Us Election: અમેરિકાના રાજ્ય પાસે છે સત્તાની ચાવી! ગઈ વખતે છેલ્લી ઘડીએ ટ્રમ્પને આપ્યો હતો ઝટકો
US Election 2024: અમેરિકામાં 47મી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન થવાનું છે. અમેરિકામાં ભારતીય સમય અનુસાર સાંજે (5 નવેમ્બર) મતદાન શરૂ થશે. આ ચૂંટણીઓમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ આમને-સામને છે. અમેરિકાના પેન્સિલવેનિયામાં આ બંને ઉમેદવારોએ મતદારોને રીઝવવાના તમામ પ્રયાસો કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ માટે પેન્સિલવેનિયા વ્હાઇટ હાઉસની ચાવી હોવાનું કહેવાય છે. આ રાજ્યએ 2020ની ચૂંટણીમાં જો બાઈડનની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ રાજ્યમાં 19 ઈલેક્ટોરલ કોલેજ વોટ છે.
ઉમેદવાર પેન્સિલવેનિયા જીત્યા વિના વ્હાઇટ હાઉસમાં પ્રવેશ્યો નથી
1992થી જ પેન્સિલવેનિયાને ડેમોક્રેટિક પાર્ટીના ગઢ તરીકે જોવામાં આવે છે. અમેરિકન રાજકારણમાં તેને કોમનવેલ્થ ઓફ ડેમોક્રેટ્સ પણ કહેવામાં આવે છે. પરંતુ 2016માં અહીં રિપબ્લિકનનો વિજય થયો હતો, ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. પેન્સિલવેનિયામાં મોટી સંખ્યામાં સીટ ન મળતાના કારણે જ કમલા હેરિસ માટે અમેરિકાની ચૂંટણી જીતવી મુશ્કેલ બની શકે છે. 1948 થી, કોઈપણ ડેમોક્રેટિક ઉમેદવાર પેન્સિલવેનિયા જીત્યા વિના વ્હાઇટ હાઉસમાં પ્રવેશ્યો નથી.
હાલ પેન્સિલવેનિયામાં મોંઘવારીનો મુદ્દો મુખ્ય
પેન્સિલવેનિયાના મતદારો માટે મુખ્ય મુદ્દો મોંઘવારી છે. પેન્સિલવેનિયામાં છેલ્લા કેટલાક સમયથી ઘરેલું ખાદ્યપદાર્થોની કિંમતો ઝડપથી વધી રહી છે. પેન્સિલવેનિયામાં છ લાખ એશિયન-અમેરિકનો છે, જેમાંથી સૌથી મોટો સમૂહ ભારતીય-અમેરિકનો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસના ચૂંટણી પ્રચારે સ્વીકાર્યું છે કે તેઓ આ રાજ્યમાં તેમના સૌથી મુશ્કેલ પડકારનો સામનો કરી રહ્યા છે.
19 ઈલેક્ટોરલ કૉલેજ વોટ ધરાવે છે પેન્સિલવેનિયા
પેન્સિલવેનિયાને સ્વિંગ સ્ટેટ કહેવામાં આવે છે. એક સદી પહેલા અહીં 38 ઈલેક્ટોરલ વોટ હતા. પરંતુ અમેરિકાના ઉત્તરીય ભાગોમાં ઘણા ઔદ્યોગિક રાજ્યોના લોકો અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરી ગયા છે. જેમાં પેન્સિલવેનિયાનો પણ સમાવેશ થાય છે. પરંતુ હાલ અડધા જ એટલે કે 19 ઈલેક્ટોરલ કૉલેજ વોટ છે.
આ રાજ્યો સ્વિંગ સ્ટેટ્સ નક્કી કરશે આગામી રાષ્ટ્રપતિ
અમેરિકન ચૂંટણીમાં જીતવા માટે ઉમેદવારને 270 વોટની જરૂર હોય છે. આ વખતે સાત રાજ્યો એરિઝોના, નેવાડા, વિસ્કોન્સિન, મિશિગન, પેન્સિલવેનિયા, નોર્થ કેરોલિના અને જ્યોર્જિયાના પરિણામો નક્કી કરશે કે આગામી રાષ્ટ્રપતિ કોણ હશે. આ રાજ્યો સ્વિંગ સ્ટેટ્સ રહે છે.
આ પણ વાંચો: અમેરિકાના રાષ્ટ્રપતિને કેટલું વેતન મળે છે? સુવિધાઓ જાણીને આંખો પહોળી થઈ જશે
બંને ઉમેદવારોએ અહીં સૌથી વધુ પ્રચાર કર્યો
પેન્સિલવેનિયાની સાથે નોર્થ કેરોલિના અને જ્યોર્જિયા વિજેતા નક્કી કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે એવું છે. કારણ કે અન્ય રાજ્યોની જેમ અહીંના મતદારોએ એકતરફી મૂડ બનાવ્યો નથી. આ જ કારણ છે કે ચૂંટણી પહેલા બંને ઉમેદવારો અહીં સૌથી વધુ પ્રચાર કરતા જોવા મળ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી પ્રચારમાં નોકરીઓ પરત કરવાની સાથે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ, અપરાધની સમસ્યા અને મોંઘવારી વિશે વાત કરતા રહ્યા છે. આ સાથે તેઓ ચૂંટણીમાં થયેલી ગેરરીતિઓને લઈને પણ પ્રહારો કરી રહ્યા છે.