અમેરિકામાં ટ્રમ્પ-હેરિસને સરખા મત મળતા ચૂંટણી બની રોમાંચક, હજુ 4% વોટિંગ બાકી, જાણો કેવી રીતે ચૂંટાય છે અમેરિકાના પ્રમુખ?
US Presidential Election 2024 | અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે અને 4 કરોડ કરતાં વધારે લોકો મતદાન પણ કરી ચૂક્યા છે.
5 નવેમ્બર સુધી ચાલનારા મતદાનના અંતે મતગણતરી હાથ ધરાશે ત્યારે હાલનાં વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટની રેસમાં ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હેરિસ જીતશે કે પછી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર એવા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે તેની ખબર પડશે પણ છેલ્લા સર્વે પ્રમાણે, જોરદાર ટક્કર થશે.
ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ/સિએના કોલેજ દ્વારા 20 અને 23 ઓક્ટોબરની વચ્ચે કરવામાં આવેલા છેલ્લા રાષ્ટ્રીય સર્વેમાં બંને ઉમેદવારોને 48-48 ટકા મતદારોનું સમર્થન મળશે એવી આગાહી કરાઈ છે. બાકીના 4 ટકા મતદારોએ હજુ કોને મત આપવો એ નક્કી કર્યું નથી એ જોતાં આ કમલા અને ટ્રમ્પ વચ્ચે છેલ્લી ઘડી સુધી મુકાબલો થવાનાં એંધાણ છે. સીએનએનએ ચૂંટણી અંગે રાષ્ટ્રીય સ્તરે કરેલા પોતાના છેલ્લા સર્વે પ્રમાણે પણ કમલા અને ટ્રમ્પ વચ્ચે ટાઈ પડી છે. 47 ટકા મતદારો ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને સમર્થન આપે છે અને 47 ટકા મતદારો ટ્રમ્પને સમર્થન આપે છે. સર્વેમાં કમલા અને ટ્રમ્પ વચ્ચે ટાઈ પડતાં આ મુકાબલો રસપ્રદ બની ગયા છે.
ટ્રમ્પે છેલ્લે છેલ્લે કેટલાંક રાજ્યોમાં કરેલી જોરદાર મહેનતના કારણે ચૂંટણીના માત્ર 10 દિવસ પહેલા જ બાજી પલટાઈ ગઈ હોવાનું મનાય છે. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને અત્યંત હરીફાઈવાળા રાજ્યોમાં 'લોકપ્રિય મત' જીતવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. તેમાં ટ્રમ્પ આગળ નિકળીને લીડ કાપી ગયાનું મનાય છે.
આ પહેલાંના સર્વે એવું સૂચવતા હતા કે, કમલા હેરિસનો ઘોડો વિનમાં છે. લગભગ 15 દિવસ પહેલાં આવેલા સર્વેમાં ૫ નવેમ્બરે યોજાનારી ચૂંટણી જીતવાની રેસમાં કમલા હેરિસને 47 ટકા લોકો પસંદ કરી રહ્યા હતા જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 42 ટકા લોકો પસંદ કરી રહ્યા હતા. રોયટર્સ/ઇપ્સોસના સર્વે અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ સામેની સામેની ચર્ચા પછી કમલા હેરિસની લીડ સતત વધી છે. મતદારોનું માનવું હતું કે, કમલા હેરિસે ચર્ચામાં ડોનાલ્ડ ટ્રમ્પને પછાડયા છે તેથી કમલાના જીતવાના ચાન્સ વધારે છે.
અમેરિકામાં વન નેશન, વન ઈલેક્શન પણ પ્રેસિડેન્ટ પર આખી દુનિયાની નજર
અમેરિકાના પ્રમુખની ચૂંટણી સાથે જ અમેરિકાની સસંદ એટલે કે યુએસ સેનેટ અને હાઉસ ઓફ કોંગ્રેસના સભ્યો, અમેરિકાના દરેક સ્ટેટના ગવર્નર અને દરેક રાજ્યની એસેમ્બલીની ચૂંટણીઓ યોજાય છે. અમેરિકામાં એ રીતે વન નેશન, વન ઈલેક્શન છે. અમેરિકાનાં સ્ટેટમાં કોણ ગવર્નર બને છે તેમાં દુનિયાના બીજા દેશોને રસ નથી હોતો તેથી આ ચૂંટણીઓ તરફ કોઈનું ધ્યાન નથી જતું. અમેરિકામાં પ્રમુખ સર્વેસર્વા હોય છે અને તેની પાસે અમર્યાદિત સત્તાઓ છે તેથી પ્રમુખપદે કોણ આવે છે તેમાં જ સમગ્ર દુનિયાને રસ હોય છે.
