રણમાં ગુમ થયું કપલ, બેભાન ગર્લફ્રેન્ડને તડકાથી બચાવતો રહ્યો બોયફ્રેન્ડ, આ રીતે બચ્યો જીવ

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
california desert rescued
Image Social Media

California Desert Rescued: કેલિફોર્નિયાના રણમાં તરસના કારણે બેભાન પડેલા દંપતીને પોલીસે રેસ્ક્યુ કરીને બચાવી લીધું છે. દક્ષિણી કેલિફોર્નિયાના જોશુઆ ટ્રી નેશનલ પાર્કના રણમાં ટ્રેકિંગ માટે ગયેલા એક કપલની આવી જ કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં એક વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડને તડકાથી બચાવવાના પ્રયાસમાં તેની ગર્લફ્રેન્ડ પર પડછાયા તરીકે સૂતો જોવા મળ્યો હતો.

અમેરિકન ન્યૂઝ ચેનલ ફોક્સ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે, સખત તરસના કારણે બેભાન થયેલા આ વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બંને જેટલું પાણી લઈને ગયા હતા, તે તો અધવચ્ચે રસ્તામાં જ પૂરુ થઈ ગયુ હતું. અને પછી રણમાં પાણી ન મળવાથી યુવતી બેભાન થઈ ગઈ હતી.

અધિકારીઓએ હેલિકોપ્ટર મોકલીને રણમાંથી કપલને પરત લાવ્યા 

કપલને રેસ્ક્યુ કરનારા Riverside કાઉન્ટી શેરિફ ઓફિસ દ્વારા કહેવામાં આવ્યું કે આ વ્યક્તિએ 911 પર ફોન કર્યો અને પોલીસને જણાવ્યું કે તેની ગર્લફ્રેન્ડ ખૂબ જ કમજોર થઈ ગઈ છે અને ડિહાઇડ્રેશનથી પીડાઈ રહી છે. ત્યાર બાદ તાત્કાલિક અધિકારીઓએ હેલિકોપ્ટર મોકલીને રણમાંથી કપલને પરત લાવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે બચાવકર્મીઓ દંપતી પાસે પહોંચ્યા ત્યારે બંને સૂકી જગ્યાએ પડ્યા હતા.

ગર્લફ્રેન્ડને તડકાથી બચાવવા માટે તેની પાસે સૂઈ રહ્યો

Riverside કાઉન્ટી શેરિફ ઓફિસના એવિએશન યુનિટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, જમીન પર પડેલા કપલ તરફ હેલિકોપ્ટર આગળ વધી રહ્યું છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, તે વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડને તડકાથી બચાવવા માટે તેની પાસે સૂઈ રહ્યો છે. આ રેસ્ક્યુ ગત તા. 9 જૂનના રોજ કરવામાં આવ્યું હતું. 

બચાવકર્મીઓએ પહેલા માણસને અને પછી તેની બેભાન પડેલી ગર્લફ્રેન્ડને બચાવી હતી. વિભાગે કહ્યું કે યુવતીની હાલત એટલી ખરાબ હતી કે, તબીબી સુવિધાઓ સાથેનું બીજું હેલિકોપ્ટર બચાવ સ્થળ પર લાવવામાં આવ્યું હતું, જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે. આ સાથે વ્યક્તિને પણ એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

પાયલોટે શું કહ્યું?

પાયલટ એન્ડી રાસમુસેને કહ્યું, "લોકો પૂરતાં પ્રમાણમાં પાણી લઈ જતા નથી. તેઓ પોતાની સાથે જરૂરી વસ્તુઓ લેતા નથી. લોકો 5-6 માઈલ ટ્રેક કરે છે અને પછી પાછા ફરી શકતા નથી. ગરમી ખૂબ જ વધી ગઈ છે. હવે ગરમીમાં આવુ જ થવાનું છે. જો તમે ટ્રેકિંગ માટે બહાર છો અને તમને તરસ લાગે છે, તો તમને જલ્દી થાક લાગશે અને શક્ય છે કે પછીની 10 મિનિટમાં તમારી સ્થિતિ વધુ બગડી શકે."

અત્રે નોંધનીય છે કે, કેલિફોર્નિયાનો દક્ષિણ રણ ભાગ એ પ્રદેશનો સૌથી ગરમ ભાગ છે. રાષ્ટ્રીય હવામાન વિભાગના કહેવા પ્રમાણે  9 જૂને રણમાં તાપમાન 37.8 થી 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.


Google NewsGoogle News