Youtubeના પૂર્વ સીઈઓના પુત્રનુ હોસ્ટેલમાં રહસ્મય સંજોગોમાં મોત, ડ્રગ્સના ઓવરડોઝની આશંકા
Image Source: Twitter
વોશિંગ્ટન, તા. 18 ફેબ્રુઆરી 2024
યૂ ટ્યૂબના પૂર્વ સીઈઓ(ચીફ ઓપરેટિંગ ઓફિસર) સુઝેન વોઝિસ્કીના 18 વર્ષીય પુત્રનુ રહસ્યમય સંજોગોમાં મોત થયુ છે.
વર્તમાન સપ્તાહની શરુઆતમાં માર્કો ટ્રોપરનો મૃતદેહ કેલિફોર્નિયા યુનિવર્સિટીના બર્કલે કેમ્પસમાં હોસ્ટેલમાંથી મળી આવ્યો હતો. ડ્રગના ઓવરડોઝના કારણે તેનુ મોત થયુ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
કેમ્પસના સત્તાધીશોનુ કહેવુ છે કે, બર્કલી કેમ્પસના ક્લાર્ક કેર હોસ્ટેલમાં માર્કો રહેતો હતો. તે મંગળવારે સવારે રુમમાંથી બહાર નીકળ્યો નહોતો. તેના મિત્રોએ દરવાજો ખખડાવ્યો ત્યારે પણ અંદરથી કોઈ જવાબ મળ્યો નહોતો. જેના કારણે તેના રુમનો દરવાજો તોડવામાં આવ્યો હતો અને માર્કો અંદર મૃત હાલતમાં પડેલો હતો.
હાલમાં તો તેના મોતની જાણકારી મળી નથી અને ઘટના સ્થળ પર પણ કોઈ બાબત તરફ સંકેત કરે તે પ્રકારના કોઈ નિશાન મળ્યા નથી પણ માર્કોની દાદી એસ્થર વોઝિસ્કીનુ માનવુ છે કે, ડ્રગ્સના ઓવરડોઝના કારણે માર્કોનુ મોત થવાની શક્યતા પણ છે.
એસ્થરે કહ્યુ હતુ કે, માર્કો બહુ દયાળુ હતો અને તમામને પ્રેમ કરનાર વ્યક્તિ હતી. ગણિતમાં તે હોશિંયાર હતો. તે એક ડ્રગનુ સેવન કરતો હતો. અમને ખબર નથી કે તે કયા પ્રકારનુ ડ્રગ હતુ. તે ગણિત વિષયનો અભ્યાસ કરી રહ્યો હતો અને આગામી દિવસોમાં તેનુ બીજુ સેમેસ્ટર શરુ થવાનુ હતુ. અમે બધા દુખી છે અને માર્કો સાથે વીતાવેલા સમય અંગે વિચારી રહ્યા છે.
દરમિયાન પરિવારને માર્કોના ટોક્સિકોલોજી રિપોર્ટનો ઈંતેઝાર છે. જેના થકી માર્કોનુ મોત ડ્રગ્સના ઓવરડોઝથી કે બીજા કોઈ કારણથી થયુ છે તે જાણી શકાશે. જોકે રિપોર્ટ આવતા લગભગ 30 દિવસ જેટલો સમય લાગશે.