જાણો કેવા સંજોગોમાં પહેલો અણુ બોમ્બ બન્યો હતો, કેવી રીતે થઈ હતી ઓપનહેઈમરની એન્ટ્રી
US First Atomic Bomb History : વિશ્વ હાલમાં બબ્બે યુદ્ધનું સાક્ષી બની રહ્યું છે. એક છે રશિયા-યુક્રેન યુદ્ધ, અને બીજું છે ઈઝરાયલ અને એના મધ્ય-પૂર્વી દુશ્મનો વચ્ચે છેડાયેલો તાજો સંઘર્ષ. મધ્ય-પૂર્વમાં લાગેલી આગ તો આગળ જતાં ત્રીજા વિશ્વયુદ્ધનો પલિતો પણ સાબિત થાય, એવી ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. વિશ્વયુદ્ધ થયું તો દુનિયાના તમામ મોટા દેશો સીધી કે આડકતરી રીતે એમાં સંકળાશે, એ તો નક્કી, કેમ કે ધરતી પર અગાઉ ખેલાયેલા બે મહાવિગ્રહમાં પણ એમ જ બન્યું હતું. વિશ્વયુદ્ધનું નામ પડતાં જ યાદ આવે અમેરિકાનો જાપાન પરનો અણુબોમ્બ-પ્રહાર જેણે માનવ-ઈતિહાસમાં અમીટ છાપ છોડી છે. આજે આપણે જોઈએ કે કેવા સંજોગોમાં એ અણુબોમ્બ અસ્તિત્વમાં આવ્યો હતો.
આવી હતી બીજા વિશ્વયુદ્ધની ચોપાટ
બીજા વિશ્વયુદ્ધમાં એક તરફ જર્મની અને એના સાથી દેશો (જાપાન, ઈટલી, હંગેરી, રોમાનિયા, ઓસ્ટ્રિયા વગેરે) હતા, તો સામે પક્ષે હતા અમેરિકા અને એના ‘મિત્ર દેશો’ (સોવિયત યુનિયન, બ્રિટન, ઓસ્ટ્રિલિયા, ચીન, ભારત અને યુરોપના દેશો). વિશ્વવિજેતા બનવા નીકળેલું હિટલરનું જર્મની યુરોપી મોરચે બેફામ બન્યું હતું તો એશિયામાં જાપાને કાળોકેર વર્તાવ્યો હતો.
અણુબોમ્બ બનાવવાની માથાપચ્ચી લાવી આ પરિણામ
દુશ્મન દેશમાં સામૂહિક વિનાશ સર્જીને એને ક્ષણભરમાં ઘૂંટણિયે પાડી દેવાય એવું મહાવિનાશકારી હથિયાર બનાવવા માટે જર્મનીમાં વિજ્ઞાની ઓટ્ટો હાન અને એનો શિષ્ય સ્ટ્રોસમેન મચી પડેલા હતા. તેઓ યુરેનિયમ પર ન્યુટ્રોન વડે પ્રહાર કરવાના પ્રયોગો લેબોરેટરીમાં કરી રહ્યા હતા. એક પ્રયોગમાં અચાનક યુરેનિયમે પોતાનું સ્વરૂપ બદલ્યું અને બેરિયમ બની ગયું. બંને વિજ્ઞાનીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા કે આ શું થઈ ગયું? લિસા નામની ઑસ્ટ્રિયન યહૂદી મહિલા વિજ્ઞાનીએ કહ્યું કે, ‘આ તો વિખંડન થયું છે.’ એ શોધના મૂળમાં જર્મન-યહૂદી વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું વિશ્વવિખ્યાત સૂત્ર હતું ‘E=MC સ્ક્વેર’ જ હતું.
એકની શોધ બની બીજાનો ફાયદો
વિખંડનવાળું સંશોધન નેચર મેગેઝિનમાં પ્રકાશિત થયું. એ વાંચીને અમેરિકન વિજ્ઞાનીઓને લાગ્યું કે આ શોધ તો યુદ્ધનું મહાવિનાશકારી શસ્ત્ર બનાવવાની ચાવી છે. અમેરિકાને ડર હતો કે જર્મનો અણુબોમ્બ બનાવવામાં મચી પડ્યા છે. એ સિદ્ધિ એમને મળે એ પહેલાં પોતે હાંસિલ કરી લેવાને ઈરાદે અમેરિકા પણ અણુબોમ્બ બનાવવામાં કૂદી પડ્યું.
