પાક. સ્થિત યુએસ એમ્બેસીએ અમેરિકનોને પેશાવરની કેટલીક હોટેલોમાં નહીં જવા તાકીદ કરી
- પેશાવર ગોલ્ફ કલબમાં પણ ન જવા દૂતાવાસે કહ્યું
- ખૈબર પખ્તુનવામાં શિયા-સુની વચ્ચે યુદ્ધ ચાલે છે, બલુચિસ્તાનમાં બીએલએ ખૂનખાર સ્વાતંત્ર્ય યુદ્ધ ચલાવે છે
ઇસ્લામાબાદ : અહીંના અમેરિકાના દૂતાવાસે અમેરિકનોને પેશાવર સ્થિત કેટલીક હોટેલોમાં નહીં ઉતરવા કડક સૂચના આપી છે. તે પૈકી હોટેલ-મેરીનાનું નામ અગ્રક્રમે છે. આ ઉપરાંત દૂતાવાસે પેશાવર સ્થિત ગોલ્ફ કલબથી પણ દૂર રહેવા તેના નાગરિકોને રીતસર આદેશ આપી દીધો છે. આ હોટેલ કે ગોલ્ફ કલબમાં ૧૬મી ડિસેમ્બર સુધી તો નહીં જવા ભારપૂર્વક જણાવી દીધું છે.
આ માટેનું મુખ્ય કારણ સલામતી છે. છેલ્લા કેટલાએ સપ્તાહોથી ખૈબર પખ્તુનવામાં શિયા સુની સંઘર્ષ ચાલી રહ્યો છે. તાજેતરમાં તો તેણે યુદ્ધનું સ્વરૂપ જ લઈ લીધું છે.
પાકિસ્તાન પોલીસે જ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનની સરહદે રહેલા ખૈબર-પખ્તુનવા પ્રાંતના ખુર્રમ જિલ્લામાં તાજેતરમાં જ શિયા-સુન્નિ યુદ્ધમાં ઓછામાં ઓછા ૧૦ના મૃત્યુ થયા હતા અને ૨૧થી વધુને ઇજાઓ થઈ હતી. મંગળવારે ફરી ફાટી નીકળેલા તે યુદ્ધ વિષે પોલીસે આપેલી માહિતી ઉપરથી અમેરિકાના દૂતાવાસે તેના નાગરિકને આપેલા આદેશ પ્રમાણે :
૧. પેશાવર સ્થિત સેરીના હોટેલમાં તો ન જ ઉતરવું તેમજ તેની આસપાસની હોટલોમાં પણ ન ઉતરવું.
૨. જો સેરીના કે આસપાસની હોટલોમાં ઉતર્યા હો તો તુર્ત જ ખાલી કરી નાખવી.
૩. સ્થાનિક ન્યૂઝ સતત જોતાં રહેવું. સાથે અંગત સલામતિના પગલાં તપાસવા.
૪. આસપાસની પરિસ્થિતિ જોતા રહેવી અને પૂરેપુરુ છેલ્લું આઈડી કાર્ડ સાથે રાખવું જ.
૫. સલામતી અંગેની પાકિસ્તાની સરકારે જાહેર કરેલી સૂચનાઓ ટીવી ઉપર જોતાં રહેવું તેમજ સ્થાનિક સત્તાવાળાઓ અને સલામતી દળોને સતત સહકાર આપવો.
૬. બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવા પ્રાંતો તથા પૂર્વે ફેડરલ એડમિનીસ્ટર્ડ ટ્રાઈબલ એરીયાનો (એફએટીએ) (સરહદ પ્રાંત) અત્યારે અશાંતિગ્રસ્ત છે.
૭. ભારત-પાકિસ્તાન સરહદ તેમજ લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલથી દૂર રહેવું કારણ કે ત્યાં વારંવાર (ભારત-પાકિસ્તાન વચ્ચે) ગોળીબારો થતા રહે છે.
ખુર્રમના ડેપ્યુટી કમિશનર જાવેદુલ્લાહ મેહસૂદે જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહમાં જ ૧૦૦થી વધુ લોકોના જાન ગયા છે અને ૧૮૦થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. શિયા-સુન્ની વડીલોની બેઠક મળ્યા પછી પણ તે વિસ્તારમાં શાંતિ સ્થપાઈ નથી. અત્યારે તો ખૈબર પખ્તુનવામાં વધુ પોલીસ અને સરકારી દળો મોકલાઈ રહ્યાં છે.
ગત શુક્રવારે અલિઝાઈ અને બાગત ટોળીઓ વચ્ચે પ ચીનારમાં પેસેન્જર વાનમાંના હુમલામાં ૪૭ના જાન ગયા હતા. અન્ય વિસ્તારોમાં પણ થયેલી શિયા-સુન્નીની અથડામણમાં ૩૭નાં મોત થયા હતાં.
શિયા-સુન્ની ઓએ ૭ દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી હોવા છતાં સામસામા ગોળીબારો ચાલુ છે. બંને પક્ષો એક બીજા ઉપર આક્ષેપો મુકે છે.