'બાંગ્લાદેશમાં તાત્કાલિક હિન્દુ વિરોધી હુમલાઓ બંધ કરો', અમેરિકાના નેતાએ અલ્પસંખ્યકોની સુરક્ષા પર ઉઠાવ્યા સવાલ
Violence on Hindus in Bangladesh: બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય અલ્પસંખ્યકો પર હુમલાના પડઘાં હવે હવે સમગ્ર દુનિયામાં પડી રહ્યા છે. અમેરિકન કોંગ્રેસના નેતા રાજા કૃષ્ણમૂર્તિએ ઇસ્કોનના પુજારી ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં ફેલાયેલી અશાંતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બાંગ્લાદેશની વચગાળાની સરકારને માનવાધિકારોની રક્ષા કરવા, કાયદાકીય સુરક્ષાની ગેરેન્ટી આપવા અને હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓને બંધ કરાવવાનો આગ્રહ કર્યો.
'હિન્દુઓ વિરૂદ્ધ હિંસા અસ્વીકાર્ય'
તેમણે કહ્યું કે, 'બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લોકો વિરૂદ્ધ થઈ રહેલી હિંસા અસ્વીકાર્ય છે અને તેને તાત્કાલિક રોકી દેવી જોઈએ.' જણાવી દઈએ કે, બાંગ્લાદેશમાં 25 ઓક્ટોબરે ચટગાંવમાં બાંગ્લાદેશના રાષ્ટ્રીય ધ્વજ પર ભગવો ધ્વજ ફરકાવવાના આરોપમાં ચિન્મય કૃષ્ણ દાસ વિરૂદ્ધ કરવામાં આવેલા રાજદ્રોહના કેસ બાદ આ અશાંતિ વધુ ફેલાઈ છે.
તેમની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં અલગ-અલગ જગ્યાઓ પર ખુબ વિરોધ પ્રદર્શન થયા. પ્રદર્શન એટલા હિંસક થયા કે ચટગાંવ કોર્ટની બહાર ચિન્મય દાસના અનુયાયીઓ અને બાંગ્લાદેશના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થઈ ગયું, જેમાં એક વકીલનું મોત થયું.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ મંદિર પર હુમલો! મૂર્તિઓ ખંડિત, ISKCON સેન્ટર પણ બળીને રાખ
ઇસ્કોન કોલકાતાના અનુસાર, આદિપુરુષ શ્યામ દાસ અને રંગનાથ દાસ બ્રહ્મચારીની 29 નવેમ્બરે ધરપકડ થઈ હતી, જ્યારે તેઓ કસ્ટડીમાં ચિન્મય કૃષ્ણ દાસને મળવા ગયા હતા. સંગઠનના ઉપાધ્યક્ષ રાધા રમને એ પણ દાવો કર્યો કે અસામાજિક તત્ત્વોએ અશાંતિ દરમિયાન બાંગ્લાદેશમાં ઇસ્કોન કેન્દ્રમાં તોડફોડ કરી.
સતત વધતાં તણાવ વચ્ચે બાંગ્લાદેશ જશે ભારતના વિદેશ સચિવ
વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 'વિદેશ સચિવ 9 ડિસેમ્બરે બાંગ્લાદેશની મુલાકાત લેશે અને તેઓ તેમના સમકક્ષને મળવાના છે. આ ઉપરાંત મુલાકાત દરમિયાન અન્ય ઘણી બેઠકો પણ થશે. વિદેશ કાર્યાલય પરામર્શ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક ઐતિહાસિક બંધન છે. અમે આ બેઠકની રાહ જોઈ રહ્યા છીએ.'
આ પણ વાંચો: બાંગ્લાદેશની આડોડાઈ! ભારત સાથેની ખેંચતાણ વચ્ચે બે રાજદ્વારીઓને પાછા બોલાવતાં વિવાદ
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા હુમલાઓ બંધ ન થવાથી ભારત સરકાર ચિંતિત
ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓને લઈને મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર સાથે વારંવાર પોતાની ચિંતા શેર કરી છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતાં હુમલા રોકવાની ભારત દ્વારા માંગ કરવાં છતાં યુનુસ સરકાર ત્યાંની સેના, પોલીસ અને પ્રશાસન અત્યાચાર રોકવામાં નિષ્ફળ રહી છે. તેથી, શેખ હસીનાના દેશવટો અને યુનુસ સરકારની રચના બાદ બંને દેશો વચ્ચેના તણાવ વચ્ચે ભારતીય વિદેશ સચિવ પ્રથમ વખત વિદેશ સચિવ સ્તરની બેઠક માટે ઢાકા જવાના છે.
બાંગ્લાદેશ અને ભારત વચ્ચે કયા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે?
બાંગ્લાદેશની સરકારી સમાચાર એજન્સી BSSના અહેવાલ પ્રમાણે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નિર્ધારિત વિદેશ સચિવ સ્તરની મંત્રણા ઢાકામાં 9 અથવા 10 ડિસેમ્બરે યોજાશે. ભારતીય વિદેશ સચિવ મિસ્ત્રી અને બાંગ્લાદેશના વિદેશ સચિવ મોહમ્મદ જશીમ ઉદ્દીન ઉચ્ચ સ્તરીય વાટાઘાટો દરમિયાન પોતપોતાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. આ વાટાઘાટોમાં બાંગ્લાદેશ તરફથી શેખ હસીનાના સંભવિત પ્રત્યાર્પણ અને વિઝા સંબંધિત મુદ્દા અને હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને ભારત તરફથી લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો સહિત ઘણા દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.