ન્યૂયોર્ક કોર્ટમાં ભારતીય મૂળના ન્યાયાધીશ, અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડેને સંકેત બુલસારાની નિમણૂક કરી
સંકેત જયસુખ સિક્યોરિટીઝ, કોન્ટ્રાક્ટ, નાદારી અને નિયમનકારી બાબતોના નિષ્ણાત
પિતા એન્જિનિયર અને માતા નર્સ, સંકેત અગાઉ ક્લાર્કની પણ નોકરી કરી હતી
અમેરિકન પ્રમુખ જો બાઈડે (US President Joe Biden)ને ન્યૂયોર્કના પૂર્વ જિલ્લાની કોર્ટ (New York Court)માં ભારતીય મૂળના ન્યાયાધીશ સંકેત જયસુખ બુલસારા (Judge Sanket Jayshukh Bulsara)ની નિમણૂક કરી છે. ન્યૂયોર્કની જિલ્લા અદાલતમાં સેવા આપનાર બુલસારા સિક્યોરિટીઝ, કોન્ટ્રાક્ટ, નાદારી અને નિયમનકારી બાબતોના નિષ્ણાત છે. તેમણે 2002માં હાર્વર્ડ લો સ્કૂલમાંથી જેડી અને 1998માં હાર્વર્ડ કૉલેજમાંથી એબીની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
સંકેતે ક્લાર્કથી કામ શરૂ કર્યું અને ન્યાયાધીશનું પદ મેળવ્યું
46 વર્ષીય બુલસારા 2017થી ન્યૂયોર્કના પૂર્વીય જિલ્લામાં યુએસ મેજિસ્ટ્રેટ જજ તરીકે ફરજ બજાવી રહ્યા છે. જાન્યુઆરી-2017થી મે-2017 સુધી બુલસારાએ યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનના કાર્યકારી જનરલ કાઉન્સેલ તરીકે સેવા આપી હતી. તેમણે 2015થી અપીલ મુકદ્દમા, નિર્ણય અને અમલીકરણ કાનૂની બાબતોનું સંચાલન કર્યું હતું. બુલસારાએ 2002થી 2003 દરમિયાન ન્યુ યોર્કના દક્ષિણી જિલ્લાની અપીલ કોર્ટમાં ન્યાયાધીશ જ્હોન જી.કોએલ્ટના ક્લાર્ક તરીકે પણ સેવા આપી હતી. બુલસારા યુએસ કોર્ટમાં નિયુક્ત થનાર પ્રથમ દક્ષિણ એશિયન અમેરિકન ફેડરલ જજ બનવાનું ગૌરવ પણ ધરાવે છે.
બુલસારાના માતા-પિતા 50 વર્ષ પહેલા અહીં સ્થાયી થયા હતા
બુલસારાનો જન્મ ન્યૂ રોશેલમાં થયો હતો. તેમના માતા-પિતા ભારત અને કેન્યાના વસાહતીઓ છે, જેઓ 50 વર્ષ પહેલા અહીં આવીને સ્થાયી થયા હતા. તેમના પિતા ન્યૂયોર્ક શહેરમાં એન્જિનિયર તરીકે કામ કરતા હતા. તેમની માતા એક નર્સ હતી. હાલમાં બુલસારા તેમની પત્ની ક્રિસ્ટીન ડેલોરેન્ઝો સાથે લોંગ આઇલેન્ડ શહેરમાં રહે છે.