીય અને માનવાધિકાર સંબંધી ચિંતાઓનું આકલન કરવામાં આવી શકે છે. તેના પગલે પ્રક્રિયામાં વિલંબ થવાની સંભાવના છે. ગૌતમ અદાણીએ હજુ સુધી કોઈ આરોપ પર કોઈ જવાબ આપ્યો નથી. તેઓ ક્યારેય કોઈ અમેરિકન કોર્ટમાં હાજર થયા નથી. તેમનું પ્રત્યાર્પણ થાય અથવા તેઓ આત્મ સમર્પણ કરે તો તેમના વકીલ આરોપોને પડકારી શકે છે. ઉપરાંત કોર્ટમાં આ કેસના વહેલા શરૂ થવાની શક્યતા જણાતી નથી. કાયદાકીય પ્રક્રિયાઓ, પુરાવાઓ પર ચર્ચા અને અદાણી સાથે સામેલ અન્ય આરોપીઓ માટે અલગ અલગ કેસ આ પ્રક્રિયાને લાંબી ખેંચી શકે છે.

જોકે, કોઈપણ કારણોસર ગૌતમ અદાણી દોષિત ઠરે તો તેમને લાંચ આપવાના આરોપમાં પાંચ વર્ષની સજા થઈ શકે છે. આ સિવાય છેતરપિંડી અને કાવતરાંના આરોપમાં ૨૦ વર્ષ સુધીની સજા થઈ શકે છે. વધુમાં તેમને જંગી દંડ થવાની પણ શક્યતા છે. જોકે, કોઈપણ સજા નિશ્ચિત કરવાનું છેવટે આ કેસ સંભાળી રહેલા ન્યાયાધીશ પર નિર્ભર રહે છે.

દરમિયાન આ ઘટનામાં હવે વ્હાઈટ હાઉસે પણ નિવેદન કર્યું છે. વ્હાઈટ હાઉસનાં પ્રવક્તા કરાઈન જીન-પીયરેએ કહ્યું કે, અદાણી વિરુદ્ધ જે આરોપો લગાવાયા છે તેની અમને જાણ છે. તેમના પર લાગેલા આરોપો અંગે જાણવા અને સમજવા માટે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન તથા ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ પાસે જવું પડશે. જોકે, ભારત અને અમેરિકાના સંબંધોની વાત છે ત્યાં સુધી મારું માનવું છે કે બંને દેશ વચ્ચે મજબૂત સંબંધ છે અને મને વિશ્વાસ છે કે આ સંબંધો આગળ પણ જળવાઈ રહેશે.


Google NewsGoogle News