ફક્ત જર્મની જ નહીં, જાપાન પણ બન્યું જાની-દુશ્મન
મિત્ર દેશો જર્મની નામના ભોરિંગને નાથે એ પહેલાં તો જાપાન માથાનો દુખાવો બની ગયું. એશિયામાં તો એણે તબાહી મચાવી જ હતી, પણ 7 ડિસેમ્બર 1941ના રોજ અમેરિકાના પર્લ હાર્બરને ભસ્મીભૂત કરીને જાપાન અમેરિકાનેય વિશ્વયુદ્ધના મેદાનમાં ખેંચી લાવ્યું. બંને દુશ્મનોને કાબૂમાં કરવા અમેરિકા માટે એવા શસ્ત્રની શોધ કરવી જરૂરી બની ગઈ હતી જે તેને વિશ્વની સર્વોચ્ચ શક્તિ બનાવી દે.
આલ્બર્ટ આઈન્સ્ટાઈને આપી હતી ચેતવણી
હિટલરે યહૂદીઓને ખતમ કરવાનો આદેશ આપી દીધો હોવાથી યહૂદીઓ જે પહેલું વાહન મળ્યું એ પકડીને જર્મનીથી પલાયન થવા લાગ્યા. ઘણાંને તો યુરોપના અન્ય દેશમાં પણ સલામતી ન લાગતા તેમણે અમેરિકાની વાટ પકડી. મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ એમાંના એક હતા. તેમણે તત્કાલીન અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, કદાચ જર્મની સૌથી પહેલાં અણુ બોમ્બ બનાવી લેશે.
આ પણ વાંચો : અમેરિકાએ જે સાધનથી લાદેનને શોધી કાઢ્યો હતો, ભારતે તેના માટે રૂ. 32 હજાર કરોડની ડીલ કરી
આ રીતે શરૂ થયું મિશન
1942માં ન્યૂ યોર્કના મેનહટનમાં બ્રોડવે પર એક બહુમાળી ઈમારતના અઢારમા માળે બોમ્બ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ. લાયક વિજ્ઞાનીઓની પસંદગી કરાઈ અને બે મહિનામાં બારસો ટન યુરેનિયમ એકત્ર કરાયું. ગુપ્ત યોજનાને નામ અપાયું- ‘મેનહટન પ્રોજેક્ટ’.
Image - americanscientist |
અણુબોમ્બનો પાયો નંખાયો હતો સાવ અજાણ્યા સ્થળે
મેનહટન જેવા પૉશ અને વસ્તીથી ફાટફાટ થતાં વિસ્તારમાં ચર્ચાઓ કરી શકાય, કાગળકામ કરી શકાય, પણ અણુબોમ્બનું પરીક્ષણ તો ન કરી શકાય-ને? એટલે એ માટે માનવવસ્તીથી દૂર સાવ અજાણ્યા સ્થળની પસંદગી કરવામાં આવી. નામ હતું- 'લોસ એલામોસ'. ન્યૂ મેક્સિકો રાજ્યના વેરાન પહાડી જંગલ વિસ્તારનું એક એવું સ્થળ જ્યાં કોઈ ખાનગી પ્રોજેક્ટ હાથ ધરાય તો કોઈની નજર જાય એમ નહોતું.
જંગલમાં થયો સંચાર
લોસ એલામોસમાં નિર્જન સ્થળે લેબોરેટરીનું નિર્માણ કરવામાં આવ્યું. હજારો વિજ્ઞાનીઓ આ ગુપ્ત સ્થળે અનિશ્ચિત સમય માટે બંધ થઈ ગયા. હજારો સૈનિકો એની સુરક્ષા માટે ગોઠવાઈ ગયા. બહારની દુનિયા સાથે લગભગ કોઈ સંપર્ક નહીં. ટૂંક સમયમાં આ સ્થળ પરમાણુ પ્રયોગશાળામાં પરિવર્તિત થઈ ગયું. જ્યાં ફક્ત ગાયો અને ઘેટાં ચરતા હતા, ત્યાં અણુબોમ્બ બનાવવાની કસરત શરૂ થઈ હતી. સમય હતો 1942નો.
