અમેરિકાના 7 સ્વિંગ સ્ટેટ્સમાં કમલા હેરિસના સૂપડાં સાફ, ડોનાલ્ડ ટ્રમ્પની ક્લિન સ્વીપ
US Swing States Result: અમેરિકાના ઈતિહાસમાં આ સૌથી મહત્ત્વપૂર્ણ દિવસ છે. આ ચૂંટણીમાં ડેમોક્રેટ કમલા હેરિસ અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. અમેરિકામાં રાષ્ટ્રપતિ બનવા માટે 270 સીટો જીતવી જરૂરી છે. આટલી સીટ મેળવવા માટે સાત સ્વિંગ સ્ટેટ્સમાં જીતવું જરૂરી છે.
આ સ્વિંગ સ્ટેટ્સમાં પેન્સિલવેનિયા, મિશિગન, વિસ્કોન્સિન, જ્યોર્જિયા, નેવાડા, એરિઝોના અને નોર્થ કેરોલિનાનો સમાવેશ થાય છે. જે 93 સીટ ધરાવે છે. જેમાં ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકે આ સાત સ્વિંગ સ્ટેટ્સમાં જીત હાંસલ કરી છે.
આ જીત બાબતે ટ્રમ્પે કહ્યું હતું કે, 'અગાઉ અમે ફક્ત 2-3 સ્વિંગ સ્ટેટ્સમાં જ જીતી શક્યા હતા, પરંતુ આ પ્રથમ વખત છે કે અમારી પાર્ટીએ તમામ સ્વિંગ સ્ટેટ્સમાં જીત મેળવી છે.'
સ્વિંગ સ્ટેટ્સ કરે છે બંને પાર્ટીનું સમર્થન
અમેરિકામાં કુલ 50 રાજ્ય છે જેમાં મોટાભાગના રાજ્ય ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટી વચ્ચે વહેચાયેલા છે. ડેમોક્રેટિક પાર્ટીને ટેકો આપતા રાજ્યોને બ્લુ સ્ટેટ્સ કહેવાય છે જયારે રિપબ્લિકન પાર્ટીને ટેકો આપે તેને રેડ સ્ટેટ્સ કહેવામાં આવે છે.
જયારે અમુક રાજ્ય એવા પણ છે બંને પાર્ટીનું સમર્થન કરે છે. આ રાજ્યના મતદારો કોઈપણ પાર્ટીને ટેકો આપે છે કોઈ પાર્ટીનું પરંપરાગત રીતે સમર્થન કરતા નથી, એટલે જ તેને સ્વિંગ સ્ટેટ્સ કહેવાય છે.
સ્વિંગ સ્ટેટ્સમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળેલા મતની ટકાવારી
- પેન્સિલવેનિયામાં ડોનાલ્ડ ટ્રમ્પને 51.5% મત મળ્યા છે
- મિશિગનમાં 50.1%
- વિસ્કોન્સિનમાં 51%
- જ્યોર્જિયામાં 50.8%
- નેવાડામાં 51.5%
- એરિઝોનામાં 50.9%
- નોર્થ કેરોલિનામાં 51.1% મત મેળવીને જીત હાંસલ કરી છે.