ગૂગલે ગેરકાયદે સોદાઓ કરી સર્ચમાં ઇજારાશાહી સ્થાપી હોવાનો યુએસ કોર્ટનો ચૂકાદો
ગૂગલ ઇજારાશાહીનો લાભ લઇ તેની ઓનલાઇન એડના ભાવ સતત વધારવા સમર્થ
બિનસ્પર્ધાત્મક રસમો અપનાવનાર કંપની સામે યુએસ ડિસ્ટ્રિક્ટ જજ અમિત મેહતાનું કડક વલણ
વોશિંગ્ટન: ગૂગલ દ્વારા બિનસ્પર્ધાત્મક તોરતરીકાઓને અપનાવી ટોચની કંપનીઓ ગેરકાયદે સોદાઓ કરી સર્ચ મામલે દુનિયાભરમાં ઇજારાશાહી ઉભી કરવામાં આવી છે જેના કારણે સ્પર્ધા ખતમ થઇ જતાં ઓનલાઇન એડવર્ટાઝિંગમાં ગૂગલ તેના ભાવો સતત વધારવા સમર્થ છે તેમ જણાવતો ૨૭૭ પાનાનો સીમાચિન્હરૂપ ચૂકાદો યુએસ ડિસ્ટ્રિકટ જજ અમિત મેહતાએ સોમવારે આપ્યો હતો.
જજ અમિત મેહતાએ તેમના ચૂકાદામાં ગૂગલ સર્ચ એન્જિનની ગુણવત્તાની પ્રશંસા કરી હતી અને શરૂઆતમાં કંપની લોકોની પ્રથમ પસંદગી બની હોવાનું સ્વીકારતાં ઉમેર્યું હતું કે છેલ્લાએદાયકામાં માર્કેટ લીડર તરીકે પોતાની સ્થિતિ જાળવી રાખવા માટે કંપનીએ બિનસ્પર્ધાત્મક તોેરતરીકાનો આશ્રય લીધો છે. ગૂગલે આઇફોન તથા પર્સનલ કમ્પ્યુટર સહિતના અન્ય ઉપકરણોમાં ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે સ્થાન મેળવવા લાભકારક સોદાઓ કરી પોતાની ઇજારાશાહી મજબૂત બનાવી હતી.
ગૂગલે ૨૦૨૧માં જ આવા ૨૬ અબજ ડોલર્સના સોદા પાડયા હતા. જેના કારણે ગ્રાહક જાતે સેટિંગમાં જઇ ફેરફાર કરી અન્ય વિકલ્પ પસંદ ન કરે તો ગૂગલ દ્વારા જ તેની સર્ચ વિનંતી પ્રોસેસ થવા માંડી હતી જેને કારણે ગૂગલને તેના સર્ચ એન્જિનને સુધારવા માટે વિપુલ માહિતી ઉપલબ્ધ બનવા માંડી જે તેના સ્પર્ધકોને કોઇ રીતે મળે તેમ નહોતી. કેમ કે તેમની પાસે ગૂગલ જેવો વપરાશકારોનો ડેટા ઉપલબ્ધ થઇ શકે તેમ નહોતો. આ ડિફોલ્ટ રિકવેસ્ટસને કારણે ૨૦૧૭માં ગૂગલનો સર્ચ ટ્રાફિક વધીને ૬૦ ટકા થઇ ગયો હતો. મેહતાએ તેમના ચૂકાદામાં દર્શાવ્યું હતું કે આ સર્ચ ટ્રાફિક વોલ્યુમ વધવાને કારણે ગૂગલને તેની એડ વેચવાની વધારે તકો મળી જેને કારણે પેરેન્ટ કંપનીની વાર્ષિક રેવન્યુમાં ૩૦૭ અબજ ડોલર્સનો બહુમતિ હિસ્સો પેદાં થયો હતો. ગૂગલે એપલ કંપની સાથે કરેલાં સોદા અનુસાર આઇફોન તથા અન્ય ઉત્પાદનોમાં ગૂગલને ડિફોલ્ટ સર્ચ એન્જિન રાખવા માટે વર્ષે ૨૦ અબજ ડોલર્સ ચૂકવવામાં આવે છે. આ સોદો ૨૦૨૬ સુધી અમલી રહેવાનો છે તથા તેમાં તેને ૨૦૨૮ સુધી લંબાવવાનો પણ વિકલ્પ રખાયેલો છે. આ કેસમાં હવે ૬ સપ્ટેમ્બરે વોશિગ્ટન ડીસીમાં મેહતા સમક્ષ વધુ સુનાવણી થશે.
એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે આ ચૂકાદાને ગૂગલ સામે અમેરિકન પ્રજાની ઐતહાસિક જીત ગણાવી ઉમેર્યું હતું કે કોઇપણ કંપની તે ગમે એટલી મોટી કે વગદાર હોય પણ તે કાયદાથી પર નથી. ન્યાય વિભાગ દ્વારા એન્ટી ટ્રસ્ટ કાયદાઓનો કડક અમલ ચાલુ જ રાખવામાં આવશે. ગૂગલે આ નિર્ણય સામે તેઓ અપીલ કરવાની યોજના ઘડી રહ્યા હોવાનું જણાવ્યું હતું.