ઈરાન સામે મદદ કરવા માટે ઈઝરાયેલમાં અમેરિકા બનાવી રહ્યુ છે સિક્રેટ મિલિટરી બેઝ
image : twitter
તેલ અવીવ,તા.3 નવેમ્બર 2023,નવેમ્બર
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગની વચ્ચે એવો પણ ખુલાસો થયો છે કે, ઈઝરાયેલને મદદ કરવા માટે અમેરિકા ઈઝરાયેલમાં એક સિક્રેટ મિલિટરી બેઝ બનાવી રહ્યુ છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે હમાસ દ્વારા થયેલા હુમલાના બે હમિના પહેલા જ અમેરિકન સંરક્ષણ મંત્રાલયે આ બેઝ બનાવવા માટે કરોડો ડોલર ફાળવ્યા હતા. આ પ્રોજેકટ હેઠળ ઈઝરાયેલના નેગેવ ડેઝર્ટમાં અમેરિકન સૈનિકો માટે સિક્રેટ બેઝ બનવાનુ છે. જે ગાઝાથી થોડા જ કિલોમીટરના અંતરે છે
અને તેનુ કોડ નેમ સાઈટ 512 રાખવામાં આવ્યુ છે. અહીંયા 1000 અ્મેરિકન સૈનિકો તૈનાત કરી શકાશે.
આ મીડિયા રિપોર્ટ પ્રમાણે અહીંયા અમેરિકાએ એક રડાર પણ તૈનાત કર્યુ છે. જેની મદદથી તે ઈઝરાયેલ પર લોન્ચ થતા કોઈ પણ મિસાઈલ પર નજર રાખી શકે છે. અમેરિકા આ બેઝ ઈરાનને ધ્યાનમાં રાખીને તૈયાર કરી રહ્યુ છે. ઈરાન પાસે ઈઝરાયેલમાં ગમે તે સ્થળે માર કરી શકે તેવી મિસાઈલો છે.
સાઈટ 512ને લાઈફ સપોર્ટ ફેસિલિટી તરીકે ઈઝરાયેલ સરકાર ઓળખાવી રહી છે. અહીંયા અમેરિકન સૈનિકો માટે બેરેકો પણ બનાવવામાં આવી રહી છે. અમેરિકન પ્રમુખ બાઈડન ઈનકાર કરી ચુકયા છે કે, અમેરિકા દ્વારા ઈઝરાયેલમાં કોઈ સૈનિકો મોકલવામાં નહીં આવે પણ એવી અટકળો છે કે, અમેરિકાના સૈનિકો ઈઝરાયેલમાં પહેલેથી જ ગુપ્ત રીતે મોજુદ છે.
અમેરિકા આ મિલિટરી બેઝનુ વિસ્તરણ પણ કરશે.કારણકે અહીંથી સમગ્ર પશ્ચિમ એશિયામાં અમેરિકા કોઈ પણ જાતનુ ઓપરેશન હાથ ધરી શકે છે. જોકે અમેરિકાએ ઈઝરાયેલમાં પોતાનુ કોઈ મિલિટરી બેઝ હોવાની વાતને રદિયો આપી દીધો છે.