મેનહટન પ્રોજેક્ટમાં ઓપનહેઈમરની એન્ટ્રી
થિયોરેટિકલ ફિઝિસિસ્ટ એવા જુલિયસ રોબર્ટ ઓપનહેઈમરને અણુબોમ્બ બનાવવાની જવાબદારી સોંપાઈ ત્યારે ઓપનહેઈમરે કહ્યું હતું કે, ‘હું એટમ બોમ્બ બનાવીશ, પણ હું ઈચ્છું એ વસ્તુ અને એ વ્યક્તિ તથા હું માંગું એટલા નાણાં મને તરત જ મળી જવા જોઈએ.’ એની શરત મંજૂર રાખવામાં આવી અને ઓપનહેઈમર મેનહટન પ્રોજેક્ટના લીડર બની ગયા. એમની જોડે ટેલેન્ટેડ વિજ્ઞાનીઓની ટીમ રાત-દિવસ જોયા વિના કામે લાગી ગઈ.
આ પણ વાંચો : કાર્બન ન્યુટ્રલ: બ્રિટનમાં ક્રાંતિના એક યુગનો અંત, 142 વર્ષ બાદ કોલસાથી વીજ ઉત્પાદન બંધ
ભગવદ ગીતાના અનુયાયી હતા ઓપનહેઈમર
અણુ બોમ્બના જનક ઓપનહેઈમરના માતાપિતા જર્મન-યહૂદી મૂળના હતા. માત્ર 9 વર્ષની ઉંમરે તેઓ ગ્રીક અને લેટિન સાહિત્ય વાંચી શકતા હતા. વાંચનનો રસ એમને ભગવદ ગીતા તરફ લઈ ગયો. ગીતા વાંચવા એમણે સંસ્કૃત ભાષા શીખી. અણુ બોમ્બના પરીક્ષણ દરમિયાન ઓપનહેઈમરે ભગવદ ગીતામાંથી એક શ્લોક ટાંક્યો હતો- 'હવે હું વિશ્વ-વિનાશક કાળ બની ગયો છું.' આ શ્લોક એટમ બોમ્બની અસીમ શક્તિ અને વિનાશની ક્ષમતા દર્શાવે છે.
રશિયાએ જર્મનીને કચડી નાંખ્યું
અમેરિકા અણુબોમ્બ બનાવવામાં સફળતા મેળવે એ પહેલાં મોટી જીત રશિયાએ મેળવી. રશિયાને સર કરવા નીકળેલી જર્મન સેનાને ભયંકર પછડાટ મળી. 7 મે, 1945ના રોજ નાઝી જર્મનીની સેનાએ રશિયન સેના અને એલાયન્સ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું, એટલે એક દુશ્મન ઓછો થયાની રાહત અમેરિકાને મળી, પણ જાપાન હજુ કોઈને ગાંઠે એમ નહોતું.
જાપાની તલવાર સામે ઝુકી ગયું એશિયા
આજે ચીનની છે એવી વિસ્તારવાદી માનસિકતા ત્યારે જાપાનની હતી. જાપાની સેના આખા એશિયાને ગળી જવા બેફામ બની હતી. વિસ્તારમાં પોતાના કરતાં ક્યાંય વધુ મોટા ચીનને જાપાને ખેદાન-મેદાન કરી નાંખ્યું હતું. મ્યાનમાર (ત્યારે બર્મા) સુધી પહોંચી ગયેલી જાપાની સેના વહેલીમોડી ભારતમાં પ્રવેશીને બ્રિટિશ રાજને હંફાવી દેવા તત્પર હતી.
અણુબોમ્બનો પહેલો પ્રયોગ નિષ્ફળ નીવડ્યો, પણ
વર્ષ 1945 ના જુલાઈ મહિનામાં પ્રથમ પ્લુટોનિયમ તૈયાર થઈ જતાં અમેરિકાએ 14 જુલાઈના રોજ પરમાણુ પરીક્ષણ કરી જોયું, પણ એ પ્રયોગ પ્રારંભિક તબક્કામાં નિષ્ફળ ગયો. બે દિવસ પછી ફરીથી પ્રયોગ કરવામાં આવ્યો અને બૂમ…
બીજે પ્રયાસે સફળતા
ધડાકો થયો, અને એવો તો જોરદાર થયો કે લોસ એલામોસનું આખું જંગલ ધ્રૂજી ઊઠ્યું. માનવ-આંખે આગનો એટલો પ્રચંડ વિસ્ફોટ જોયો જે દુનિયામાં પહેલા ક્યારેય નહોતો જોવા મળ્યો. ધરતી પરનો એ પહેલો પરમાણુ વિસ્ફોટ હતો.
