અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સેલિબ્રિટીઓના પ્રચારનું ખાસ મહત્ત્વ નથી, અનેક હસ્તીઓ પર મસ્ક એકલા ભારે પડ્યા
US Presidential Election 2024 : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ડૉનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની સવારી વાજતે-ગાજતે વ્હાઈટ હાઉસ પહોંચી ગઈ છે. ચૂંટણી-પ્રચાર દરમિયાન સિનેમા અને સંગીત ક્ષેત્રની દિગ્ગજ સેલિબ્રિટીઓએ કમલા હેરિસ (Kamala Harris)ના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી હોવાથી ચૂંટણીનું પરિણામ હેરિસના પક્ષમાં આવશે એવી સૌની ગણતરી ખોટી પડી છે. અને એ સાથે જ એ પણ સાબિત થઈ ગયું છે કે, અમેરિકાની ચૂંટણીઓમાં સેલિબ્રિટીઓ દ્વારા કરાતો પ્રચાર ઝાઝું મહત્ત્વ ધરાવતો નથી.
કમલા હેરિસના સમર્થનમાં કઈ હસ્તીઓ હતી?
હોલિવૂડની વાત કરીએ તો એક આખી ફૌજ કમલા હેરિસના પક્ષમાં હતી, જેમાં જુલિયા રોબર્ટ્સ, મેરિલ સ્ટ્રીપ, જ્યોર્જ ક્લુની, જેનિફર એનિસ્ટન, આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર, સેમ્યુઅલ એલ. જેક્સન, જેનિફર ગાર્નર અને ટાયલર પેરી જેવા ધરખમ અદાકારો સામેલ છે. સંગીત ક્ષેત્રની બિયોન્સે, ટેલર સ્વિફ્ટ, જેનિફર લોપેઝ, એમિનેમ, અશર, લિઝો, ક્વોવો, મેગન સ્ટેલિયન, બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન અને સ્ટીવી વન્ડર જેવી હસ્તીઓ હેરિસ સાથે હતી. આ ઉપરાંત ઓપ્રાહ વિન્ફ્રે, મેજિક જોહ્ન્સન અને લેબ્રોન જેમ્સ જેવી હસ્તીઓનો પણ હેરિસને પૂરો સપોર્ટ હતો.
આ પણ વાંચો : ટ્રમ્પની જીતથી ચીનને નુકસાન, ઇઝરાયલ બનશે વધુ શક્તિશાળી, જાણો કયા દેશને શું અસર થશે
અને આ હતા ટ્રમ્પના સેલિબ્રિટી સમર્થકો
કમલા હેરિસની સરખામણીમાં ટ્રમ્પના સમર્થનમાં ઓછી સેલિબ્રિટીઓ ઊભી હતી અને જે હતી એમાંની ઘણી એવી હતી જેની કરિયર લગભગ પૂરી થઈ ગઈ હતી. ટ્રમ્પ સમર્થકોના નામ જોઈએ તો, મેલ ગિબ્સન, ઝાચેરી લેવી અને ડેનિસ ક્વેઈડ જેવા અભિનેતાઓ, જેસન એલ્ડેન, કાન્યે વેસ્ટ, લી ગ્રીનવુડ અને કિડ રોક જેવા સંગીતજ્ઞો તથા હલ્ક હોગન અને રસેલ બ્રાન્ડ જેવી હસ્તીઓએ ટ્રમ્પનો સાથ આપ્યો હતો. ટ્રમ્પને પડખે ઊભા રહેનારાઓમાં સૌથી મોટું અને જાણીતું નામ હતું અબજોપતિ બિઝનેસમેન ઈલોન મસ્કનું.
તોય જીતનું પલ્લું ઢળ્યું ટ્રમ્પ તરફ
આટઆટલી જાણીતી હસ્તીઓ કમલા હેરિસના સમર્થનમાં આગળ આવી હોવા છતાં છેવટે જીત્યા તો ટ્રમ્પ જ, જેને લીધે ફરી એકવાર સાબિત થઈ ગયું કે સેલિબ્રિટીઓના કહેવા મુજબ અમેરિકનો મત આપતાં નથી. આ બાબતે થોડા કારણોમાં ઊંડા ઉતરીએ.
આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પની જીત થતાં જ ચીન ચિંતામાં મૂકાયું, આ મામલે ડ્રેગનને થશે મોટું નુકસાન!
