ડોનાલ્ડ ટ્રમ્પે મતદાન પહેલા કેમ કહ્યું- હું પણ ચૂંટણી હારી શકું છું, જાણો ભવિષ્યને લઈને શું છે તૈયારી
US Presidential Election 2024: અમેરિકી પ્રમુખ પદની ચૂંટણીના પરિણામોને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે ખૂબ જ રસપ્રદ ટિપ્પણી કરી છે. એક મીડિયા ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પને પૂછ્યું હતું કે, 'શું તમને લાગે છે કે તમે આ ચૂંટણી પણ હારી શકો છો? જવાબમાં ટ્રમ્પે કહ્યું, 'હા, મને લાગે છે કે તમે જાણો છો. મને લાગે છે કે હું હારી શકું છું. પરંતુ હું માનું છું કે મારી પાસે સારી લીડ છે. જે પણ થશે તે ખૂબ જ રસપ્રદ બનશે.'
'જો ટ્રમ્પ ચૂંટણી હારી જશે તો પરિણામો સ્વીકારશે નહીં'
પૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, દેશના લોકો મંગળવારે (પાંચમી નવેમ્બર) રાત સુધીમાં વિજેતાને જાણી લેશે.' આ દરમિયાન ડેમોક્રેટ્સના સમર્થકોએ ભય વ્યક્ત કર્યો છે કે જો ટ્રમ્પ ચૂંટણી હારી જશે તો પરિણામો સ્વીકારશે નહીં. તેમને ડર છે કે જો આમ થયું તો 2021 જેવા રમખાણો થઈ શકે છે. જો કે, ટ્રમ્પના કેમ્પેનને હેન્ડલ કરતી ટીમ તરફથી એક રિપોર્ટ આવ્યો છે જે ભવિષ્ય વિશે સંકેત આપે છે.
આ પણ વાંચો: અમેરિકન પ્રમુખ બનવાના માપદંડ શું છે? જાણો નાગરિકતાથી લઈને ભણતર અને વય મર્યાદાના નિયમો
આ રિપોર્ટ અનુસાર, અમેરિકી પ્રમુખ પદની ચૂંટણીના પરિણામો જે પણ હોય, 30મી નવેમ્બર એ પ્રચાર ટીમના તમામ કર્મચારીઓ માટે કામનો છેલ્લો દિવસ હશે. તે વધુમાં જણાવે છે કે જો ટ્રમ્પ અને જેડી વેન્સ જીતે તો આ કર્મચારીઓને સત્તાવાર ટ્રમ્પ-વેન્સ ટ્રાન્ઝિશન અથવા પ્રેસિડેન્શિયલ ઈનોગ્યુરલ કમિટીમાં સ્થાન મળી શકે છે. ફ્લોરિડાના વેસ્ટ પામ બીચ ખાતેના પ્રચાર મુખ્યાલયમાંથી જારી કરાયેલા આ ઈ-મેલમાં ચૂંટણી પરિણામોને ઈશ્વરની ઈચ્છા ગણાવવામાં આવી છે. જો કે, જીતની સંભાવનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.
કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુકાબલો
અમેરિકામાં નવા પ્રમુખની પસંદગી માટે મંગળવારે (પાંચમી નવેમ્બર) મતદાન થશે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન ઉપપ્રમુખ કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુકાબલો છે. ગત ચૂંટણીમાં તત્કાલિન રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટલ બેલેટમાં ગોટાળાનો આક્ષેપ કર્યો હતો. આ વખતે ટ્રમ્પે પોતાના સમર્થકોને મતદાન મથકો પર અગાઉથી સતર્ક રહેવાનું આહ્વાન કર્યું છે.