અમેરિકાએ ભારતની 2000 વિઝા ઍપોઇન્ટમેન્ટ રદ કરી, ઓટોમેટિક 'બોટ'ના માધ્યમથી કરાઈ હતી અરજી
US Cancels 2000 Visa Interview Appointment: ડોનાલ્ડ ટ્રમ્પની સત્તામાં વાપસી બાદ અમેરિકામાં ઘણા મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. ટેરિફ મુદ્દે ચાલી રહેલો હોબાળો હજુ સમાપ્ત થયો નથી ત્યાં ભારતમાં યુએસ એમ્બેસીએ 2000થી વધુ વિઝા ઍપોઇન્ટમેન્ટ રદ કરી છે. તેની પાછળ છેતરપિંડીની પ્રવૃત્તિઓ હોવાનું કહેવાય છે. આ ઍપોઇન્ટમેન્ટ્સ ઓટોમેટિક 'બોટ'ના માધ્યમથી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ વિઝા અરજીમાં કેટલીક અનિયમિતતાની ફરિયાદો મળતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઍપોઇન્ટમેન્ટ કેમ રદ કરવામાં આવી?
ભારતમાં યુએસ એમ્બેસીએ બુધવારે જણાવ્યું હતું કે, 'ભારતીય કોન્સ્યુલર ટીમ બોટ્સ દ્વારા કરવામાં આવેલી આશરે 2,000 વિઝા ઍપોઇન્ટમેન્ટ્સ રદ કરી રહી છે. અમારી શેડ્યુલિંગ નીતિઓનું ઉલ્લંઘન કરનારા એજન્ટો અને ફિક્સર માટે અમે ઝીરો ટોલેરન્સ ધરાવીએ છીએ. તાત્કાલિક અસરથી, અમે આ નિમણૂકોને રદ કરી રહ્યા છીએ અને પ્રશ્નમાં રહેલા એકાઉન્ટ્સના શેડ્યુલિંગ વિશેષાધિકારોને સ્થગિત કરી રહ્યા છીએ.
એજન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ
યુએસ એમ્બેસીએ વિઝા ફ્રોડની જાણ કર્યા બાદ 27 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસે અનેક વિઝા અને પાસપોર્ટ એજન્ટ સામે કેસ નોંધ્યો હતો. દૂતાવાસના જણાવ્યા અનુસાર, આ એજન્ટોએ અરજદારોના વિઝા મેળવવા માટે નકલી ડૉક્યુમેન્ટ સબમિટ કરીને યુએસ સરકાર સાથે છેતરપિંડી કરી હતી. રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે મે અને ઑગસ્ટ વચ્ચે, એમ્બેસીએ આંતરિક તપાસ હાથ ધરી હતી અને બહુવિધ IP એડ્રેસ સાથે જોડાયેલા 30 એજન્ટોની યાદી તૈયાર કરી હતી.
30 હજાર રૂપિયામાં ઍપોઇન્ટમેન્ટ
એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અમે અમારા બાળક માટે વિઝા ઇન્ટરવ્યુની તારીખ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જે ગયા વર્ષે યુએસ યુનિવર્સિટીમાં દાખલ થવાનો હતો, પરંતુ તે કરવા માટે કોઈ ઍપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ ન હતી, અમે એક એજન્ટને 30,000 રૂપિયા ચૂકવ્યા અને ઍપોઇન્ટમેન્ટ મળી ગઈ. એ જ રીતે, B1/B2 માટે વેઇટિંગ છ મહિના કરતાં વધુ છે, પરંતુ રૂ. 30-35,000 ચૂકવવાનો અર્થ એ છે કે વ્યક્તિ એક મહિના કે તેનાથી ઓછા સમયમાં વિઝા મેળવી શકે છે.