1) અમેરિકા ફક્ત ધનિકોનો દેશ નથી
સિનેમા અને સંગીત ક્ષેત્રની દિગ્ગજ હસ્તીઓ ડેમોક્રિટિક ઉમેદવારને સપોર્ટ કરે, એ કંઈ આજકાલની વાત નથી. દાયકાઓથી આવું બનતું આવ્યું છે. તેથી જ રિપબ્લિકન્સ મજાકમાં એવું કહેતા હોય છે કે ડેમોક્રેટ્સ તો દરિયાકાંઠે વસેલા ધનિક વર્ગનો પક્ષ છે. ગ્રામિણ અમેરિકામાં કરોડો લોકો વસે છે, જે પરંપરાગત ઢબે રિપબ્લિકનની નીતિઓને પસંદ કરે છે. આ વર્ગ ફક્ત કરોડોપતિ સેલિબ્રિટીઓના કહેવાથી પોતાનો મત આપે, એ વાતમાં માલ નથી.
2) સેલિબ્રિટીઓનો ટેકો લેવો નકારાત્મક પણ બની શકે
અમેરિકાનો એક મોટો વર્ગ એવું માને છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી દેશના મુદ્દાઓને લક્ષમાં રાખીને જીતવી જોઈએ. સેલિબ્રિટીઓ લાવીને રેલીઓ ગજવવામાં એક મર્યાદા હોવી જોઈએ. એમાં અતિરેક કરનાર ઉમેદવારને પોતાની ક્ષમતા અને વચનોમાં પૂરો વિશ્વાસ નથી, એવી નકારાત્મક છાપ પણ ઊભી થતી હોય છે. બની શકે કે આ ચૂંટણીમાં કમલા હેરિસને ‘સેલિબ્રિટી-પ્રચારનો ફુગાવો’ નડી ગયો હોય.
3) સેલિબ્રિટીના કહ્યાનું વજન ઝાઝું નથી હોતું
અમેરિકનો સેલિબ્રિટીઓને ખાસ ગંભીરતાથી લેતા નથી, તેમનું કામ મનોરંજન પૂરતું મર્યાદિત હોવાની એક ધારણા હોય છે. લોકો માનતા હોય છે કે સેલિબ્રિટીને બોલાવીને સદકાર્ય માટે મોટું ફંડ ભેગું કરી શકાય, પણ એમના ભરોસે ચૂંટણી ન જીતી શકાય. ચૂંટણી જીતવા માટે તો લોકોના જીવન સાથે સીધી રીતે સંકળાયેલા હોય એવા મુદ્દાઓને જ સ્પર્શવા પડે.
4) હુકમનો એક્કો સાબિત થયો મસ્ક
કમલા હેરિસને સમર્થન આપનારી સેલિબ્રિટીઓને ઈલોન મસ્કે તક મળ્યે લબડધક્કે લીધા કરી હતી. ટ્રમ્પ કઈ રીતે અમેરિકાને આગળ લઈ જઈ શકે છે એ બાબતે મસ્ક સ્પષ્ટ વાતો કરતા હતા. એમણે પૂરી આક્રમકતાથી ટ્રમ્પનું સમર્થન કર્યું હતું. દુનિયાનો સૌથી ધનિક માણસ ટ્રમ્પને ટેકો આપતો હોય તો એનું કંઈક તો કારણ હોય ને, કદાચ એવી ગણતરીએ અમેરિકનોને મસ્ક દ્વારા કરાયેલા ટ્રમ્પના પ્રચારમાં વજન લાગ્યું હતું.
5) સર્વેનું રસપ્રદ તારણ
આ વખતની ચૂંટણીના પ્રચારમાં સેલિબ્રિટીઓનું પૂર જોઈને YouGov નામની માર્કેટ રિસર્ચ અને ડેટા એનાલિટિક્સ ફર્મ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો જેનું પરિણામ કહે છે કે, સેલિબ્રિટીઓના કહેવાથી માત્ર 11 % અમેરિકનો જ તેમના રાજકીય વલણ બાબતે પુનર્વિચાર કરવા માટે પ્રેરાયા હતા. એ 11 % માંથી કેટલા લોકોએ ખરેખર સેલિબ્રિટી સમર્થનને કારણે કોઈ ચોક્કસ ઉમેદવારને મત આપ્યો હતો એ કહેવું મુશ્કેલ છે.