અમેરિકામાં અર્લી ઓપિનિયન પોલથી બાઈડનની ચિંતા વધી, ટ્રમ્પે 7માંથી 6 રાજ્યોમાં બાજી મારી
- મતદારો નેશનલ ઇકોનોમી અંગે બાયડેનથી નારાજ છે, બાયડેન તે સુધારી શકશે કે કેમ તે માટે ગંભીર શંકા રાખે છે
વોશિંગ્ટન : નવેમ્બરમાં યોજાનારી અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી અંગે અત્યારથી જ ઓપિનિયન પોલ્સ શરૂ થઇ ગયા છે. જેમાં દુનિયાનું એક ટોચનું વર્તમાન પત્ર વૉલ સ્ટ્રીટ જર્નલ પણ સામેલ છે. આ અર્લી ઓપિનિયન પોલ્સ પરથી સ્પષ્ટત: જાણવા મળે છે કે દેશનાં ૭ મહત્વનાં રાજ્યો પૈકી ૬ રાજ્યોમાં ડોનાલ્ડ ટ્રમ્પ બાયડેન કરતાં આગળ છે, તેનું મહત્ત્વનુંં કારણ બાયડેન વહીવટી તંત્ર હાથ ધરેલી દેશની આર્થિક વ્યવસ્થા હોવાનું જાણવા મળ્યું છે.
આ સાત રાજ્યો પૈકી છ રાજ્યોમાં તો ટ્રમ્પ, આગળ છે જ, એક માત્ર વિસ્કોન્ઝીનમાં તેઓ પાછળ છે. જ્યારે એરિઝોનામાં માત્ર ૧ પોઇન્ટ પાછળ રહ્યા છે.
રીયલ ક્લીયર પોલિટિક્સ જણાવે છે કે ટ્રમ્પ બાયડેન કરતાં સરેરાશ ૦.૮ પર્સેન્ટેજ પોઇન્ટથી આગળ છે. બીજી તરફ બાયડેન પ્રમુખ તરીકેની તેમની કાર્યવાહીમાં ૧૬ ટકાથી વધુ ઊભા રહ્યા છે, ચાર રાજ્યોમાં તો આ તફાવત ૨૦ ટકા જેટલો રહ્યો છે.
પેન્સીલવેનિયા, મીશીગન, એરિઝોના, જ્યોર્જીયા, નેવાડા, નોર્થકેરોલિનામાં ટ્રમ્પ ૨થી ૮ પોઇન્ટ આગળ છે. એકમાત્ર વિસ્કોન્ઝીનમાં બાયડેન ટ્રમ્પ કરતાં ૩ પોઇન્ટ આગળ છે.
ગયા મહિને પોતપોતાના પક્ષોની ઉમેદવારોની પસંદગીમાં જો બાયડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ સરળતાથી પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. ૨૦૨૦માં બંને વચ્ચે સ્પર્ધા તો હતી જ જેમાં બાયડેન વિજયી પણ થયા હતા. પરંતુ આ વખતની ૨૦૨૪ની ચૂંટણી ખરેખરી સ્પર્ધાત્મક બની રહેવાની છે. તેમાં સમગ્ર ચિત્ર માત્ર થોડાં એક રાજ્યો પલ્લું ફેરવી શકે તેમ છે. આઈટીબી વર્તમાન પત્રે બુધવારે જણાવ્યું હતું.