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી માટેના મુખ્ય સ્વિંગ સ્ટેટ એટલે કે જે રાજ્યોમાં કઈ તરફ મતદારો ઢળશે એ નક્કી નથી હોતું એ રાજ્યોમાં એરિઝોના, જ્યોર્જિયા, મિશિગન, નેવાડા, નોર્થ કેરોલિના, પેન્સિલવેનિયા અને વિસ્કોન્સિનનો સમાવેશ થાય છે.
આ તમામ ચૂંટણીનાં પરિણામ 10 નવેમ્બર, 2024ના રોજ આવી જશે. જાન્યુઆરીમાં અમેરિકાની સંસદ તેના પર મંજૂરીની મહોર મારે પછી 20 જાન્યુઆરી, 2025ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સના 47મા પ્રમુખ અને ૫૦મા ઉપપ્રમુખ પોતાનો કાર્યભાર સંભાળે છે.
ન્યુ યોર્કમાં 1984થી ટ્રમ્પની પાર્ટી જીતી નથી પણ ટ્રમ્પ મેદાન મારી શકે
ડોનાલ્ડ ટ્રમ્પ ન્યુયોર્કમાં ગાબડું પાડવામાં સફળ રહ્યા હોવાનું સર્વે કહે છે. ન્યૂયોર્ક સિટીને ડેમોક્રેટિક પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. કમલાની ડેમોક્રેટિક પાર્ટીના ગઢ જેવા ન્યુ યોર્કમાં ટ્રમ્પે આક્રમક પ્રચાર કર્યો છે.
ન્યુ યોર્કમાંથી કુલ 28 ઈલેક્ટોરલ મત છે તેથી કમલા ન્યુ યોર્કમાં હારે તો મોટો ફટકો પડી જાય. ન્યુ યોર્કમાં છેલ્લી 9 ચૂંટણીઓમાં માત્ર ડેમોક્રેટિક પાર્ટી જ જીતી છે. છેલ્લે રિપબ્લિકન પાર્ટી ૧૯૮૪માં ન્યૂયોર્ક જીતવામાં સફળ રહી હતી.
ઇજિપ્ત ઇન્ટરનેશનલ સ્કાય ડાઇવિંગ ફેસ્ટિવલ, એક અવિસ્મરણીય અનુભવ
ઇજિપ્તમાં ઇજિપ્ત ઇન્ટરનેશનલ સ્કાયડાઇવિંગ ફેસ્ટિવ જસ્ટ લાઇક અ ફરાહોનું આયોજન કૈરો ખાતે ગિઝાના પિરામિડોની નજીક કરવામાં આવ્યું છે. આ તેના સ્કાય ડાઇવિંગ ફેસ્ટિવલની સાતમી આવૃત્તિ છે. તેમાં જાણીતા ઇન્ટરનેશનલ ડાઇવરોએ ભાગ લીધો છે. તેમાના કેટલાય ડાઇવરોએ ગિઝાના પિરામિડ પર ઉતરાણ કર્યુ છે. 28મી ઓક્ટોબરથી શરુ થયેલો આ ફેસ્ટિવલ બીજી નવેમ્બર સુધી ચાલવાનો છે. તેમા ૪,૫૦૦થી વધુ એન્ટ્રી આવી છે. આ સ્કાય ડાઇવિંગને અકલ્પનીય અનુભવ માનવામાં આવે છે.
અમેરિકાના પ્રમુખની ચૂંટણી કઈ રીતે થાય છે ?
- અમેરિકાના પ્રમુખની ચૂંટણી માટે લોકો સીધું મતદાન કરે છે પણ પ્રમુખપદના વિજેતા ઈલેક્ટોરલ કોલેજમાં તેમને મળેલા મતોના આધારે નક્કી થાય છે.
- ઈલેક્ટોરલ કોલેજની પ્રક્રિયા થોડી અટપટી છે. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી ઈલેક્ટોરલ કોલેજ દ્વારા થાય છે પણ લોકો નહીં પણ ધારાસભ્યો અને સાંસદો સીધું મતદાન કરે છે.
- અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટેની ઈલેક્ટોરલ કોલેજમાં કુલ 538 મત છે. આ પૈકી જે ઉમેદવારને સ્પષ્ટ બહુમતી એટલે કે 270 મત મળે તે પ્રમુખ તરીકે જીતે છે.
- આ પ્રક્રિયામાં અટપટી વાત ક્યા ઉમેદવારને કેટલા ઈલેક્ટોરલ મત મળે તેની છે.
- અમેરિકામાં કુલ 50 સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા મળીને 11 વિસ્તારોમાં આ 538 ઈલેક્ટોરલ મત વહેંચાયેલા છે.
- અમેરિકાની રાજધાનીને વોશિંગ્ટન ડી.સી. કહીએ છીએ તેમાં ડી.સી. એટલે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા છે. વોશિંગ્ટન કોઈ સ્ટેટમાં નથી ગણાતું પણ અલગ જ કેન્દ્રશાસિત વિસ્તાર છે. તેને ખાસ દરજ્જો અપાયેલો છે. આ દરજ્જો એક સ્ટેટને સમકક્ષ જ છે.
- અમેરિકાના દરેક સ્ટેટને ૨૦૨૧ની વસતી ગણતરીના આધારે વસતીના પ્રમાણમાં ઈલેક્ટોરલ મતો ફાળવાયા છે.
- અમેરિકામાં દર બે ચૂંટણીએ સ્ટેટ પ્રમાણે વસતીના આધારે ઈલેક્ટોરલ મતોની ફાળવણી બદલાઈ જાય છે. દરેક દાયકાની શરૂઆતમાં અમેરિકામાં વસતી ગણતરી થાય છે ને તેના આધારે પ્રમુખપદની ચૂંટણી માટે દરેક સ્ટેટના ઈલેક્ટોરલ મત નક્કી થાય છે.
- અત્યારે જે ઈલેક્ટોરલ મતો છે એ 2024 અને 2028ની ચૂંટણી માટે અમલી રહેશે.
- લોકો મતદાન કરે ત્યારે સીધા પ્રમુખપદના ઉમેદવારને જ મત આપે છે. કોઈ પણ સ્ટેટમાં જે ઉમેદવારને લોકોના મત વધારે મળે તેને સ્ટેટના તમામ ઈલેક્ટોરલ મત મળી જાય.
- ઉદાહરણ તરીકે કેલિફોર્નિયાના ઈલેક્ટોરલ કોલેજમાં 54 મત છે. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પમાંથી કેલિફોર્નિયામાં જે ઉમેદવાર વધારે મત લઈ જાય તેને આ બધા ૫૪ મત મળી જાય.
- નેબ્રાસ્કા અને મરીન એ બે સ્ટેટને બાદ કરતાં બધા સ્ટેટમાં આ રીતે સ્ટેટના તમામ ઈલેક્ટોરલ મત સૌથી વધારે સીધા મત મેળવનારને મળે તેવી વ્યવસ્થા છે.
- આ રીતે દરેક ઉમેદવારને પોતે જીત્યા હોય એ રાજ્યોના ઈલેક્ટોરલ કોલેજના મતો મેળવતા જાય. સૌથી પહેલાં જે ઉમેદવાર 270 ઈલેક્ટોરલ મત લઈ જાય એ જીતી જાય અને અમેરિકાના પ્રમુખ બને.
અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં 11 સ્ટેટ મહત્ત્વનાં
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં મતદાન આખા દેશના નાગરિકો કરે છે પણ પચાસમાંથી 11 સ્ટેટ સૌથી મહત્ત્વનાં છે. આ 11 સ્ટેટ અમેરિકાના પ્રમુખ નક્કી કરે છે.
કેલિફોર્નિયા : 54 ઈલેક્ટોરલ મત
ટેક્સાસ : 40 ઈલેક્ટોરલ મત
ફ્લોરિડા : 30 ઈલેક્ટોરલ મત
ન્યુ યોક : 28 ઈલેક્ટોરલ મત
ઈલિનોય : 19 ઈલેક્ટોરલ મત
પેન્સિલ્વાનિયા : 19 ઈલેક્ટોરલ મત
ઓહાયા : 17 ઈલેક્ટોરલ મત
જ્યોર્જિયા : 16 ઈલેક્ટોરલ મત
મિશિગન : 15 ઈલેક્ટોરલ મત
નોર્થ કેરોલિના : 16 ઈલેક્ટોરલ મત
ન્યુ જર્સી : 14 ઈલેક્ટોરલ મત
કુલ : 270 ઈલેક્ટોરલ મત