Get The App

અમેરિકાની ચૂંટણી : ટ્રમ્પ કે હેરિસ ? વિશ્વ ઉપર તેની શી અસર પડશે ?

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
અમેરિકાની ચૂંટણી : ટ્રમ્પ કે હેરિસ ? વિશ્વ ઉપર તેની શી અસર પડશે ? 1 - image


- ભારત માટે પરિણામોની બહુ અસર નહીં રહે પરંતુ, ચાયના, રશિયા, ઉ.કોરિયા અને ઈરાન સાવચેત છે : અમેરિકાના સાથીઓ ઉપર થોડી અસર તો પડશે જ

વૉશિંગ્ટન : વિશ્વની સૌથી સબળ સેનાકીય સત્તા અને સૌથી સમૃદ્ધ આર્થિક તાકાતના પ્રમુખ પદની ચૂંટણી ઉપર દુનિયાના દરેક દેશની નજર મંડાઈ રહી છે. પ્રશ્ન છે કોણ તે ઇન્દ્રાસન પર બિરાજમાન થશે ? બે પ્રબળ પ્રતિસ્પર્ધીઓ ટ્રમ્પ અને હેરિસ તેની સ્પર્ધામાં છે.

હવે તો ચૂંટણી આડે ૨૬ દિવસ રહ્યા છે ત્યારે ઓગસ્ટમાં તો બંને વચ્ચે કસોકસની સ્પર્ધા દેખાતી હતી. પરંતુ છેલ્લાં બે સપ્તાહમાં શ્રેણીબદ્ધ ઘટનાઓ બનતી રહી. ઉત્તર કેરોલિનામાં થયેલું વિનાશક વાવાઝોડું, મધ્ય પૂર્વમાં અચાનક વધી ગયેલી તંગદિલી, અને વાઈસ-પ્રેસિડેન્શ્યલ-ડીબેટ તથા વધી રહેલી મુદ્રા-સ્કિૃતિ (ફુગાવો) એ પૂર્વ પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ તરફે ઝોક વધારી દીધો હોય તેમ લાગે છે. તો બીજી તરફ સાત સ્વિંગ સ્ટેટ્સ પેન્સિલવાનિયા, મિશીગન, નોર્થ કેરોલિના, જ્યોર્જીયા, નેવાડા, એરિઝોના અને વિસ્કોન્ઝિન દરેકના થોડા લાખ મતો પરિસ્થિતિ ફેરવી શકે તેમ છે.

ટ્રમ્પ નોકરશાહી રાજ્ય, આંતરિક વિખવાદો ઉપર ધ્યાન કેન્દ્રિત કરાવે છે. તે સાથે ઓછા ટેક્સની તરફેણ કરે છે, વ્યાપાર-ઉદ્યોગ અને રોકાણકારોને સુવિધાઓ આપવાનું કહે છે. વસાહતીઓ ઉપર અંકુશ મુકવા માગે છે. સામાજિક સંતુલન જાળવવા કહે છે. તો બીજી તરફ કમલા યુવાનો, શહેરી મતદારો, અન્ય લઘુમતિઓ જવાબદાર શાસન અને પ્રગતિશીલ સમાજની વાત કરે છે. વિશેષત: અમેરિકામાં સૌથી વધુ પ્રમાણમાં વિદેશી વસાહતીઓમાં ભારત વંશીયો છે. સંભવત: તેવો કમલા હેરિસ તરફ ઢળે. તે સહજ પણ છે.

ભારતની વાત લઈએ તો ચૂંટણી પરિણામોની ભારત ઉપર કોઈ સીધી અસર તો પડવા સંભવ નથી. કારણ કે તે નથી અમેરિકાનું વિરોધી કે નથી કોઈ સંધિથી તેની સાથે જોડાયેલું. ભારતને અમેરિકાની લશ્કરી કે આર્થિક સહાયની પણ જરૂર નથી. તેથી આ ચૂંટણી પરિણામોની તેની ઉપર સીધી અસર થવાની સંભાવના નથી. આમ છતાં જો ટ્રમ્પ સત્તા પર આવે તો વસાહતીઓ અંગે તે કડક અંકુશો મુકે અને વ્યાપાર ક્ષેત્રે કડક નીતિ અપનાવે તો તેની થોડી અસર જરૂર થશે. પરંતુ બહુ નુકસાનકર્તા ન બની શકે.

મુખ્ય મુદ્દો તો ચીનનો છે. ટ્રમ્પ અને હેરિસ બંને ચીનની આક્રમક નીતિ-આર્થિક કે લશ્કરીનાં સખત વિરોધી છે. તેથી ચાયના પહેલેથી સાવચેત થઈ ગયું છે. ચાયના સાથે ઉ.કોરિયા, રશિયા અને ઇરાન પણ સાવચેત છે.

યુક્રેન પ્રશ્ન મહત્ત્વનો છે. ટ્રમ્પ યુક્રેનને મદદ કરવાના મતના નથી. કમલા યુક્રેનને પૂરી મદદ કરવા માગે છે. જોકે મધ્યપૂર્વ અંગે બંનેનું સમાનવલણ છે. પરંતુ ટ્રમ્પ તો તે પ્રશ્ને વધુ આક્રમક વિચારો ધરાવે છે. ટ્રમ્પ આવે તો મધ્યપૂર્વની પરિસ્થિતિ સ્ફોટક બનવા આશંકા છે. ટ્રમ્પ નાટો સંગઠનને વધુ પૈસા આપવાના મતના નથી. તેઓની અમેરિકાની ફર્સ્ટ નીતિ પ્રમાણે તેવો નાટો દેશોને ઉદાર હાથે સહાય કરવામાં માનતા નથી.

છેલ્લે ગર્ભપાતના મુદ્દે કમલા મહિલાઓ તરફે છે. ટ્રમ્પ ગર્ભપાત અંગેના નિયમો કડક રાખવા માગે છે. કમલાનું વલણ અમેરિકી મહિલાઓને આકર્ષી ગયું છે.

હવે ૪ સપ્તાહથી પણ ઓછો સમય તે ચૂંટણીને રહ્યો છે. રાહ જોઈએ પરિણામોની.


Google NewsGoogle News