ટ્રમ્પના 'ટેરિફ' અને મસ્કની 'છટણી' અંગેની નીતિઓનો અમેરિકાથી યુરોપ સુધી સજ્જડ વિરોધ
US Protest Against Trump and Musk Policies: અમેરિકામાં મોટાપાયે છટણી અને દુનિયાભરમાં ટેરિફ લાદ્યા બાદ શેર બજાર ધડામ થઈ ગયું છે. ત્યારબાદ અમેરિકાથી લઈને યુરોપ સુધી ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કનો વિરોધ થઈ રહ્યો છે. શનિવારે વોશિંગ્ટન ડીસીમાં હજારો પ્રદર્શનકારી જમા થયા હતાં. પ્રદર્શનના આયોજકોએ કહ્યું કે, નેશનલ મૉલમાં આશરે 20 હજાર લોકો એકઠા થઈ શકે છે. કેનેડા અને મેક્સિકો સિવાય અમેરિકામાં આશરે 50 પ્રાંતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન કરનારના હાથમાં પેલેસ્ટાઇન અને યુક્રેનના ઝંડા પણ હતાં. ડોનાલ્ડ ટ્રમ્પ સામે ન ઝૂકનારા લોકો યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને શાબાશી આપતા પણ જોવા મળ્યા હતા.
યુરોપમાં પણ જોવા મળ્યું વિરોધ પ્રદર્શન
અમેરિકા સિવાય યુરોપના અનેક દેશોમાં પણ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. હકીકતમાં 57 દેશો પર ભારે ભરખમ ટેરિફ લગાવ્યા બાદ અમેરિકાના લોકોને પણ તકલીફ ઊભી થઈ છે. ટેરિફના કારણે અમેરિકાની જનતાને મોંઘવારીનો સામનો કરવો પડશે. બીજી બાજુ દુનિયાભરના બજાર પર તેની અસર જોવા મળી રહી છે, જેના કારણે મંદીની આશંકા પણ સેવાઈ રહી છે. વળી, ઈલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ બંનેના નિવેદન ખૂબ જ અસંવેદનશીલ જોવા મળે છે. એવામાં બંને માટે લોકોનો ગુસ્સો ફાટી રહ્યો છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પના ટ્રેડવૉરની હીટવેવમાં પીગળતાં બજાર, 9 લાખ કરોડ ડૉલરની મૂડીનું ધોવાણ
જર્મનીમાં રહેતા અમેરિકને કર્યો વિરોધ
જર્મનીના ફેંકફર્ટમાં રહેનારા અમેરિકાના નાગરિકોએ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક સામે રેલી કાઢી હતી. વળી, બર્લિનમાં ટેસ્લાના શોરૂમ બહાર સેંકડો લોકો જમા થઈ ગયા હતાં. ફેંકફર્ટમાં પ્રદર્શનકારી ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક બંનેના રાજીનામાંની માંગ કરી રહ્યા હતાં. લોકતંત્ર પરત લાવવા નારા લગાવી રહ્યા હતાં. બર્લિનમાં પ્રદર્શનકારીઓના હાથમાં કાર્ડબોર્ડ હતાં, જેના પર લખેલું હતું ‘શટઅપ ઈલોન મસ્ક, અમે તમને મત નથી આપ્યા.’ એક શ્વાનને ડ્રેસ પહેરાવવામાં આવ્યો હતો, જેના પર લખ્યું હતું કે, ‘અમે DOGE ની વિરોધમાં છીએ.’
ટ્રમ્પ-મસ્કની જોડીનો વિરોધ
ફ્રાન્સની રાજધાની પેરિસમાં પણ આશરે 200 અમેરિકન એકઠા થયા હતાં અને તેમણે રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પના નિર્ણયોનો વિરોધ કર્યો હતો. આ સિવાય લંડન અને લિસ્બનમાં પણ સેંકડો લોકો એકઠા થયા હતાં અને ડોનાલ્ડ ટ્રમ્પ-ઈલોન મસ્કની જોડીનો વિરોધ કર્યો હતો. લંડનમાં 500 જેટલાં લોકો એકઠા થયા હતાં, જેમાં હાથમાં પોસ્ટર હતું અને તેમાં લખ્યું હતું ‘સ્વાભિમાની અમેરિકા શર્મશાર છે.’
જણાવી દઈએ કે, રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત 57 દેશો પર પારસ્પારિક ટેરિફ લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ માર્કેટમાં ખળભળાટ મચી ગયો છે. વળી, હલે ઓટોમોબાઈલની આયાત પર પણ 25 ટકા ટેરિફ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ પહેલાં પણ અનેક કંપનીઓ અમેરિકાને નિકાસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ટાટા મોટર્સની માલિકીવાળી જગુઆર લેન્ડ રોવર (JLR) એ ટેક્સના માળખામાં ફેરફારને ધ્યાનમાં રાખીને બ્રિટેનમાં સ્થિત પોતાના ઉત્પાદન પ્લાન્ટમાંથી અમેરિકામાં વાહનોની નિકાસ બંધ કરી દીધી છે.