દુશ્મનને આપી ચેતવણી
ભુરાટા થયેલા જાપાનને રોકવા માટે અમેરિકાએ એને ધમકીઓ આપી. જાપાનની રાજધાની ટોકિયોમાં એક જ રાતમાં એટલાબધા બોમ્બ ફેંક્યા કે એક લાખ લોકો મૃત્યુ પામ્યા, છતાં સમુરાઈ સંસ્કૃતિમાં માનતું જાપાન શરણાગતિ સ્વીકારવા તૈયાર ન થયું. 26 જુલાઈ, 1945ના રોજ જાપાનને છેલ્લી ચેતવણી આપવામાં આવી. તોય જાપાનના સમ્રાટે જાહેરાત કરી કે જાપાનીઓ તેમના અંતિમ શ્વાસ સુધી લડશે. હવે અમેરિકા પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો બચ્યો.
આ પણ વાંચો : મહાન સંશોધક મુસાફર કોલંબસ યહૂદી હતા તેઓ ઈટાલિયન નહીં પરંતુ સ્પેનના વતની હતા
…અને વેરાયો ભયાનક વિનાશ
અમેરિકા પાસે ‘લિટલ બોય’ નામનો યુરેનિયમ બોમ્બ તૈયાર હતો. 6 ઓગસ્ટ, 1945 ની સવારે એક અમેરિકન વિમાને જાપાનના હિરોશિમા શહેર પર બોમ્બ નાંખ્યો. બોમ્બ ફાટ્યો અને એની અગનઝાળ પોણા માઈલના વર્તુળ સુધી ફેલાઈ. એકી સેકન્ડમાં 80,000 જાપાની નાગરિકો મૃત્યુ પામ્યા. બીજા હજારો આગામી દિવસોમાં માર્યા જવાના હતા એ તો જુદા.
તોય ન ઝૂક્યું જાપાન..!
કોઈપણ દેશ બેવડ વળી જાય એવો કારમો ફટકો ખાધા પછીય જાપાને તંગડી ઊંચી જ રાખી. સરહદે ધસી આવેલ રશિયન સેના સાથે લડવાનું એણે જારી રાખ્યું. લોહીતરસી જાપાની સમુરાઈ તલવાર આસાનીથી હેઠે પડે એમ નહોતી. બે દિવસ પછી અમેરિકાએ જાપાનને ફરીથી ચેતવણી આપી, છતાં જાપાન શરણે આવવા તૈયાર ન થયું.
નાગાસાકીને બદલે આ શહેર હતું અમેરિકાનું ટાર્ગેટ
જાપાનને ખોખરું કર્યે જ છૂટકો હોવાથી અમેરિકાએ બીજો અણુ બોમ્બ રવાના કર્યો. 9 ઓગસ્ટ, 1945ના રોજ જાપાનના કાકુરો શહેરને નેસ્તનાબૂદ કરવા ગયેલા એ વિનાશગોળાએ યોજના બદલવી પડી, કેમ કે કાકુરોના આકાશમાં ગાઢ વાદળો નડ્યા. કાકુરો ન સહી તો બીજું કોઈ શહેર, પણ અમેરિકા ખાલી હાથે પાછું ફરવા નહોતું માંગતું.
આખરે નાગાસાકી પણ સ્વાહા થયું
કાકુરોમાં ન ફાવેલું વિમાન નાગાસાકી પહોંચ્યું અને ત્યાં ‘ફેટ મેન’ નામનો બોમ્બ ફેંકી આવ્યું. નાગાસાકીમાં પણ હિરોશિમા જેવો જ વિનાશ વેરાયો. તોય અમેરિકાને લાગતું હતું કે કદાચ જાપાન હજુ પણ શરણે નહીં આવે.
અમેરિકાની ટીકા અને પ્રમુખની મનાઈ
માનવજાતે કદી નહોતો જોયો એવો નરસંહાર કરવા બદલ અમેરિકાની વિશ્વભરમાં ટીકા થઈ. પ્રલય-સમાન બબ્બે અણુબોમ્બ નાંખ્યા બાદ તત્કાલીન અમેરિકન પ્રમુખ હેરી ટ્રુમેને કહી દીધું કે, ‘બસ, હવે બહુ થયું. હવે આપણે એકપણ અણુ બોમ્બ ફેંકવાનો નથી.’
છેવટે જાપાન ઘૂંટણિયે પડ્યું
બબ્બે શહેરોમાં ગમખ્વાર નુકશાની વેઠ્યા બાદ જાપાનની સાન ઠેકાણે આવી. એણે હાર સ્વીકારી લીધી. અને એ સાથે જ બીજું વિશ્વ યુદ્ધ સમાપ્ત થઈ ગયું, કેમ કે જર્મની તો ક્યારનું ઘૂંટણિયે પડી ગયું હતું. જીત્યા છતાં અમેરિકા દુનિયામાં ખલનાયક તરીકે ચીતરાઈ ગયું.
