ખાલિસ્તાની આતંકી પન્નૂની અમેરિકામાં હત્યા થવાની હતી, એફબીઆઈએ કાવતરુ નિષ્ફળ બનાવ્યુ
image : Socialmedia
વોશિંગ્ટન,તા.23 નવેમ્બર 2023,ગુરૂવાર
અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈએ ભારત સામે છાશવારે ઝેર ઓકતા ખાલિસ્તાની આતંકી ગુરુપતવંત સિંહ પન્નૂની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે.
એફબીઆઈનુ કહેવુ છે કે, પન્નૂની અમેરિકાની ધરતી પર હત્યા કરવાનુ ષડયંત્ર રચવામાં આવ્યુ હતુ.પન્નૂ પાસે અમેરિકાની સાથે કેનેડાની પણ નાગરકિતા છે.
આ વાતનો ખુલાસો એક બ્રિટિશ અખબારે કર્યો છે અ્ને તેના અહેવાલ અનુસાર અમેરિકાએ પન્નૂની હત્યાના કાવતરાને લઈને ભારતને ચેતવણી પણ આપી છે.એ પછી ઘણા લોકો એવો દાવો કરી રહ્યા છે કે, ભારત અને કેનેડાની જેમ ભારત અને અમેરિકાના સબંધો પણ ખરાબ થઈ શકે છે.જોકે ઘણા જાણકારોનુ માનવુ છે કે, આ બાબતની અસર ભારત અને અમેરિકાના સબંધો પર પડે તેવી શક્યતા ઓછી છે.
અમેરિકાના વ્યૂહાત્મક બાબતોના જાણકાર માઈકલ કુગલમેનના કહેવા પ્રમાણે અમેરિકાનુ ખાલિસ્તાન મુદ્દેનુ વલણ કેનેડા કરતા વધારે સારુ છે.અમેરિકાએ અગાઉ ભારતીય દૂતાવાસો સામે ખાલિસ્તાનીઓ દ્વારા થયેલા હિંસક દેખાવોની નિંદા પણ કરી છે.સાથે સાથે પન્નૂની હત્યાના ષડયંત્રનો મુદ્દો પણ અમેરિકાએ જાહેરમાં નહીં પણ ખાનગીમાં વાતચીત દરમિયાન ઉઠાવ્યો છે.
બ્રિટિશ અખબારના અહેવાલ પ્રમાણે સિખ ફોર જસ્ટિસના સ્થાપક અને આતંકી પન્નૂને અમેરિકાની ધરતી પર જ મારી નાંખવાની યોજના હતી.જોકે એફબીઆઈએ આ કાવતરુ નિષ્ફળ બનાવ્યુ હતુ.અમેરિકાએ પોતાના સહયોગી દેશો સાથે પણ તેને લઈને જાણકારી શેર કરી હતી.
સિખ આતંકવાદી નિજ્જરની કેનેડામાં હત્યા બાદ પન્નૂ સામે કાવતરુ ઘડવામાં આવ્યુ હોવાનુ મનાય છે.
બીજી તરફ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડાના સબંધોમાં આવેલી કડવાશ હજી પણ ઓછી થઈ રહી નથી.કેનેડાના પીએમ ટ્રુડોએ જાહેરમાં જ ભારત પર આ હત્યામાં સામેલ હોવાનો આરોપ મુકીને બંને દેશો વચ્ચેના સબંધો ખરાબ કરવાનુ કામ કર્યુ હતુ.