અમેરિકામાં શટડાઉનનો ખતરો! સેલેરી માટે પૈસા નહીં, બંધ થઈ જશે અનેક સરકારી ઓફિસ
US government Economic crisis: અમેરિકા હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પૂરતા પૈસા નથી. દેશમાં હાલ શટડાઉનનો ખતરો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ ટૂંકા ગાળાના ભંડોળની યોજના બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંભવિત ફંડિંગ બિલનો વિરોધ કર્યા પછી ફંડિંગ મેળવવા માટે, યુએસ સંસદમાં 19 ડિસેમ્બરે રાત્રે એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમર્થન આપ્યું હતું. જો કે આ બિલ સંસદમાં પાસ ન થયું.
જોકે, વિપક્ષી ડેમોક્રેટ્સે તેનો જોરદાર વિરોધ કર્યો હતો. ડેમોક્રેટ્સ ટ્રમ્પના કાર્યકાળના પ્રથમ વર્ષમાં કોઈ રાજકીય લાભ આપવા માંગતા ન હતા, જેના કારણે તેઓએ આ બિલનો વિરોધ કર્યો હતો.
ટ્રમ્પના પક્ષમાં પણ વિરોધ
આ બિલનો વિરોધ માત્ર ડેમોક્રેટ્સે જ નહીં પરંતુ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના કેટલાક સાંસદોએ પણ કર્યો હતો. આ બિલને સંસદમાં 174-235ના માર્જિનથી ફગાવી દેવામાં આવ્યું હતું. રિપબ્લિકન પાર્ટીના 38 સાંસદોએ પણ તેની વિરુદ્ધ વોટ કર્યો હતો.
આ બિલ પાસ થવું કેટલું જરૂરી?
અમેરિકાને તેના ખર્ચને પહોંચી વળવા માટે ફંડિંગની જરૂર છે. આ ફંડ ઉધાર લઈને એકત્ર કરવામાં આવે છે, જેના માટે સંસદમાં બિલ પસાર કરવામાં આવે છે. આ વખતે પ્રસ્તાવિત બિલ ટ્રમ્પના સમર્થનથી રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે પાસ થઈ શક્યું ન હતું. આથી હવે યુએસ સરકાર તેના ખર્ચ માટે જરૂરી ભંડોળ મેળવી શકશે નહીં. આ ભંડોળમાંથી જ અમેરિકન સરકાર સરકારી કર્મચારીઓના વેતન અને અન્ય વહીવટી ખર્ચને પહોંચી વળે છે. આથી હવે બિલ પાસ ન થતા સરકારી કામકાજ અટકી જશે અને શટડાઉનની સ્થિતિ સર્જાશે.
ફંડિંગ પૂરું પાડવાની દરખાસ્ત
આ બિલમાં માર્ચ સુધી સરકારી ખર્ચ માટે ભંડોળ પૂરું પાડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આપત્તિ રાહત માટે $100 બિલિયન આપવાની અને બે વર્ષ માટે દેવાની મર્યાદા વધારવાની યોજના હતી. ગત વખતે જ્યારે આ જ પ્રકારનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે ટ્રમ્પ અને એલોન મસ્કે તેનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો: સત્તા પરિવર્તન પહેલા અમેરિકામાં હલચલ! બાઈડેન અને હેરિસે અચાનક રદ કરી ક્રિસમસ ટ્રીપ
શટડાઉનની સંભવિત અસર
જો શટડાઉન થશે તો અમેરિકાની સમગ્ર સંઘીય વ્યવસ્થા પ્રભાવિત થશે. તેમજ લગભગ 20 લાખ સરકારી કર્મચારીઓને તેમનો પગાર નહીં મળે, ઘણી સરકારી સંસ્થાઓને અસ્થાયી રૂપે બંધ કરવી પડશે, એરપોર્ટ પર ભારે ટેરિફનો સામનો કરવો પડશે, તેમજ માત્ર કાયદા અને સુરક્ષા સંબંધિત વિભાગના કર્મચારીઓ જ કામ કરશે.