વિશ્વયુદ્ધ પછી પણ અણુ પરીક્ષણ
વિશ્વયુદ્ધ પત્યા બાદ દુનિયામાં અણુબોમ્બ બનાવવાની હોડ જામી. વિશ્વની મહાસત્તા બનવા માટે ખાસ કરીને અમેરિકા અને રશિયા વચ્ચે સ્પર્ધા જામી. અમેરિકાએ 1946માં બિકીની આઇલેન્ડ પર સમુદ્રસપાટીની નીચે એટમ બોમ્બનું પરીક્ષણ કર્યું. 1949 માં રશિયા(ત્યારે સોવિયત યુનિયન)એ પણ અણુ પરીક્ષણ કરી નાંખ્યું. એ પછી તો બંને દેશ જાણે કે અણુ બોમ્બની ફેક્ટરી જ બની ગયા.
અમેરિકાએ ચાલ ચાલી, પણ રશિયાએ વિફળ બનાવી
અણુ બોમ્બથી કેટલી હદનો વિનાશ સર્જાય છે, એની દુહાઈ દેતાં અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં એવો પ્રસ્તાવ મૂક્યો કે હવે કોઈ દેશે એટમ બોમ્બ બનાવવો જોઈએ નહીં. ડોલરિયો દેશ ચાલાકી કરવા ગયો કે જેથી એની જેમ કોઈ બીજો દેશ અણુ બોમ્બનો પાવર હસ્તગત ન કરી શકે, પણ રશિયા સવાયું સાબિત થયું. એણે એ પ્રસ્તાવને નકારી કાઢ્યો અને 1949 માં અણુ બોમ્બ વિસ્ફોટ કરવામાં સફળતા મેળવી. અહીંથી જ અમેરિકા અને રશિયા વચ્ચે શીત યુદ્ધની શરૂઆત થઈ.
અણુ બોમ્બની જન્મભૂમિમાં આજે શું છે?
જંગલની વચ્ચે જ્યાં વિશ્વના પ્રથમ અણુ બોમ્બનો જન્મ થયો હતો તે લોસ એલામોસમાં વર્તમાનમાં એક રાષ્ટ્રીય પ્રયોગશાળા કાર્યરત છે, જેમાં પરમાણુ હથિયારો ઉપરાંત અન્ય ઘણા વિષયો પર સંશોધન થઈ રહ્યું છે. અહીંથી અમેરિકાને ઘણા પ્રતિભાશાળી વિજ્ઞાનીઓ મળ્યા છે. અહીં રોગચાળાનો સામનો કરવા માટે બાયોટેક્નોલોજી પર પણ કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં ડીએનએ સિક્વન્સિંગ અને વાયરસ વિજ્ઞાનનો સમાવેશ થાય છે. અહીં કેન્સર, ડાયાબિટીસ અને અન્ય રોગોની સારવાર માટે નવી દવાઓ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે.
આજે વિશ્વમાં કેટલા અણુબોમ્બ છે?
લોસ એલામોસથી શરૂ થયેલી અણુ-દોડ પછી તો વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ ગઈ. આજે તો અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન, ચીન, ભારત અને પાકિસ્તાન સહિત ઘણાં દેશો પાસે પરમાણુ હથિયાર છે. ઈરાન અને ઉત્તર કોરિયા જેવા જોખમી દેશોએ પણ ગુપ્ત રીતે પરમાણુ હથિયાર બનાવવાની ક્ષમતા મેળવી લીધી હોવાનું કહેવાય છે. એક અંદાજ મુજબ હાલમાં વિશ્વમાં 12100 જેટલા પરમાણુ હથિયારો છે. આ તમામ એટમ બોમ્બની ક્ષમતા સમગ્ર માનવજાતને જોખમમાં મૂકી શકે એવી છે. માનવ-સભ્યતાનું નિકંદન કાઢી નાખે એવા આ અણુ-રાક્ષસ માટે બીજી બાજુ એમ પણ કહેવાય છે કે એની હાજરીને કારણે જ વિશ્વમાં શાંતિ જળવાઈ રહી છે અને કોઈપણ દેશ યુદ્ધમાં એક હદથી વધારે આક્રમક નથી થતો. આપણે આશા કરીએ કે વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધની ચપેટમાં ક્યારેય નહીં સપડાય, જેથી માનવજાતે જાપાને વેઠેલો એવો વિનાશ વેઠવાનો વારો ફરી ન આવે.