વધુ એક યુદ્ધની તૈયારી, અમેરિકાએ મધ્યપૂર્વમાં ફાઈટર જેટ, વૉરશિપ તહેનાત કર્યા, ઈઝરાયલની બનશે 'ઢાલ'
US Deploys Fighter Jets, Warships To Protect Israel: આંતકવાદી સંગઠન હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ ઈરાન દ્વારા ઇઝરાયલ પર હુમલાનો ભય વધી ગયો છે. જેના કારણે વિશ્વમાં વધુ એક મોટા પાયે યુદ્ધ ફાટી શકે છે. અમેરિકાએ પહેલેથી જ કહ્યું છે કે ઈરાન હાનિયાના મોતનો બદલો લેવા ઇઝરાયલ પર હુમલો કરી શકે છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાએ ઇઝરાયલની સુરક્ષા માટે મધ્ય પૂર્વમાં ફાઇટર પ્લેન અને યુદ્ધ જહાજો તહેનાત કરી દીધા છે. તેહરાનમાં હમાસ નેતા અને બેરૂતમાં હિઝબુલ્લાહના કમાન્ડરની હત્યા બાદ ઈરાન અને તેના સાથીઓ દ્વારા બદલો લેવાની ધમકી બાદ અમેરિકા હરકતમાં આવી ગયું છે.
અમેરિકાએ નિવેદન આપ્યું છે કે, અમેરિકન રક્ષા વિભાગ મધ્ય પૂર્વમાં ફાઈટર જેટ સ્ક્વોડ્રનને તહેનાત કરશે. તે આ વિસ્તારમાં એરક્રાફ્ટ કેરિયરની જાળવણી કરશે. પેન્ટાગોને કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને ઈરાનના હુમલાથી ઇઝરાયલને બચાવવાની તૈયારીના ભાગરૂપે આ પગલાં લીધા છે.
આ નિર્ણય અમેરિકન સૈનિકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા અને અમેરિકન સૈન્યની હાજરીને મજબૂત કરવા માટે લેવામાં આવ્યો છે. પેન્ટાગોને ઈરાન સામે પ્રતિરક્ષા તરીકે આવતા વર્ષ સુધી આ ક્ષેત્રમાં એક એરક્રાફ્ટ કેરિયર તહેનાત રાખવાનો નિર્ણય લીધો છે. જો કે, ફાઇટર જેટ સ્ક્વોડ્રન ક્યાંથી આવશે અને તેને મધ્ય પૂર્વમાં ક્યાં તહેનાત કરવામાં આવશે તે જાણી શકાયું નથી.
રક્ષા સચિવ લોયડ ઓસ્ટીને યુરોપ અને મધ્ય-પૂર્વમાં એક્સ્ટ્રા બેલેસ્ટિક મિસાઈલ તહેનાત કરવાના આદેશ આપ્યા છે. તેની સાથે જમીનથી હુમલો કરી શકે તેવા હથિયારો મોકલવાની પણ તૈયારી શરુ કરી દેવાઈ છે. ગુરુવારે બપોરે જો બાઈડનની ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથેની વાતચીતમાં, અમેરિકન બેલેસ્ટિક મિસાઇલો અને ડ્રોનથી સંભવિત હુમલાઓ સામે રક્ષણ આપવા માટે અમેરિકાના સૈન્યની તહેનાતીની ચર્ચા કરી હતી.
મધ્ય પૂર્વ અને પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં અમેરિકાના યુદ્ધ જહાજોની તહેનાત હોય છે. તેમાં બે નેવી ડિસ્ટ્રોયર, યુએસએસ રૂઝવેલ્ટ અને યુએસએસ બુલ્કેલી તેમજ યુએસએસ વાપ્સ અને યુએસએસ ન્યુયોર્કનો સમાવેશ થાય છે. મધ્ય પૂર્વમાં અમેરિકા કયા નવા જહાજો જશે તે હજુ સ્પષ્ટ નથી.
અગાઉ અપ્રિલ મહિનામાં અમેરિકાની સેનાએ ઈરાન દ્વારા ઇઝરાયલ પર મિસાઈલ અને ડ્રોનથી કરેલા હુમલાને નિષ્ફળ કરી દીધો હતો.