US Election Results : અમેરિકાની સત્તાની ચાવી સમાન 7 સ્વિંગ સ્ટેટ્સના પરિણામ, જાણો ટ્રમ્પ-કમલામાંથી કોને લીડ?
US Election Result: અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી માટે મતદાન-કાઉન્ટિંગ ચાલી રહ્યું છે. ડેમોક્રેટ કમલા હેરિસ અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. બંનેએ જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. અમેરિકાના ઈતિહાસમાં આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. અમેરિકામાં 50 રાજ્યો છે અને તેમાંથી મોટાભાગના રાજ્યો એક જ પાર્ટીને વોટ આપે છે. એવા 'સ્વિંગ સ્ટેટ્સ' તરીકે ઓળખાતા રાજ્ય જ એવા છે જે એક જ પક્ષને મતદાન નથી કરતા.
ચૂંટણીની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે 'સ્વિંગ સ્ટેટ્સ'
અમેરિકામાં એવા સાત રાજ્ય છે કે 'સ્વિંગ સ્ટેટ્સ' તરીકે ઓળખાય છે. જેમાં પેન્સિલવેનિયા, મિશિગન, વિસ્કોન્સિન, જ્યોર્જિયા, નેવાડા, એરિઝોના અને નોર્થ કેરોલિનાનો સમાવેશ થાય છે.
ચૂંટણીની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ગણાતા આ સ્વિંગ સ્ટેટ્સમાં મતદારોનું વલણ બદલતું રહે છે. પેન્સિલવેનિયાએ આ સાત રાજ્યોમાં સૌથી મોટું સ્વિંગ સ્ટેટ છે. તે 19 ઈલેક્ટોરલ વોટ ધરાવે છે. આથી પેન્સિલવેનિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે જોરદાર ટક્કર છે.
'સ્વિંગ સ્ટેટ્સ'માં હાલ ડોનાલ્ડ ટ્રમ્પ આગળ
એવામાં હવે આ સાત 'સ્વિંગ સ્ટેટ્સ'માંથી જ્યોર્જિયા અને નોર્થ કેરોલિનામાં ટ્રમ્પને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા છે. બાકીના પેન્સિલવેનિયા, મિશિગન, વિસ્કોન્સિન અને એરિઝોનામાં પણ ટ્રમ્પ આગળ છે તેમજ નેવાડામાં હજુ મતગણતરી ચાલી રહી છે.
જેને વધુ ઈલેક્ટોરલ કોલેજ વોટ મળે તે વિજેતા
અમેરિકામાં કુલ 538 ઇલેકટોરલ વોટ માટે મતદાન થાય છે. જે ઉમેદવારને 270 કે તેથી વધુ ઈલેક્ટોરલ કોલેજ વોટ મળે છે તેને ચૂંટણીનો વિજેતા જાહેર કરવામાં આવે છે. આ ચૂંટણીને ઐતિહાસિક ગણાવવામાં આવી રહી છે કારણ કે તેને છેલ્લા કેટલાક દાયકાઓમાં ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે.